"ઓલિમ્પિક-લંડન 2012"માં સાઇનાએ પૂરી તાકાત અને જોશથી રમીને બેડમિન્ટનમાં યિહાન વાંગને હરાવીને બ્રોન્ઝ મેડલ અંકે કરી લીધો હતો. આખું ભારત જ્યારે આ ખુશીમાં સામેલ હોય ત્યારે સ્વાભાવિક છે કે સાઇનાનાં માતા-પિતા પણ આ અદભુત ક્ષણે ખુશીમાં ગરકાવ થઈ જ ગયાં હોય!
સાઇના નેહવાલની ઉત્કૃષ્ટ રમતને લીધે ભારત બેડમિન્ટનમાં અન્ય દેશોને હંફાવતું થયું છે. કાંસ્ય ચંદ્રક જીતી લાવવાની આ ક્ષણે પોતાની પુત્રીની મહેનત અને સાદગીને બિરદાવતાં સાઇના નેહવાલના પિતા ડો. હરવીરસિંહ શું કહે છે? સાથે સાથે એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે કે, એક પિતા તરીકે તેમણે પોતાની પુત્રીને આગળ વધારવા કેવો સંઘર્ષ ખેડ્યો છે.
"સાઇનાએ જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે હું ઓફિસના મિત્રો કે પરિચિતો પાસેથી લોન લેતો હતો. સાઇનાનાં ટ્રાવેલિંગ, હોટેલ્સનાં બિલ મેં ઘણીવાર તેમની મદદથી ચૂકવ્યાં છે."
પ્રશ્ન : ભારત મેડલ તો જીતવાનું જ હતું, સાઇનાની જીતથી તમે ખરેખર ભાવુક થઈ ગયા હતા?
જવાબ : હા, જ્યારે મારી દીકરી આટલી મોટી જીત મેળવતી હોય તો હું પિતા તરીકે લાગણીશીલ થઈ જ જાઉં. સાઇનાએ અમારા માટે જીવન ઘણું સરળ બનાવી દીધું છે.
પ્રશ્ન : તો તો તમે ચોક્કસપણે ગર્વ અનુભવતા હશો?
જવાબ : હું નહીં, આખો દેશ ગર્વ અનુભવે તેવી આ સુખદ ઘટના છે. સાઇનાએ એ સાબિત કરી આપ્યું છે કે નાના શહેરની છોકરીઓ પણ અપાર પરિશ્રમથી સફળતા મેળવી શકે છે.
પ્રશ્ન : સાઇનાના મમ્મી ઉષા નેહવાલનું સાઇનાની જીત બાદ શું કહેવું છે?
જવાબ : સાઇનાની માતા તેના કરિયર બાબતે એકદમ કડક છે. સાઇના ક્યારેય મેચ પહેલાં કે પછી તેની મમ્મી સાથે વાત નથી કરતી. સાઇના હારે ત્યારે તેની મમ્મી તેને ઉપરાછપરી સવાલો કર્યા કરે છે, કારણ કે દરેક માતાની જેમ તે પણ પોતાની દીકરીની અથાગ મહેનત જોતી હોય છે અને તે ઇચ્છે છે કે તેની દીકરી હંમેશાં જીતે.
પ્રશ્ન : સાઇનાને ગોલ્ડ મેડલ ન મેળવવાનો અફસોસ છે?
જવાબ : હા, તેણે ફોન ઉપર મને કહ્યું હતું કે તમે બહુ ભાવુક ન થઈ જાવ. મારે તો હજુ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનો છે. હું કાંસ્ય ચંદ્રક મેળવીને સંપૂર્ણપણે ખુશ નથી.
પ્રશ્ન : સાઇના સેમિફાઇનલમાં હારી ત્યાર બાદ તમે કેવી રીતે એને અહીં રહીને પ્રેરણા આપી?
જવાબ : તે કોઈની સાથે વાત કરવા નહોતી માંગતી. પરંતુ તે હંમેશાં પોતાની મેચ પહેલાં અને પછી મને કાયમ ફોન કરે છે. તેણે મને કહ્યું કે, “પપ્પા હું સ્ટેજ ઉપર સેન્ટરમાં ઊભી રહેવા માગું છું. મારે સાઇડમાં નથી ઊભું રહેવું.” એ સમયે મેં એને એટલું જ કહ્યું કે, “તું તારી આગામી મેચ માટેની તૈયારી કર અને તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર.” હું તેને હંમેશાં પ્રોત્સાહિત કરું છું. એટલે તે કાયમ મારી સાથે વાત કરે છે.
"મને એ વાતનો અફસોસ છે કે જે દીકરીએ મને આજે આટલી ખુશીઓ આપી છે તેના માટે હું બાળપણમાં એક ઢીંગલી પણ નથી લાવી શક્યો. જો કે એ બાબતે સાઇનાએ ક્યારેય મને કોઈ ફરિયાદ પણ નથી કરી."
પ્રશ્ન : સાઇનાની રમત માટે તમે નાણાંનું આયોજન કેવી રીતે કરતા હતા?
જવાબ : સાઇનાએ જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે હું ઓફિસના મિત્રો કે પરિચિતો પાસેથી લોન લેતો હતો. સાઇનાના ટ્રાવેલિંગ , હોટેલ્સનાં બિલ મેં ઘણીવાર તેમની મદદથી ચૂકવ્યાં છે. આજે સાઇનાને ઓલિમ્પિકમાં રમીને જીતતી જોવી તે મારે માટે તો એક સપનાં જેવું છે. આજે તો ખરેખર એ બધા લોકોનો આભારી છું જેમણે મને ખરા સમયે મદદ કરી હતી.
પ્રશ્ન : ઓલિમ્પિક બાદ સાઇના માટે તમે ખાસ કોઈ આયોજન કર્યું છે?
જવાબ : ખરેખર તો અમે તેના માટે ખાસ કંઇ કર્યું જ નથી. મેં તેને નાનપણથી સારું સારું ખવડાવ્યું છે એથી વિશેષ કંઇ નહીં. અમે ખુશીઓ મનાવવા ક્યારેય મોટી રેસ્ટોરાંમાં નથી ગયાં, અમે દરેક ખુશીઓને ઘરમાં જ ઊજવી છે. મને એ વાતનો અફસોસ છે કે જે દીકરીએ મને આજે આટલી ખુશીઓ આપી છે તેના માટે હું બાળપણમાં એક ઢીંગલી પણ નથી લાવી શક્યો. જો કે એ બાબતે સાઇનાએ ક્યારેય મને કોઈ ફરિયાદ પણ નથી કરી.
સાઇનાના પિતા સાથેની વાતચીત પરથી સહેજે લાગે કે આવી પુત્રી પર દેશને તો ગર્વ હોવાનો જ, પરંતુ પિતાને વિશેષ ગર્વ હોય કે પોતાની લાડકી ઢીંગલીને ભલે રમવા માટે રમકડાંની ઢીંગલી ન અપાવી શક્યા, તેમ છતાં તેમની વહાલી ઢીંગલીએ રમતની દુનિયામાં આખા વિશ્વમાં પોતાનું નામ ગાજતું કરી દીધું છે.
MP / KP
Reader's Feedback: