
સયાજી હોસ્પિટલમાં દાખલ આજવા રોડના યુવકનું શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના કારણે ગત રાતે મોત નિપજયું હતુ. બનાવની જાણ થતાં સેવાસદનના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. આજે પરોઢીયે માત્ર ચાર વ્યકિતઓની હાજરીમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના દર્દીના મૃતદેહને નિયમોનુસાર પ્લાસ્ટીકના એરટાઈટ કવરમાં લપેટીને તેની અંતિમવિધિ પુરી કરી દેવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ટુકડીએ મૃતક યુવકના લોહીના નમુના અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતા. તેમજ યુવકના પરિવારજનોને પણ કોન્ટેક્ટ ટ્રીટમેન્ટ આપી હતી.
આજવારોડ પર રહેતા ૩૦ વર્ષીય રાકેશ નામના યુવક પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. શનિવારે તબિયત લથડતાં પરિવારજનોએ તેને ગોત્રી મેડીકલ કોલેજમાં લઈ ગયા હતા. તેના બિમારીના લક્ષણો જોતાં તેને શંકાસ્પદ સ્વાઈન ફ્લૂ હોવાનું પ્રાથમિક નિદાન થતા જ તબીબો ચોંકી ઉઠયા હતા અને તેને તેને તુરં ત સયાજી હોસ્પિટલમાં રિફર મેમો સાથે મોકલવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટેના ખાસ વોર્ડમાં રાકેશને દાખલ કરાયો હતો. જોકે ટુંકી સારવાર બાદ ગત રાતે તેનું મોત નિપજયું હતુ.
બીજીતરફ શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના દર્દીના મોતની જાણ થતા સેવાસદનના આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી હતી. આરોગ્ય વિભાગની ટૂકડીએ રાકેશના લોહીના નમુના લીધા હતા અને તેને પરિક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતા. પરિવારજનોને સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીના મોત બાદ તેની અંતિમવિધિ અંગેના નિયમોથી સુચિત કર્યા હતા. નિયમોનુસાર રાકેશના મૃતદેહને પ્લાસ્ટીકના એરટાઈટ કવરમાં લપેટીને આજે પરોઢીયે ચાર વાગે માત્ર ચાર પરિવારજનોની હાજરીમાં સ્મશાનમાં લઈ જઈ અગ્નિદાહ અપાયો હતો.
MP/RP
Reader's Feedback: