ગુજરાતી રંગભૂમિના પીઢ અભિનેતા પ્રતાપ ઓઝાનું 93 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાતી રંગભૂમિના પ્રથમ પંક્તિના કલાકારોમાંના એક પ્રતાપભાઈએ તેમની અભિનય કારકિર્દી 1937માં શરૂ કરી હતી. જશવંત ઠાકર અને ચંદ્રવદન ભટ્ટ સાથે પ્રતાપભાઈ આધુનિક ગુજરાતી રંગભૂમિના પ્રણેતા હતા.
પ્રતાપભાઈના અંતિમસંસ્કાર બુધવારે સાંજે વિલે પાર્લે સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા, દિગ્દર્શક એવા પ્રતાપ ઓઝાનો જન્મ અમદાવાદમાં 20 જુલાઇ 1920ના રોજ થયો હતો.
1937માં રંગભૂમિમાં ઝંપલાવનાર પ્રતાપભાઈએ ગુજરાતી રંગભૂમિ ઉપરાંત હિંદી-ઉર્દૂ નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમને પૃથ્વીરાજ કપૂર, બલરાજ સાહની, ડો. મુલ્કરાજ આનંદ જેવા દિગ્ગજ કલાકારો-દિગ્દર્શકો સાથે ઘરોબો હતો. પ્રતાપભાઈએ ‘આપઘાત’, ‘શાહજહાં’, ‘પુનરાવર્તન’, ‘તરસ્યો સંગમ’, ‘સુમંગલા’, ‘નરબંકા’, ‘અલ્લા બેલી’ વગેરે જેવાં નાટકોમાં કામ કર્યું હતું.
પ્રતાપભાઇએ ઢળતી ઉંમરે પણ અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ‘શરારત’, ‘ક્યા દિલને કહા’, ‘સાડે સાત ફેરે’ તથા સુપરહિટ ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’નો સમાવેશ થાય છે.
DP
Reader's Feedback: