સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ આજે દુનિયાની વસ્તી સાત અબજના આંકને વટાવી ગઇ છે. યુનાઇટેડ નેશન્સના કહેવા અનુસાર વિશ્વની વસ્તી 700 કરોડના આંકને વટાવી ચૂકી છે. યુનોએ તેની વિધિવત્ પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી છે. માત્ર 50 વર્ષમાં વિશ્વની વસ્તી બમણી થઇ છે. યુનોના મતે વર્ષ 2010થી 2015 સુધીમાં ભારતની વસ્તી સૌથી વધુ ઝડપે વધશે. યુનોના અંદાજ મુજબ પાંચ વર્ષમાં ભારતની વસ્તીમાં 13 કરોડ પચાસ લાખનો વધારો થશે. જ્યારે ચીનમાં 8 કરોડ વસ્તી વધશે.
આજથી પચાસ વર્ષ પહેલાં વિશ્વની વસ્તી 3 અબજ હતી અને વર્ષ 2100 સુધીમાં આ વસ્તી 10 અબજ સુધી પહોંચશે. છેલ્લાં 200 વર્ષમાં વિશ્વની વસ્તી રોકેટ ગતિએ આગળ વધી છે. યુનોના મતે સૌથી વધુ વસ્તી વિકાસદર વિકાસશીલ દેશોમાં જોવા મળ્યો છે.
આજે વસ્તી સાતસો કરોડ થઇ છે, ત્યારે આ વધતી વસ્તીના લીધે ગરીબી, બેકારી, ભૂખમરો અને મોંઘવારીમાં ઉત્તરોત્તર કેટલો વધારો થશે અને ત્યારે વસ્તી વિસ્ફોટ કેટલો ભયાનક બનશે તેની કલ્પના કરવી શક્ય નથી.
સન 1000માં વિશ્વની વસ્તી 40 કરોડ હતી, જે 1800માં વધીને એક અબજ થઇ હતી. છેલ્લાં ચાલીસ વર્ષમાં વિશ્વની જનસંખ્યા 350 કરોડથી વધીને સાતસો કરોડ થઇ છે. વિશ્વમાં દર સેકન્ડે પાંચ બાળકનો જન્મ થાય છે અને બે વ્યક્તિના મોત થાય છે. આજે સાડા ત્રણ લાખ બાળકોનો જન્મ થશે તેમાંના 75 હજાર બાળક એકલા ભારતમાં જન્મશે. જ્યારે ચીનમાં 46 હજાર અને નાઇજીરીયામાં 17 હજાર બાળકોનો જન્મ થશે. આ અંગે નિષ્ણાંતોના મતે આધુનિક તબીબી સુવિધાઓના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને જન્મદર વધ્યો છે. યુનોના કહેવા અનુસાર 2050 સુધીમાં વિશ્વની 86 ટકા વસ્તી વિકસિત રાષ્ટ્રોમાં હશે. હાલ ભારતની વસ્તી 121 કરોડ છે જે 2050 સુધીમાં 161 કરોડને વટાવી જશે.
Reader's Feedback: