કામ ચૂપચાપ થયું છે, પણ સારી રીતે થયું છે. દક્ષિણ ભારતના કોંગ્રેસના એક જમાનાના ગઢમાં ભાજપે ધીમે રહીને બીજું એક ગાબડું પાડ્યું છે. તમિલનાડુમાં પાંચ નાના નાના પક્ષો સાથે જોડાણ થયું છે. તેનાથી ભાજપને પોતાને બેઠકોનો કોઈ ફાયદો થવાનો નથી, પણ સાથીઓની સંખ્યા વધશે. પાંચેયને સરેરાસ એક એક બેઠક મળે તો પણ પાંચ માથા થયા. તે જ રીતે આંધ્ર પ્રદેશમાં ભાજપને તેલંગાણમાં 8 અને સીમાંધ્રમાં 5 બેઠકો લડવા મળશે. બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી અને હરિફ કોણ છે તે નક્કી થયા પછી ખબર પડશે કે તેમાંની એકાદ બે બેઠક ભાજપને મળશે કે કેમ. પોતાને બેઠક મળશે કે કેમ તેની ચિંતા ભાજપે ખાસ કરવાની પણ નથી. સાથી પક્ષ ટીડીપીને કેટલી બેઠક મળી જશે તેનું જ વિચારવાનું છે.
જીહા, ટીડીપી એટલે કે તુલુગ દેસમ પાર્ટી હવે ભાજપનો સાથી પક્ષ છે. લાંબા સમય વાટાઘાટ કર્યા પછી ચંદ્રબાબુ નાયડુએ છેવટે ભાજપ સાથે એક દાયકા પછી દોસ્તી કરવાનું નક્કી કર્યું છે. 2004માં એનડીએએ સત્તા ગુમાવી ત્યારે ચંદ્રબાબુ નાયડુએ ગુજરાતના નેતૃત્ત્વને કારણે એનડીએએ સત્તા ગુમાવી તેવું કહેલું. હવે ગુજરાતના નેતૃત્ત્વને કારણે જ ફરી એક વાર એનડીએને સત્તા મળશે એમ નાયડુને લાગ્યું છે અને તેથી તેમણે ભાજપ સાથે જોડાણ કર્યું છે. જોડાણના ભાગરૂપે જ ભાજપને આઠ વત્તા પાંચ એમ તેર બેઠકો આપી છે. તેની સામે બાબુને પોતાને 13 બેઠકો મળી જાય તો પણ હાઉં. આ વખતે એવું થયું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષોને સ્થાનિક રાજકારણમાં વધારે રસ પડ્યો છે. ચંદ્રબાબુ નાયડુને પણ સીમાંધ્રમાં રાજ્ય સરકાર રચવાની ખેવના જાગી છે. જગન મોહન સામે તેમણે સ્પર્ધા કરવાની છે. જગન મોહન કોંગ્રેસના મતો પર આધાર રાખી રહ્યા છે ત્યારે કોંગ્રેસ વિરોધી મતોને નાયડુએ શોધવાના છે. તે કોંગ્રેસ વિરોધી મતોમાં જેટલું નુકસાન ઓછું થાય તેટલો ફાયદો. તેથી જ ભાજપનો સાથ લેવામાં આવ્યો છે. ભાજપ આંધ્રમાં બહુ ફાયદો ના કરાવી શકે, પણ કોંગ્રેસી મતોને વહેંચાઈ જતા અટકાવે અને નાયડુને નુકસાન ઓછું થાય.
ભાજપે તેનો જ ફાયદો ઉઠાવ્યો છે. ટીડીપીની મિનિમમ એક ડઝન બેઠકો આવી જોય તો પણ એનડીએને મોટી રાહત થઈ જાય તેમ છે. 200ના ફિગરને એનડીએ પાર કરી લેશે તેમ લાગે છે, પણ પાર કરીને વધારે થોડું આગળ જવાનું છે, વધારે ત્રણેક ડઝન બેઠકની સ્પ્રીન્ટ મારવાની છે. તેમાંથી એક ડઝન બેઠકો ભાજપને આ વખતે પોતાના મજબૂત ગણાતા મોટા રાજ્યોમાંથી મેળવી લેવાની આશા છે. બીજી એક ડઝન બેઠકો
આસામ, અરુણાચલ, ગોવા, જમ્મુ અને કાશ્મીર તથા દિલ્હી જેવા નાના રાજ્યો તથા તમિલનાડુ જેવા રાજ્યમાં બનેલા નાના સાથીઓ દ્વારા મેળવી લેવાની આશા છે. ત્રીજી એક ડઝનની ચિંતા હતી તે ચંદ્રબાબુ નાયડુએ દૂર કરી આપી છે. તેના કારણે ત્રણ ફલાંગ ભરીને ભાજપ અને એનડીએ 240 સુધી પહોંચી જાય તેવું લાગી રહ્યું છે.
ભાજપ નરેન્દ્ર મોદીના વેવની આશામાં છે. ભૂતકાળમાં જ્યારે પણ વેવ ચાલ્યા તેણે ચારે બાજુ સપાટો બોલાવી દીધો હોય તેવું બન્યું નથી, પણ વેવના ફાયદા હોય જ છે. વેવના ફાયદા નકારી શકાય નહીં. વેવના કારણે બોર્ડર પર રહેલી ત્રણેક ડઝન બેઠકોમાં પરિણામ ફરી જતા હોય છે. નરેન્દ્ર મોદીના વેવ સાથે ભાજપે તમિલનાડુ અને આંધ્રમાં તથા નાનકડું એવું ગઠબંધન બિહારમાં પણ કરી લીધું તેના કારણે ત્રણ ડઝન બેઠકો લગભગ પાકી થઈ ગઈ તેમ કહી શકાય. આ ત્રણ ડઝનનો ફાયદો 240થી વધારે અને 250ની નજીક આંકડો પહોંચાડે તે પછી સાથીઓની શોધ અઘરી સાબિત થવી જોઈએ નહીં. બસ્સો ઉપર એક ડઝન બેઠક સાથી શોધવામાં અવઢવ પેદા કરી શકે. ત્રીજા મોરચાને લાલચ થાય અને ભય ના રહે. માત્ર લાલચના સંજોગોમાં જાતજાતના કોમ્બિનેશન ગોઠવવાની કોશિશ થાય. કોંગ્રેસ તેમાં પોતાની ભૂમિકા ભજવી પણ શકે, પરંતુ બસ્સો પર બે ડઝન હોય તો ત્રીજા મોરચાને લાલચ સાથે ભય પણ રહે કે તડજોડ લાંબી ચાલશે નહીં અને કોંગ્રેસ સાથે ભાજપની બાર્ગેનિંગ ભૂમિકા પણ મજબૂત બને. પરંતુ બસ્સો પર ત્રણ ડઝન બેઠકો થાય ત્યારે કોંગ્રેસની ભૂમિકા મર્યાદિત થઈ જાય અને તે પછી ત્રીજો મોરચાના ભય અને લાલચ બંનેનો ફાયદો ઉઠાવવાની ભાજપની બાર્ગેનિંગ કેપેસિટી ખાસ્સી વધી જાય.
ઊંટની પીઠ પર છેલ્લું તણખલું એવું આપણે કહેતા હોઈએ છીએ. ચૂંટણીમાં છેલ્લી ઘડીનું જોડાણ તેને પણ એવી જ સ્થિતિ કહી શકાય. આંધ્રમાં કોંગ્રેસ છેલ્લી ઘડીના જોડાણો કરી શકી નથી. કોંગ્રેસ તામિલનાડુમાં પણ છેલ્લી ઘડીના જોડાણો કરી શકી નથી. પશ્ચિમ બંગાળમાં મમતા સાથે પણ કોંગ્રેસ છેલ્લી ઘડીનું જોડાણ કરી શકી નથી. તેથી છેલ્લી ઘડીનું ભાજપનું આંધ્ર પ્રદેશનું તેલુગુ દેસમ પક્ષ સાથેનું જોડાણ લોકસભા 2014ની ચૂંટણીનું છેલ્લી ઘડીનું સૌથી મોટું પરિબળ ગણી શકાય તેવું છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: