Home» Politics» Gujarat Politics» Poonam madam special interview

ટિકિટની લાલચે ભાજપમાં નથી જોડાઈ: પૂનમ માડમ

અગમ ઈકબાલ | November 23, 2012, 01:09 PM IST
poonam madam special interview

જામનગર :

જામનગરના માડમ પરિવારના મહિલા અગ્રણી અને ખંભાળિયા બેઠકના કોંગ્રેસનાં દાવેદાર રહેલાં પૂનમબેન માડમે અચાનક કોંગ્રેસનો 'હાથ'  છોડી ભાજપનું ‘કમળ’ પકડી લીધું અને ભાજપે તાત્કાલિક પૂનમબેનને ટિકિટ પણ ફાળવી દીધી છે. આ વીજળિક પલટાથી કોંગ્રેસ પણ ડઘાઈ ગઈ છે. પૂનમબેન માડમે જીજીએન સાથે કરેલી મુલાકાતમાં તેઓના આ નિર્ણય અને પોતાની રણનીતિ અંગે ખુલ્લાં મને ચર્ચા કરી હતી. પ્રસ્તુત છે પૂનમ માડમ સાથેની વાતચીતના અંશ....

પ્ર: પૂનમબેન, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા પાછળ આપની રાજકીય ગણતરી શું છે?
જ:
કોઈ એવી ખાસ ગણતરી નથી પણ છેલ્લા કેટલાક સમયથી મને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ઉપર વિશ્વાસ વધતો જતો હતો. મને લાગ્યું કે ભાજપને મજબૂત કરવા માટે મારે પક્ષમાં જોડાવું જોઈએ એટલે મેં આ નિર્ણય લીધો છે.

પ્ર: આપ ભાજપની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા કે કોંગ્રેસથી નારાજ થઈને?
જ:
બંને.. ભાજપની નીતિરીતિ, કાર્યપદ્ધતિમાં મને વિશ્વાસ વધી રહ્યો હતો તો સામે કોંગ્રેસમાં નિર્ણયશક્તિના અભાવથી મારો વિશ્વાસ ધીમેધીમે ઘટી રહ્યો હતો.

પ્ર: આપને ભાજપમાં જોડાવવા માટે ગાંધીનગરથી કોઈ વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો હતો એ વાત સાચી?
જ:
કોંગ્રેસનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ મને જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયેથી પક્ષમાં આવકારતો ફોન આવ્યો હતો. ગાંધીનગરથી પણ ફોન આવ્યો હતો.

પ્ર: આપને ભાજપમાં જોડાશો તો ટિકિટ મળશે એવી ખાતરી અગાઉથી જ અપાઈ હતી?
જ:
ના. એવી કોઈ ખાતરી આપવામાં આવી ન હતી. પક્ષ જે કોઈ ભૂમિકા સોંપે તે નિભાવવાના કોલ સાથે મેં ભાજપ પ્રવેશ કર્યો હતો. મને ભાજપમાં વિશ્વાસ છે.

પ્ર: આપના સગા કાકા હોવા છતાં વિક્રમ માડમને આપની સામે વિરોધ કેમ છે?
જ:
લોકશાહીમાં કોઈને પણ વિરોધ કરવાનો અધિકાર છે. જાહેરજીવનમાં બધાની વિચારધારા જુદી જુદી હોઈ શકે છે.

પ્ર: ભાજપમાં આપના પ્રવેશને આપના કાર્યકર્તાઓ સ્વીકારશે ખરા?
જ:
મારા કાર્યકર્તાઓ મારી સાથે જ છે. તેઓ પણ મારા જેવી જ લાગણી ધરાવે છે અને આગામી સમયમાં એક મોટું જૂથ ટેકેદારો, કાર્યકરો પણ ભાજપમાં પ્રવેશ કરશે.

પ્ર: કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી આપના મતોનું વિભાજન કરશે એમ આપ માનો છો?
જ:
જરા પણ નહિ. આખું ભાજપ સંગઠન સાથે મળીને કામ કરશે. મેં પાછલાં વર્ષોમાં કરેલાં કામોને લોકો યાદ કરે છે એ જોતાં આખો વિસ્તાર મારી સાથે રહેશે અને મને જંગી લીડથી જીત મળશે.

પ્ર: આપ આપના મતવિસ્તારની સમસ્યાઓથી પરિચિત છો?
જ:
ખૂબ જ સારી રીતે. પાછલાં વર્ષોમાં ગામડે ગામડે ફરી છું, લોકોને મળી છું, તમામ સમાજના લોકો સાથે ઘરોબો કેળવ્યો છે. તેમના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા પ્રયાસો કર્યાં છે. ફાધરનાં નામે ટ્રસ્ટ બનાવી સમાજ ઉપયોગી કામો કર્યાં છે.

પ્ર: આપ કયો મુદ્દો લઈને મતદારો પાસે જશો?
જ:
વિકાસ. નરેન્દ્રભાઈ મોદીનું સફળ નેતૃત્વ. અધૂરાં કામો પૂરાં કરવા સત્તાપક્ષને સાથ. લોકોને ખબર છે કે હું કામ કરું છું, એટલે ભાજપ સાથે જોડાઈને વધુ સારી રીતે કામ કરવાનાં લક્ષ્યને જ પ્રાધાન્ય આપીશ.

AI / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %