સોનાનો ઝળહળાટ ઝાંખો પડવાની શરૂઆત થઇ ચૂકી છે. દસ વરસથી પીળી ધાતુ ઇન્વેસ્ટરો અને સટોડિયાઓની પ્યારી દિલબર બનીને રહી હતી. તેણે 600 ટકાથી વધુ વળતર આપ્યું હતું. પરંતુ જેમ દરેક સારી ચીજનો અંત આવે જ છે તેમ સોનાની તેજીનો દોર હાલ પૂરતો તો પૂરો થઇ ગયો છે. સોનામાં 2003થી સુમારે 275 ડોલરના ભાવથી તેજી ચાલુ થઇ અને સપ્ટેમ્બર 2011માં 1900 ડોલરની સપાટી જોવાઈ. 2012ના ઉત્તરાર્ધમાં તેજીનું જોર તૂટી ગયું, પણ ભાવ તૂટ્યા છેક હમણાં. 15 એપ્રિલે ન્યૂયોર્કમાં જૂન વાયદો 1321 ડોલર બોલાઈ ગયો. ઘટ્યા મથાળે ટેકો આવે છે, પણ બજારનો વક્કર બદલાઈ ચૂક્યો છે. જ્યાં દરેક ઘટાડે લેવાની ટીપ ફરતી હતી ત્યાં ઉછાળે વેચવામાં શાણપણ મનાય છે.
ભારતમાં સોનાના ભાવ સપ્ટેમ્બર 2011માં રૂ. 33,000ને આંબી ગયેલા તે ગયા અઠવાડિયે રૂ. 25,270 જેવા થઇ ગયા, જો કે ત્યાર પછી થોડા સુધાર્યા. ડોલર સામે રૂપિયો નબળો ન પડ્યો હોત તો હજી વધુ ઘટાડો જોવાત. સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ભાવ ટકાવવામાં મદદરૂપ બને છે.
સોના વિશેના વર્તારામાં નાટ્યાત્મક ઘટાડો આવ્યો છે. ગયા મે મહિનામાં સટોડિયાઓને 2000 ડોલરની સપાટી હાથવેંતમાં લાગતી હતી. આ વર્ષની 25 ફેબ્રુઆરીએ અમેરિકાની ખ્યાતનામ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે 2013 માટેનો વર્તારો 1810 ડોલરથી ઘટાડીને 1600 અને 2014 માટેનો વર્તારો 1750 ડોલરથી ઘટાડીને 1450 કર્યો. 10 એપ્રિલે તેણે 2013 માટે 1450 ડોલરના અને 2014 માટે 1270 ડોલરના ભાવની આગાહી કરી. અને 15 એપ્રિલે તો 1321 ડોલરનો ભાવ જોવાઈ પણ ગયો.
સોનામાં લાલચોળ તેજી હતી ત્યારે એમ કારણ અપાતું કે વિકસિત દેશોની મધ્યસ્થ બેંકો પસ્તીની જેમ નોટો છાપતી હોવાથી ડોલર સહિતનાં ચલણો મૂલ્ય ગુમાવશે. યુરોપમાં સરકારી કરજ સંબંધી કટોકટી સર્જાઈ અને યુરો ઝોન તૂટી પડવાની શક્યતા ઊભી થઇ. અમેરિકામાં સરકારી ઘટાડવાના મુદ્દે બે મુખ્ય પક્ષો વચ્ચે ખેંચતાણ થઇ અને ઈરાનના અણુકાર્યક્રમે બળતામાં ઘી હોમ્યું. આ બધાને લીધે ભારે અનિશ્ચિતતાનું વાતાવરણ પેદા થયું જે સોનાની તેજીને માફક આવે એવું હતું.
જે કારણોથી સોનામાં તેજી થઇ હતી તે હજી પણ મોજુદ છે. આમ છતાં હકીકત એ છે કે સોનામાં ખૂબ મોટી અને લાંબી તેજી જોવાઈ છે. કોઈ પણ શેરમાં કે જણસમાં, ગમે તેવી મજબૂત તેજી પણ કાયમી હોતી નથી. સોનામાં નીચાભાવે ટેકો મળતો દેખાશે, પણ દરેક ઉછાળે નવી વેચવાલી આવશે. ગોલ્ડમેન સાક્સે 2013 અને 2014 માટે જે ભાવોની આગાહી કરી છે તે ભાવો તેની આગાહી કરતાં વહેલાં જોવા મળે તો પણ આશ્ચર્ય પામશો નહિ.
યુરોપમાં કાચુંપાકું સમાધાન થયું અને યુરોઝોન તૂટી પડવાની શક્યતા દૂર ધકેલાઈ ગઈ ત્યારથી સોનામાં ધ્યાન બદલાવાની શરૂઆત થઇ. બીજું, અમેરિકા હવે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કાર્યક્રમ નીચે બોન્ડ ખરીદવાનું (અર્થાત્ નવું નાણું પેદા કરવાનું) બંધ કરે તેવા અણસાર છે. અહીં અગાઉ લખ્યું હતું તેમ એ પૈસો તેલ, સોનું અને શેરોના સટ્ટામાં રોકાતો હતો. ડોલરનો પ્રવાહ અટકે તો સટ્ટાની તેજી ચાલે કઈ રીતે?
અત્યારની મંદીનું નિમિત્ત બન્યું સાયપ્રસ. આ ટચૂકડો દેશ તોતિંગ મુશ્કેલીમાં છે અને કરજ ચૂકવવા પોતાનું સોનું વેચવા કાઢશે એવા અહેવાલ છે. સાયપ્રસ સોનું વેચે તો બજારમાં માલ ભરાવો તો થાય જ, પણ બીજા કેટલાક દેશો પણ એવું કરે એવી શક્યતાથી ગભરાયેલા તેજીવાળાઓએ લેણ ફૂંકવા માંડતા ભાવો પટકાયા. દુનિયાનો કદાચ સૌથી જાણીતો સટોડિયો જ્યોર્જ સોરોસ ક્યારથી કહે છે કે સોનામાં તેજી પૂરી થઇ ગઈ છે. તે તો ક્યારનો ય ગોલ્ડ ફંડ અને ગોલ્ડ કંપનીના શેરોમાંથી નીકળી ગયો છે. એસપીડીઆર ગોલ્ડ શેર્સ નામના મ્યુચ્યુઅલ ફંડ પાસે આ વર્ષે 7.7 અબજ ડોલરના યુનિટો રિડીમ્પ્શન માટે આવ્યા છે.
આમ જુઓ તો જે કારણોથી સોનામાં તેજી થઇ હતી તે હજી પણ મોજુદ છે. છેલ્લા બે-એક મહિનાથી જાપાને તેના મહામંદીમાં સપડાયેલા અર્થતંત્રને બેઠું કરવા નવું નાણું પેદા કરવાની નીતિ અપનાવી છે. સાયપ્રસે બેંક ડિપોઝિટરોનાં નાણાં પડાવી લઈને બહુ ખોટો દાખલો બેસાડ્યો છે. અમેરિકામાં સરકારી ખાધ ઘટાડવા અંગે બંને મુખ્ય પક્ષો વચ્ચેની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. ઈરાનના અણુકાર્યક્રમ વિશેની મંત્રણાનો છેલ્લો દોર નિષ્ફળ ગયો છે. એટલું ઓછું હોય તેમ નાનકડું અને કંગાળ પણ લડાયક અને માથાભારે એવું ઉત્તર કોરિયા ધમકી આપે છે કે અમે દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા પર અણુબોમ્બ નાખીશું!
આ છતાં હકીકત એ છે કે સોનામાં ખૂબ મોટી અને લાંબી તેજી જોવાઈ છે. કોઈ પણ શેરમાં કે જણસમાં, ગમે તેવી મજબૂત તેજી પણ કાયમી હોતી નથી. સોનામાં નીચા ભાવે ટેકો મળતો દેખાશે, પણ દરેક ઉછાળે નવી વેચવાલી આવશે. ગોલ્ડમેન સાક્સે 2013 અને 2014 માટે જે ભાવોની આગાહી કરી છે તે ભાવો તેની આગાહી કરતાં વહેલાં જોવા મળે તો પણ આશ્ચર્ય પામશો નહિ.
સોનાના ભાવઘટાડાના એક આડપરિણામ તરીકે સોનું ગીરવે રાખીને લોન આપનારી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રિઝર્વ બેંક ક્યારની ચેતવણી આપતી હતી કે સોના સામે ધિરાણ કરવામાં ધ્યાન રાખજો. પણ સોનાના ભાવો વધતા હતા ત્યાં સુધી એ ચેતવણી બહેરા કાને અથડાતી હતી. હવે બાજી પલટાઈ ગઈ છે ત્યારે ગોલ્ડ લોન કંપનીઓને નવેસરથી લેખાંજોખાં માંડવાનો સમય આવ્યો છે.
સોનું અને તેલ જેવી જણસોના ભાવ ઘટે તે ભારત માટે રાહતજનક છે. આ રાહત અલબત્ત અત્યંત મર્યાદિત હશે. ભારતની વિદેશી ચુકવણીની સમતુલા ખોરવાઈ ગઈ છે તેનું કારણ તેલ કે સોનાના ઊંચાભાવ નથી, પણ માંદલી નિકાસ છે. આયાતી માલ સસ્તો થાય તેનો હરખ ચોક્કસ કરીએ પણ ખરી જરૂર નિકાસની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાની છે.
ભારતના લોકોએ સોનાના ભાવમાં આવેલા ઘટાડાને સ્વાભાવિક રીતે જ બે હાથ પહોળા કરીને આવકાર્યો છે. ભારતવાસીઓનો સોના પ્રત્યેનો લગાવ અગાધ છે. સંતાનોનાં લગ્નની તૈયારી કરી રહેલાં મધ્યમવર્ગના લાખો કુટુંબોને આમાં કુદરતની મહેર દેખાય છે. સોનું સસ્તું થયાના ખબર ફેલાતાં જ મુંબઈમાં અને અન્યત્ર ઝવેરીઓની દુકાને ખરીદનારાઓની ભીડ જામી હતી. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ખરીદકાર દેશ છે. સવાલ એ છે કે ભારતની માગ સોનાની મંદીને કેટલી ખાળી શકશે?
ભારતીય અર્થતંત્ર માટે પણ સોનાનો ભાવઘટાડો આવકારપાત્ર છે. ભારતની વિદેશી લેવડદેવડની સમતુલા છેક જ ખોરવાઈ ગઈ છે. ડિસેમ્બર 2012માં પૂરા થયેલા ત્રણ મહિનામાં ચાલુખાતાની ખાધ (સેવાઓ અને ચીજવસ્તુઓની આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) રાષ્ટ્રીય આવકના 6.7 ટકાની ભયજનક સપાટી પર હતી. 2012-13માં 491 અબજ ડોલરની આયાતો સામે નિકાસ માત્ર 300 અબજ ડોલરની હતી. સાદી ભાષામાં કહીએ તો આપણે ત્રણ રૂપિયાની કમાણી સામે પાંચ રૂપિયાની ખરીદી કરીએ છીએ. આયાતોમાં તેલ અને સોનું સૌથી મોખરે છે. અત્યારે એમ લાગે છે કે માત્ર સોનું જ નહિ, તેલ, તાંબું અને ખાતર જેવી અનેક ચીજોમાં તેજીનાં વળતાં પાણી છે. તે નવી જાગતિક મંદીનો સંકેત છે કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ જણસોના ભાવ ઘટે તે ભારત માટે રાહતજનક છે.
આ રાહત અલબત્ત અત્યંત મર્યાદિત હશે. દરેક વસ્તુને તેની બીજી બાજુ હોય છે. અમેરિકા જો ક્વોન્ટિટેટિવ ઇઝિંગના નામે નવું નાણું પેદા કરવાનું બંધ (અથવા ઓછું) કરે તો ભારત સહિતના ઊભરતા દેશોમાં વિદેશી મૂડીનો પ્રવાહ પણ પાતળો પડી જાય. ભારતની વિદેશી ચુકવણીની સમતુલા ખોરવાઈ ગઈ છે તેનું કારણ તેલ કે સોનાના ઊંચાભાવ નથી, પણ માંદલી નિકાસ છે. 2012-13માં 360 અબજ ડોલરના લક્ષ્યાંક સામે વાસ્તવિક નિકાસ માત્ર 300 અબજ ડોલર થઇ જે આગલા વર્ષ કરતા ય 1.7 ટકા ઓછી હતી. ધનિક દેશોના અર્થતંત્રો ફરીથી ધમધમતાં નહિ થાય ત્યાં સુધી ભારતના માલની ખપત વધવાની નથી. ઈન્ફોસીસ અને વિપ્રોના પરિણામો પરથી લાગે છે કે સોફ્ટવેરક્ષેત્ર પાસેથી પણ બહુ આશા રાખવા જેવું નથી. આયાતી માલ સસ્તો થાય તેનો હરખ ચોક્કસ કરીએ પણ ખરી જરૂર નિકાસની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાની છે.
VP / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: