ભારતમાં રાજકારણીઓ સિધ્ધાંતોની અને નીતિમત્તાની વાતો કરતા હોય છે પણ એ બિલકુલ દંભ હોય છે. વાસ્તવમાં તેમને સત્તા સિવાય બીજા કશામાં રસ નથી હોતો અને સત્તા મળતી હોય કે સત્તા મળતી દેખાય તો એ લોકો સિધ્ધાંતોનો દંભ છોડી દેતાં જરાય વાર નથી કરતા. બિહારના દલિત નેતા રામવિલાસ પાસવાન તેનો તાજો નમૂનો છે. 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં એ વખતે રામવિલાસ પાસવાન કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન હતા. એ વખતે સેક્યુલર દંભી જમાતના બીજા પણ ઘણા નેતાઓ વાજપેયી સરકારમાં પ્રધાન હતા ને તેમણે આ તોફાનોમાં મુસ્લિમોની કત્લેઆમ થઈ એ બદલ નરેન્દ્ર મોદીને દોષિત ઠેરવીને તેમને તગેડી મૂકવાની માગણી કરેલી. વાજપેયી એ માટે તૈયાર હતા પણ લાલકૃષ્ણ અડવાણી મોદીની આડે ઢાલ બનીને ઉભા રહ્યા તેથી મોદી બચી ગયા હતા. આ ઈતિહાસ છે.
મોદીને ભાજપે મુખ્યમંત્રીપદે ચાલુ રાખ્યા એ પછી સેક્યુલર જમાતના નેતાઓએ શું કરેલું ? એ લોકો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા અને સત્તા પર ચીટકી રહ્યા. મોદી સામે બેસવામાં તેમને વાંધો નહોતો. રામવિલાસ પાસવાન એકલા એવા નેતા હતા કે જેમણે આ કારણસર ભાજપનો સાથ છોડી દીધો હતો. પાસવાનના સિધ્ધાંતોના પાકા હતા તેથી તેમણે પ્રધાનપદ છોડેલું એવું માનવાને કારણ નથી. બિહારમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે અને કહેવાતા સેક્યુલર પક્ષોની દુકાન આ મુસ્લિમ મતો પર જ ચાલે છે. પાસવાનને એ વખતે એવું લાગેલું કે આ રમખાણોના કારણે ભાજપ આખા દેશમાં પતી જશે ને આપણે તેમની સાથે રહીશું તો આપણે પણ પતી જઈશું એટલે એ ભાજપને છોડીને કોંગ્રેસની અને લાલુ પ્રસાદ યાદવની પંગતમાં બેસી ગયા હતા.
પાસવાનની ગણતરી સાવ સાચી હતી. 2004મા ભાજપ ખરેખર પતી ગયો ને કોંગ્રેસ પાછી સત્તામાં આવી ગઈ. પાસવાન કોંગ્રેસની મહેરબાનીથી પાછા પ્રધાનપદ મેળવીને ગોઠવાઈ ગયા. તેમણે બે વરસ માટે લાલ બત્તીનો મોહ છોડીને બીજાં પાચ વરસ માટે લાલ બત્તી પાકી કરી લીધી. 2009માં એ લાલુ પ્રસાદ યાદવના ચાળે ના ચડ્યા હોત તો કદાચ હજુય કેન્દ્રમાં પ્રધાન હોત કેમ કે તેમને હજુય દલિતોના મોટા નેતા તો માનવામાં આવે જ છે.
હવે અચાનક તેમણે લાલુ પ્રસાદ યાદવને તડકે મૂકી દીધા છે અને મોદીની પગતમાં બેસી ગયા છે. જે મોદીને તે મુસ્લિમોના હત્યારા કહેતા હતા તે જ મોદી પર તેમને પ્રેમ વરસવા માંડ્યો છે. મોદીની પંગતમાં બેસી જવા તેમણે જે કારણ આપ્યું છે તે સાવ હાસ્યાસ્પદ છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતનાં રમખાણોના કેસમા મોદીને અદાલતે ક્લીન ચીટ આપી દીધી છે તેથી હવે એ મામલે તેમનો વિરોધ કરવાનો અર્થ નથી. પાસવાનને પૂછવું જોઈએ કે મોદીને 2002નાં રમખાણોના મામલે ક્યારે કોઈએ દોષિત ઠેરવેલા ? મોદી સામે જે કંઈ થયું તે આક્ષેપબાજી હતી અને પાસવાન જેવા સેક્યુલર જમાતના દંભી રાજકારણીઓએ જ મોદીએ મુસ્લિમોની કત્લેઆમ કરાવી એવું તૂત ચલાવેલું. જેમની દુકાન આ રાજકારણીઓના જોરે ચાલે છે એવા સેક્યુલારિઝમના દલાલોએ તેન હવા આપી ને મીડિયાનો એક વર્ગ પણ તેમાં ભળેલો. બાકી મોદીની સંડોવણીના મામલે 2002માં જે સ્થિતી હતી તે જ સ્થિતી 2014માં પણ છે. મોદી એ વખતે પણ રમખાણોમાં સામેલ નહોતા અને આજે પણ નથી. મુખ્યમંત્રી તરીકે એ રમખાણો ના રોકી શક્યા એ અલગ વાત છે પણ તેના કારણે એ મુસ્લિમોના હત્યારા નથી થઈ જતા. પાસવાન આ વાત ના સમજે એટલા નાદાન નથી જ પણ બધો સત્તાનો ખેલ છે. મોદીના ખભા પર બેસીને હવે પાછા સત્તામાં આવી જવાશે તેવું લાગવા મંડ્યું છે એટલે પાસવાનને આ બ્રહ્મજ્ઞાન લાદ્યું છે.
પાસવાનને જે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે તેવું બ્રહ્મજ્ઞાન બીજા સેક્યુલર નેતાઓને પણ લાધી જ શકે છે. સવાલ નરેન્દ્ર મોદી ભાજપને કેટલી બેઠકો જીતાડી શકે તેનો છે. મોદી જ ભાજપને 200 કરતાં વધારે બેઠકો જીતાડી લાવે તો બધા દંભી સેક્યુલર નેતાઓ તેમનાં વાજાં બાજુ પર મૂકીને મોદી માટે શરણાઈ વગાડતા થઈ જશે.
રામવિલાસ પાસવાનનો દાખલો શું સૂચવે છે ? એ જ કે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભાજપે 1996માં પહેલી વાર સરકાર રચી ત્યારે તેની પાસે 162 સભ્યોનો ટેકો હતો. એ વખતે ભાજપને સરકાર ટકાવવા 110 સભ્યોની જરૂર હતી ને ભાજપે બાબરી મસ્જિદ તોડાવી એ કારણ રજૂ કરીને સેક્યુલર જમાત તેની સાથે બેસવા તૈયાર નહોતી. વાજપેયીની સરકાર માત્ર 13 દિવસ ટકી અને પછી ગબડી પડી. વાજપેયી વિશ્વાસનો મત પણ ના મેળવી શક્યા અને રાજીનામું ધરી દેવું પડ્યું.
એ પછી ત્રીજા મોરચાની સરકાર બે વરસ લગી સખળડખળ ચાલી. એ અરસામાં કોંગ્રેસમાં સીતારામ કેસરી ચડી બેઠા ને કેસરીએ કોંગ્રેસને સાવ તળિયે પહોંચાડી દીધી. પરિણામે જ્યોર્જ ફર્નાન્ડીઝથી માંડી જયલલિતા સુધીનાં સેક્યુલર જમાતનાં બધાંને લાગવા માંડ્યું કે કોંગ્રેસ સાવ મરી પરવારશે ને ત્રીજા મોરચાના નેતાઓને લોકો પકડી પકડીને મારશે. પરિણામે ભાજપ સાથે જોડાવા પડાપડી શરૂ થઈ ગયેલી. જે નેતાઓ બાબરી મસ્જિદ ધ્વંશને ભારતના ઈતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ ગણાવતા હતા એ લોકો એ પ્રકરણને ભૂલીને ભાજપ સથે ગોઠવાવા માંડ્યા. કોઈ નેતા બાકી નહોતો. મમતા બેનરજીથી માયાવતી અને નિતિશ કુમારથી માંડીને નવિન પટનાઈક સુધીના બદા દંભી સેક્યુલર નેતાઓ ભાજપ સાથે જોડાઈ ગયેલા.
રામવિલાસ પાસવાન ભાજપ તરફ ઢળ્યા એ સાથે જ એ શરૂઆત થઈ ગઈ છે. મોદીનો જયજયકાર થવાનો છે તેની ગંધ સેક્યુલર જમાતને આવવા માંડી છે. બીજા લઈ જાય ને આપણે રહી જઈએ એવું ના થાય એટલે બધા ભાજપ ભમી દોડવા લાગ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થવા દો, ત્યાં સુધીમાં હજુ બીજા કેટલાય ભાજપ સાથે હશે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: