સોનિયા ગાંધીએ 1999માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે બેલ્લારીની પસંદગી કરવામાં આવી હતી. સોનિયા ગાંધી વિદેશી કૂળના હોવાનો વિરોધ કોંગ્રેસમાં જ થયો હતો અને શરદ પવાર, પી. એ. સંગમા અને તારિક અનવરને પક્ષ છોડવો પડ્યો હતો. સોનિયા ગાંધી સામે ભાજપે બેલ્લારીમાં સુષ્મા સ્વરાજને ઉતાર્યા હતા. સુષ્મા સ્વરાજ ત્યાં સુધીમાં ભાજપના મધ્યમ હરોળના નેતા હતા. દિલ્હીમાં તેમને મુખ્ય પ્રધાન બનાવાયા હતા, પણ 1998માં ભાજપ તેમના નેતૃત્ત્વમાં ચૂંટણી હારી ગયો હતો.
સુષ્મા સ્વરાજ માટે ભાવી રાજકીય કારકિર્દીમાં એક મહત્ત્વનું કદમ લેવાનું હતું અને તેમણે બેલ્લારીમાં ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. સોનિયા ગાંધી સામે સુષ્માને લડવા મોકલો તેવું સૂચન રામકૃષ્ણ હેડગેએ કરેલું તેમ મનાય છે. તે વખતે હેગડે અને ભાજપની દોસ્તી કર્ણાટકમાં ચાલતી હતી. સુષ્માને ખ્યાલ હતો કે સોનિયા ગાંધી સામે હારી જવાનુ છે, પણ એ હાર પછી ભાજપમાં અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમણે એક કદમ આગળ વધવાનું હતું.
સુષ્માએ સારી લડત આપી અને બેલ્લારીમાં હાર્યા પણ તેઓ ભાજપના રાષ્ટ્રીય નેતાઓમાં સ્થાન પામી શક્યા. દેશના રાજકારણમાં પણ એક મહિલા નેતા તરીકે તેઓ અગ્રીમ હરોળમાં આવી ગયા હતા. તે પછી 2004માં તેમણે ફરી એક વાર સોનિયા ગાંધી સામે ચેલેન્જ ઊભી કરી હતી. 2004માં કોંગ્રેસને સત્તા મળી. સોનિયા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે નારા લાગવા લાગ્યા ત્યારે આ વખતે કોંગ્રેસમાંથી નહીં, પણ ભાજપમાંથી સુષ્મા સ્વરાજે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આટલા વિશાળ દેશમાં એક વિદેશી કૂળની વ્યક્તિ સર્વોચ્ચ સ્થાન પર બેસે તે વાજબી નથી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી વડા પ્રધાન બનશે તો પોતે મુંડન કરાવી નાખશે.
મહિલા પોતાનું માથું બોડાવી નાખે તે બહુ મોટી વાત છે. સુષ્માની આ ચેલેન્જની ભારે ચર્ચા તે વખતે થઈ હતી. જોકે સોનિયા ગાંધીએ પોતાની રીતે જ વડા પ્રધાન તરીકે મનમોહન સિંહને પસંદ કર્યા હતા અને તે વ્યૂહ વધારે ફાયદાકારક સાબિત થયો હતો.
દસ વર્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે કેન્દ્રમાં સત્તા સંભાળી છે. સુષ્મા અને સોનિયાની લડાઈમાં સોનિયા જીત્યા છે તે સ્પષ્ટ છે, પણ ફાયદો સુષ્માને પણ થયો છે. સુષ્મા લોકસભામાં વિપક્ષના નેતા છે. દેશના સર્વોચ્ચ ગૃહમાં સોનિયા સામે સુષ્મા છે અને આ બે નારી શક્તિનો સંઘર્ષ હજીય અટક્યો નથી. અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી સામે પડીને જે કરી રહ્યા છે તે સુષ્મા સોનિયા ગાંધી સામે લડીને કરી ચૂક્યા છે.
ઉમા ભારતી માટે એ તક હતી, પણ તેઓ એ ચેલેન્જ સ્વીકારી શક્યા નથી. તેમને હાલમાં ઝાંસીની બેઠક આપવામાં આવી છે. ભોપાલ બેઠક એલ. કે. અડવાણીને કારણે ભાજપમાં વિવાદવાળી બની, નહિતો ઉમા ભારતીની ઈચ્છા ભોપાલ બેઠકની પણ હતી, કેમ કે તેઓ ભોપાલની બેટલ એક વાર ભાજપમાં જ હારી ચૂક્યા છે.
સુષ્મા દિલ્હીમાં સીએમ બનેલા, તે રીતે ઉમા ભારતી પણ મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમને થોડા સમયમાં જ ભાજપે સારું બહાનું શોધીને હટાવી દીધેલા. તે પછી ઉમાની સતત પડતી થઈ છે. ભાજપ છોડી દીધો હતો. ફરી પાછા ભાજપમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં 2007માં જવાબદારી મળી હતી તેમાં પણ નિષ્ફળતા મળી.
સુષ્માને દિલ્હીમાં નિષ્ફળતા મળી પછી સોનિયા સામે લડીને તેઓ ફરી પાછા લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઉમા ભારતી માટે તક હતી. તેઓ રાયબરેલીમાં સોનિયા ગાંધી સામે લડે તેવી વાતો વહેતી થઈ. ઉમા ભારતી તૈયાર પણ થઈ ગયા, પણ તેમણે કહ્યું કે ઝાંસી બેઠક છોડશે નહીં. બે બેઠક પર લડશે તેવી વાત કરી.
વીરાંગના રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને કહેલું કે મેં મેરી ઝાંસી નહીં દુંગી. જોકે ઉમા ભારતીએ ભગવા પહેર્યા છે, પણ કેસરિયા કરવાની તેમની ત્રેવડ નથી. ઝાંસી બેઠક છોડી દે અને રાયબરેલીમાં લડવા જાય તો તેમણે એક મુદત માટે શહિદ થઈ જવું પડે. એ રિસ્ક તેઓ લેવા તૈયાર થયા નથી. સુષ્માએ 1999માં બેલ્લારીમાં લડવાનું હતું ત્યારે તેઓ ઘરે જ બેઠા હતા. ઉમા ભારતીને કદાચ એવી આશા છે કે ભાજપની સરકાર કેન્દ્રમાં બનશે તો પોતાને એક નાનકડું પ્રધાનપદું મળી જશે. પણ નરેન્દ્ર મોદીનો ભરોસો નહીં. પ્રધાનપદના નેચરલ દાવેદાર હોય તેમને મોદી પ્રધાન બનાવતા નથી. પોતાના કહ્યાગરા રહે તેવા નેતાઓને જ પ્રધાન બનાવે છે.
તે સંજોગોમાં ઉમા ભારતીએ ફક્ત સામાન્ય સંસદસભ્ય બની રહેવાને બદલે સોનિયા ગાંધી સામે હારેલા ઉમેદવાર તરીકે વધારે સારી ઓળખ અપનાવી લેવાની જરૂર હતી. ભાજપમાં સુષ્મા એક જ મોટા મહિલા નેતા અત્યારે છે. ઉમા ભારતી આમ તો તેમની હરોળના ગણાય, પણ મહિલા ભાજપ નેતા તરીકે. ભાજપના ટોચના નેતાઓની હરોળમાં બેસવાનું આવે ત્યારે સુષ્મા બેસે, ઉમા નહીં. ઉમા ભારતી પાસે એક તક હતી, પણ ગુમાવી છે. મધ્ય પ્રદેશમાં ભવિષ્યમાં નેતૃત્ત્વ પરિવર્તનની શક્યતા ઊભી થાય ત્યારે પણ ઉમા ભારતીને આ બાયોડેટા કામ આવ્યો હોત, પણ લાગે છે કે ભૂતકાળમાં આ મિજાજી સાધ્વીએ મરજી મુજબ જ વર્તન કર્યું તેવું આ વખતે પણ કર્યું છે. ભગવો રંગ પણ તેમને પાકો ચડ્યો નથી અને રાજકારણનો રંગ પણ તેમને પાકો ચડ્યો નથી.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: