મજબૂરી ઉદ્ધવ ઠાકરેની છે. શીવ સેનાના સુપ્રીમો બલાસાહેબ ઠાકરેની ગેરહાજરી વર્તાઈ રહી છે. વૃદ્ધ તોય વાઘ હતો અને વાઘની ત્રાડથી ભલભલા ધ્રૂજતા હતા. બાલાસાહેબની હાજરીમાં રાજ ઠાકરેને મહત્ત્વ આપવાનું ભાજપ વિચારી પણ શકતો નહોતો. આજે બાલાસાહેબ નથી ત્યારે રાજ ઠાકરેનું જ મહત્ત્વ વધ્યું છે અને ઉદ્ધવ ઠાકરે માટે રાજકીય મજબૂરી ઊભી થઈ છે.
ભાજપના બેય હાથમાં લાડુ છે. તેમને ઉદ્ધવ ઠાકરે નહિતો રાજ ઠાકરે... બેમાંથી જેની સેના જીતે તેનો સાથ મળવાનો છે. તેથી ઉદ્ધવ ઠાકરેના મનામણા કરવાની કોશિશ ભાજપ કરી રહ્યો છે અને નરેન્દ્ર મોદીએ પણ ઉદ્ધવને ફોન કરીને વાતને થાળે પાડવાની કોશિશ કરી તે વાત ફક્ત પબ્લિક કન્ઝમ્પશન માટે છે. ખાનગીમાં ગરજ ઉદ્ધવ ઠાકરેને છે, ભાજપને નથી. નરેન્દ્ર મોદી પોતાની શરતે રાજકારણ કરે છે. બીજાની શરતો માન્ય રાખીને તેઓ ચાલતા નથી. અડવાણી કે મુરલી મનોહર જોષી જેવા વડીલોને કોરાણે બેસાડી શકતા નરેન્દ્ર મોદી ઉદ્ધવ ઠાકરેની દાદાગીરી ચલાવે તેમ નથી. પાસવાન જેવા દુશ્મનોને પણ તેમણે નમાવીને પછી પાછા લીધા છે. પાસવાન ભલે પહોળા પહોળા થઈને ફરતા હોય, મજબૂરી તેમની જ હતી. બિહારમાં એકલે હાથે તેમને એકેય બેઠક મળે તેમ નથી. કેશુભાઈ અને ગોરધન ઝડફિયાને પણ નમાવીને પછી પાછા લેવામાં આવ્યા છે. વિઠ્ઠલ રાદડીયા જેવા મજબૂત નેતા સાથે જોડાણ કરતી વખતે પરસ્પર ગરજ હતી. પણ જે શબ્દ અગત્યનો છે એ છે - પરસ્પર. રાદડીયાને પણ એટલી જ ગરજ હતી. પિતા પુત્ર એકલા હાથે બે બેઠકો જીતી લાવે, પણ પછી વિધાનસભામાં બેસીને કરવાનું શું?
મહારાષ્ટ્રમાં પણ કહી શકાય કે પરસ્પર ગરજ છે. ભાજપ અને શીવસેનાને પરસ્પર ગરજ છે, પણ વ્યક્તિગત રીતે ઉદ્ધવ ઠાકરેની તો રાજકીય મજબૂરી જ છે. મજબૂરી એટલા માટે કે આ વખતની ચૂંટણીમાં એ કસોટી થઈ જવાની છે કે બાલાસાહેબ ઠાકરેનો વારસો કોની પાસે જશે. તેમની ગેરહાજરી પછી પહેલી વાર ચૂંટણી આવી છે. લાગણીથી દોરવાતા શીવ સૈનિકો માટે નિર્ણય કરવાનું કઠીન છે. રાજ ઠાકરેની પ્રતિભા આકર્ષે તેવી છે, પણ બાલાસાહેબ શીવસૈનિકોને જવાબદારી સોંપી છે ઉદ્ધવ ઠાકરેને સાચવવાની. એ લાગણી કેટલી અસરકારક રહે છે તેની કસોટી થઈ જશે. ભાજપ પણ ટેસ્ટ કર્યા વિના કોઈ પગલું લેવા માગતો નથી.
એક વાર ટેસ્ટ થઈ ગયા પછી મહારાષ્ટ્રમાં ઈક્વેશન બદલાઈ જશે. લોકસભાની ચૂંટણીમાં જો ભાજપનું પ્રભુત્વ વધે અને શીવસેનાની બેઠકો ઘટે તો ઉદ્ધવ માટે મુશ્કેલી ઊભી થશે. રાજ ઠાકરેએ બહુ સમજી વિચારીને સોગઠી મારી છે. તેમણે શીવસેના સામે જ ઉમેદવારો ઊભા રાખવાની ચાલ ચાલી છે અને નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો છે. શીવસૈનિકોમાં પણ તેઓ એવી લાગણી જગાવવા માગે છે કે અલ્ટીમેટલી હવે નક્કી એ કરવાનું છે કે બાલાસાહેબના વારસાને કેવી રીતે સાચવવો. વારસો કોણ સાચવે તે અગત્યનું નથી એ મેસેજ છે.
રાજ ઠાકરે એ મેસેજ આપી રહ્યા છે કે બાલાસાહેબને સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ ગણાશે જ્યારે તેમની વિચારધારાના પ્રવાહને તેજ બનાવવામાં આવે. તે વિચારધારાના પ્રવાહને વેગવંતો બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને ભાજપ છે અને સ્થાનિક સ્તરે પોતે અને મનસે છે. ટાર્ગેટ ઓડિયન્સ જો આ વાત સ્વીકારે, ભાજપને ફાળે આવેલી બેઠકો ભાજપ જીતે, શીવસેનાના ફાળે આવેલી બેઠકોમાં હરિફ તરીકે ઊભેલી મનસે જીતે તો લોકસભાની ચૂંટણી પતી ગયા પછી ઉદ્ધવની રાજકીય કારકિર્દી પતી જશે.
એવું પણ શક્ય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં રાજ ઠાકરે અને ભાજપ વચ્ચે સમજૂતિ થઈ ગઈ હશે. ઉદ્ધવ ઠાકરે નબળા પડ્યા છે એવું દેખાશે તો શીવસેનામાં પણ ફાંટ પડશે. એક મોટો હિસ્સો અલગ થઈને રાજ ઠાકરે સાથે જોડાઈ શકે છે. અત્યાર સુધી બાલાસાહેબના પ્રતાપે શીવસૈનિકો ઉદ્ધવને છોડી શક્યા નથી. એક ચૂંટણીમાં એટલે કે લોકસભા 2014માં એ તાપ ઓછો થઈ જાય પછી રાજકીય સ્થિતિ પલટાઈ શકે છે.
આ વાત કદાચ ઉદ્ધવ ઠાકરે પણ જાણે છે. તેથી જ રાજ ઠાકરેના મુદ્દા પર તેમણે નરમ વલણ લીધું છે. ભાજપ સામે ધમકીની ભાષામાં વાત કરવાને બદલે સમાધાનની ભાષામાં વાત કરવી પડી છે. અમારું ગઠબંધન અકબંધ છે તેવો ખુલાસો શીવસેનાએ કરવો પડ્યો છે, ભાજપે એવો કોઈ ખુલાસો કરવો પડ્યો નથી.
જોકે ભાજપના નેતાઓ અને નરેન્દ્ર મોદી પણ હાલના તબક્કે કોઈ જોખમ લેવા માગતા નથી. તેથી રાજ ઠાકરેનો મેસેજ શમી ગયો અને જેમના ગળે વાત ઉતારવાની હતી તેમના ગળે શીરાની જેમ વાત ઉતરી ગઈ, તે પછી હવે ભાજપે મનામણા કરી રહ્યા છીએ એવો મેસેજ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને વાતને થાળે પાડવા કોશિશ કરી હોવાનું મનાય છે.
લોકસભાની ચૂંટણી સુધી હવે મામલો આવો જ અસ્પષ્ટ રહેશે અને બાલાસાહેબનો વારસો શીવસેનાનો કે મનસેનો તે પરિણામો વખતે નક્કી થશે. તે પછી પણ ભાજપના હાથમાં લાડુ જ આવવાનો છે. બેમાંથી જે સેના જીતશે તેને ભાજપ સાથ આપશે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: