સ્વરા ડૅાક્ટર હતી અને તેથી અમેરિકન પ્રતીકને તે ગમી ગઈ. સ્વરાને ના કહેવાનું કોઇ જ કારણ ન હતું, કેમ કે પ્રતીક પણ ડૅાક્ટર હતો અને તેથી પૂરાં ઠાઠથી લગ્ન થઇ ગયાં. છ મહિને સ્વરા આવી ત્યારે અમેરિકાનો નશો પહેલાં છ મહિના રહ્યો.
નિયમિત ક્લિનિકે જતો પ્રતીક ધીમે ધીમે ઘરે વધુ રહેવા લાગ્યો અને સ્વરાને મેડિકલની પરીક્ષા જલદી પૂરી કરવા સમજાવવા માંડ્યો.
સમય જતાં ખબર પડી કે પ્રતીક તો લગ્ન પહેલાંનો સસ્પૅન્ડ થયેલ નકામો ડૅાક્ટર છે તેને તો આખી જિંદગી તબીબી કાર્ય મળવાનું નથી.
ભારતમાં માતા-પિતા ઉદાસ. પડ્યું પાનું નિભાવી લેવાની વાતો આવી.
સ્વરા કહે આ તો હળાહળ જુઠાણું છે. વકીલને પૂછ્યું તો કહે હા, આ જુઠાણું છે...તમે ભારત જઇને છૂટાછેડાનો કેસ દાખલ કરાવો…પણ તેમ કરવામાં અમેરિકાનો વસવાટ પ્રશ્નાર્થચિહ્નમાં નહીં આવી જાય? શું જરૂરી છે? કરિયર કે લગ્નજીવન?
દ્વિધામાં રહેતી સ્વરાની મદદે તેના સિનિયર ડૅાક્ટર ગોમ્સ આવ્યા.
તેઓ કહે “પ્રતીક તને મારઝૂડ કરે છે?”
“ના.”
“તારી પાસે આ નાનકડા જૂઠ સિવાય ક્યારેય એવું બન્યું છે કે તારું કોઇ પણ પ્રકારે શોષણ કર્યું હોય...તારી ઈચ્છા વિરુદ્ધ કોઇ કુકર્મ કર્યું હોય?”
“ના.”
“તેના ઘરમાં તને રાખી હોય અને ઘરનું ભાડું કે ખાવાપીવાનો ખર્ચો માંગ્યો હોય?”
“હા. અને ત્યારે તો ખબર પડી કે ભાઇ કમાતાં જ નથી.”
“હેં?”
“તારા એની સાથે વિધિસરનાં લગ્ન તો થયાં છે ને?”
“ હા. અને એ સર્ટિફિકેટ ઉપર તો હું અહીં આવી છું”
“હવે બે વાત સ્પષ્ટતાથી સમજ. એક તેણે કાયદાની દ્રષ્ટિએ કોઇ જ મોટો ગુનો નથી કર્યો અને તે જે કહે છે અને કરે છે તે અમેરિકાની ભાષામાં કાયદેસર છે. બીજી વાત છૂટાછેડા લીધા પછી તારે તેને ભરણપોષણ આપવું પડશે.”
“એ જબરું ! એ સસ્પેંડેડ છે તે ઘટના છુપાવી તે ગુનો નહીં? મારે તેને પાલવવાનો તે ગુનો મારો?”
ડૅા. ગોમેઝ કહે, ”સ્વરા, પહેલાં તો ભારતમાં જે સાચું તે અહીં ખોટું હોઇ શકે છે. અહીંના કાયદા પતિ અને પત્ની બંનેને બધી જ બાબતે સરખો હક્ક આપે છે. તેથી બધું જ સહિયારું તેમ માનીને ચાલ.”
“આ તો છેતરપિંડી જ કહેવાય ને?”
“હા, અને કાયદાકીય રીતે તું તારી કારકીર્દિમાં સ્થિર થાય તો પણ અને ના સ્થિર થાય તો પણ તું જ વધારે નુકસાનમાં છે તે સમજીને ભારતમાં તેના વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરીશ તો પણ તને મળેલ અમેરિકન પાસપોર્ટ જશે નહીં અને તેનો તારા ઉપરનો હક્કદાવો પણ મટશે નહીં.”
“તો?”
આ પ્રશ્નાર્થચિહ્નનો ભાર લઇને સ્વરા આજે પણ ભણે છે...ભણી રહ્યાં પછી ભારત પાછા જવાની વાત ઉપર પ્રતીક મૂછમાં હસે છે…
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: