મારે કોઈ કોઇ વખત મારી ગ્રાન્ડ ડોટરને નિશાળમાંથી એ છૂટે ત્યારે લેવા જવું પડે છે. આમ તો એની માતા જ લેવા જતી હોય છે. પણ ક્યારેય એને કંઈ કામ હોય અને અનુકૂળ ન હોય તો હું લેવા જાઉં.
પ્રાઈમરી વર્ગો છૂટે છે ત્યારે એ સંસ્થાના દરવાજા આગળ વૃક્ષોની છાયામાં બાળકોને લેવા આવેલાં માતા-પિતા, કે વાલીઓનો એક મજાનો માહોલ રચાય છે. રોજબરોજ આ રીતે મળી જતી માતાઓ... ધીરે ધીરે મિત્ર બની અરસપરસમાં ભળે છે ને એકબીજાનાં બાળકો સાથે અંદરોઅંદર પાર્ટીઓ પણ ગોઠવે છે. તેઓ વધુ સોશિયલ બને છે.
એકવાર હું મારી ગ્રાન્ડ ડોટરને લેવા ગયેલો. એ સમયે બે મમ્મીઓ વચ્ચે થતો વાર્તાલાપ કાને પડેલો.
"અમીષા, કાલે તો મારે જબરું થયું !" સોના બોલી
"કેમ શું થયું ?" અમીષાએ પૂછ્યું.
"અલી, કાલે હું મારું લાઈસન્સ રિન્યુ કરાવવા ગયેલી.." કારકુને પૂછ્યું - "બેન વ્યવસાય શો?" સોનાએ સ્પષ્ટતા કરી.
મેં કહ્યું, "અરે વ્યવસાય તો કશો નથી -
એ ભાઇ બોલ્યા, " ડેશ કરી દઉં ?"
"ઊભા રો ભાઇ" મેં કહ્યું, "લખો, વ્યવસાય માતા તરીકેનો"
એ ભાઇ બોલ્યા, "બહેન, એ વ્યવસાય શી રીતે કહેવાય? ચાલો, ગૃહિણી તરીકેનો, ઘરકામનો વ્યવસાય એમ લખું છું!"
એ ભાઇના આ શબ્દો સાંભળી તરત જ મેં તેમને સમજ પાડી કે તમે પુરુષો-બાબુઓ ઘરમાં પત્ની કે માતા કામ કરે છે તેની નોંધ જ લેતાં નથી. કેટલું કામ કરે છે સ્ત્રી-માતા તરીકે બાળકને નવડાવવું, ધોવડાવવું, ઉછેરવું-તેના ભણતર તરફ ધ્યાન આપવું, શીખવવું, શાળામાં મૂકવા જવું-લેવા જવું-તેના નાસ્તાની ફિકર કરવી. વાર્તાઓ કહેવી કે ગીતો શીખવવાં. બીમાર પડે ત્યારે સતત એની પાછળ મંડ્યા રહેવું, અને આ કારકુનો-બાબુઓને આની શી ખબર પડે.
અમીષાબેને સોનાબેનની વાતને ગંભીરતાથી ટેકો આપ્યો. "વાત તો ખરી જ છે! આપણે તૂટી જઈએ એટલું કામ કરીએ છીએ.
આ પ્રસંગને બે- ત્રણ મહિના વીતી ગયા.
હવે અમીષાબેનને લાઈસન્સ રિન્યુ કરાવવાનું થયું. તેઓ પહોંચી ગયાં આર.ટી.ઓ.માં .એ જ હાલત ફોર્મમાં ભરવા માટે કારકુને પ્રશ્ન કર્યો - "બહેન વ્યવસાય?"
અમીષાબેન બોલ્યાં, "બાળવિકાસમાં સંશોધનકાર્ય."
"એટલે?" કારકુને પૂછ્યું.
અમીષાબેન રૂઆબભેર બોલ્યાં, "બાળકોની ગતિવિધિ પર સતત ધ્યાન રાખવાનું. ઘરમાં કે ઘરબહાર શાળામાં - એ શું કરે છે, કેમ વર્તે છે એને શાની જરૂર છે ? એ બીમાર ન પડે એનીય તકેદારી રાખવી પડે..."
પેલો કલાર્ક આભો બની આ સાંભળી રહ્યો ને બોલ્યો, "બહેનજી, સમજાઇ ગયું... ઘરમાં માતા જે કરે એટલું જ લગભગ તમે કરો છો એટલે મેં "બાળસંશોધન" કહેવાય એ લખી દઉં છું."
સ્ત્રી માટે બહારની જોબ કરતાં ઘરની આ જોબ એ સૌથી કઠિન હોય છે. ગૃહિણીનું કામ ઓછું મહત્વનું નથી. તે પરિશ્રમ, આવડત અને સમય-શક્તિ માગી લે છે - માટે તો કહેવાયું છે એક સો શિક્ષક બરાબર એક માતા.
સ્ત્રીની આ જોબ વિરલ છે. પુરુષોએ સ્ત્રીઓને ઊંચો દરજ્જો આપવો જોઇએ. એનો આરંભ ફિલ્મથી થશે. હમણાં જ શાહરુખ ખાને કહ્યું કે - સ્ક્રીન પર પહેલું નામ અભિનેત્રીનું મુકાશે નહીં કે અભિનેતાનું, ધન્યવાદ શાહરુખજી.....!
YM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: