લક્ષ્મણપુરનાં બાથે નરસંહાર કેસમાં તમામ 26 આરોપીઓને પટના હાઇ કોર્ટે મુક્ત કર્યા છે. પટના હાઇ કોર્ટે પુરાવાનાં અભાવે તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
નોંધનીય છે કે જમીન વિવાદને લઇને થયેલા આ નરસંહારમાં રણવીર સેનાનાં લોકોએ 1 ડિસેમ્બર 1997નાં રોજ લક્ષ્મણપુર-બાથે ગામમાં 58 દલિતોની હત્યા કરી હતી. મૃતકોમાં 27 મહિલાઓ અને 16 બાળકો હતા. રણવીર સેનાનાં 100 જેટલા સશસ્ત્ર લોકોએ આરાથી સોન નદીનાં રસ્તે લક્ષ્મણપુર-બાથે ગામમાં આવ્યા હતા અને નરસંહારને અંજામ આપ્યો હતો.
નોંધનીય છે કે પટનાની વિશેષ અદાલતે 7 એપ્રિલ 2010નાં રોજ લક્ષ્મણપુર-બાથે નરસંહાર મામલે 16 શખ્શોને ફાંસી અને 10ને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 19 લોકોને પુરાવાનાં અભાવે છોડી દેવાયા હતા.
જ્યારે પટના હાઇ કોર્ટનાં આદેશ બાદ લક્ષ્મણપુર-બાથેનાં દલીતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એડવોકેટ અમરેન્દ્ર કુમારે જણાવ્યુ કે નિચલી અદાલતનાં નિર્ણયને હાઇ કોર્ટમાં પડકારતા અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ બી.એન.સિન્હા અને એ.કે.લાલની ખંડપીઠ પુરાવાનાં અભાવે તમામ 26 આરોપીઓને મુક્ત કર્યા છે.
આ બાબતે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી(એમએલ)નાં મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યુ તેમની પાર્ટી હાઇ કોર્ટનાં આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
DP
Reader's Feedback: