લાંબી ખેંચતાણ પછી આખરે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે એ નક્કી થઈ ગયું. ભાજપે લીધેલા નિર્ણય પ્રમાણે મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે ને મોદી સામે બહુ કૂદાકૂદ કરનારા મુરલી મનોહર જોશીને કાનપુરભેગા કરી દેવાયા છે. મોદીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું એ સાંભળીને કોઈને આમ તો આંચકો લાગ્યો નથી કેમ કે બહુ લાંબા સમયથી વારાણસીનું નામ ગાજતું જ હતું. મોદીએ તેમના ખાસમખાસ ગણાતા અમિત શાહને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવીને રવાના કર્યા ત્યારથી જ મોદી ઉત્તર પ્રદેશની કોઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાતો ચાલવા જ માંડેલી ને છેવટે મોદી વારાણસી બેઠક પર મોહ્યા છે તેની વાતો પણ શરૂ થઈ ગયેલી. આ સંજોગોમાં વારાણસીની પસંદગી આંચકાજનક નથી પણ આ પસંદગી કેમ થઈ એ સવાલ સૌને સતાવે તો છે જ. આ સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ.
વારાણસીની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ હિન્દુત્વ છે. મોદીની છાપ એક હિન્દુવાદી નેતા તરીકેની છે ને મોદી ભલે એમ માનતા હોય કે લોકો તેમણે કરેલાં વિકાસનાં કામોના કારણે તેમના પર ફિદા છે પણ સાચી વાત એ છે કે મોદીની હિન્દુવાદી ઈમેજ પર લોકો વધારે ફિદા છે. આ ઈમેજ આમ તો પહેલેથી હતી પણ ગુજરાતનાં 2002નાં કોમી રમખાણો પછી વધારે પાકી થઈ. ઉત્તર પ્રદેશ અને બિહારમાં મોદી લોકપ્રિય છે તેનું કારણ આ ઈમેજ છે. ત્યાં દંભી સેક્યુલર જમાતે મુસ્લિમોને લટૂડાંપટૂડાં કરી કરીને રાજકારણને મુસ્લિમ કેન્દ્રિત કરી નાંખ્યું છે. આ પક્ષો મુસ્લિમો જ તેમના માઈબાપ હોય એમ વર્તે છે તેના કારણે એક મોટો વર્ગ એ બધા રાજકારણીઓથી ખફા છે. ભાજપે 1980ના દાયકાના અંતમાં રામમંદિરની ચળવળ શરૂ કરી ત્યારે બધાંને આશા જાગેલી કે ભાજપ આ રાજકારણનો અંત લાવશે પણ ભાજપ પોતાના ભવાડામાં જ ભેરવાઈ ગયો ને લોકો તેનાથી નિરાશ થઈ ગયા એટલે બીજા પક્ષો તરફ વળ્યા. હવે મોદીના કારણે તેમને ફરી એ આશા જાગી છે. મોદી આ વાત સારી રીતે જાણે છે એટલે તેમણે તેનો ફાયદો લેવા માટે વારાણસીની પસંદગી કરી કેમ કે વારાણસી આખા ઉત્તર ભારતમાં હિન્દુત્વનો ગઢ છે. વારાણસી હિન્દુત્વની ઓળખ છે ને મોદીએ તેની પસંદગી કરીને એક મેસેજ આપી દીધો છે કે બહાર હું ગમે તે કહું પણ અંદરથી હું હિન્દુવાદી જ છું. ઉત્તર પ્રદેશમાં ભાજપને હિન્દુત્વ જ ફળે છે તેથી મોદીની વ્યૂહરચના ખોટી પણ નથી. બીજું કારણ એ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ મોદી વારાણસીની પસંદગી કરે તેમ ઈચ્છતો હતો કે જેથી લોકોમાં હિન્દુત્વનો મેસેજ જાય. ને ત્રીજું કારણ એ કે મુરલી મનોહર જોશીએ મોદીને પડકારવાની ગુસ્તાખી કરી નાંખી. આ સંજોગોમાં મોદી માટે ભાજપ પર પોતાનું જ વર્ચસ્વ છે ને પોતે કહે છે તે જ થાય છે તે સાબિત કરવું જરૂરી હતું. મોદીએ જોશીને ખસેડીને એ વાત સાબિત કરી દીધી.
મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું તેથી ગુજરાતીઓ થોડા નિરાશ છે. ગુજરાતીઓને એમ હતું કે મોદી ગુજરાતમાંથી જ ચૂંટણી લડશે. ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ ચાર દાડા પહેલાં મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડવાના છે એવું કહ્યું ત્યારે બધાંને પાકે પાયે ખાતરી થઈ ગયેલી કે મોદી ગુજરાતમાંથી જ લડશે. રૂપાણીએ તો અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ એ ચાર બેઠકમાંથી કોઈ એક બેઠક પરથી મોદી ઝંપલાવશ તેવો અણસાર પણ આપેલો. તેના કારણે આ બેઠકોના દાવેદારો ને ચાલુ સંસદસભ્યોનાં જીવ પણ અધ્ધર થઈ ગયા હશે. જો કે મોદીએ ગુજરાતમાંથી લડવાના બદલે ઉત્તર પ્રદેશમાં જવાનું નક્કી કર્યું.
મોદીને ગુજરાતે સળંગ ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીતાડ્યા છે ને તેમના સાવ કપરા સમયમાં પણ ગુજરાત તેમને પડખે રહ્યું છે ને હવે જ્યારે રાષ્ટ્રીય સ્તરે ઝળકવાનું આવ્યું ત્યારે મોદી ઉત્તર પ્રદેશ ભાગી ગયા તેવી લાગણી પણ ઘણાંને થઈ હશે. પણ ગુજરાતીઓએ સાવ નિરાશ થવા જેવું નથી. હજુ ગુજરાતની બેઠકોના ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને મોદી વારાણસીની સાથે સાથે ગુજરાતની કોઈ બેઠક પરથી પણ લડી જ શકે. ભાજપમાં એ પરંપરા છે જ. લાલકૃષ્ણ અડવાણીએ 1991માં પહેલાં માત્ર નવી દિલ્હી બેઠક પર ઉમેદવારી કરવાનું નક્કી કરેલું પણ કોંગ્રેસે તેમની સામે રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારી દીધા એટલે અડવાણી દોડતા થઈ ગયેલા. એ વખતે શંકરસિંહ વાઘેલાએ તેમના માટે ગાંધીનગર બેઠક ખાલી કરી આપેલી.
અડવાણી દિલ્હીમાં ખન્ના સામે ઓકાશિયાં મારી મારીને માંડ પાંચેક હજાર મતે જીત્યા પછી તેમણે દિલ્હીની બેઠક છોડી દીધેલી ને ગાંધીનગરન બેઠક જાળવેલી. હવાલા કૌભાંડમાં નામ આવ્યું એટલે તેમણે પોતે નિર્દોષ સાબિત ના થાય ત્યા લગી ચૂંટણ નહીં લડે તેવી જાહેરાત કરી હતી. તેના કારણે એ 1996માં ચૂંટણી નહોતા લડ્યા. એ વખતે અટલ બિહારી વાજપેયી ગાંધીનગર બેઠક પરથી લડેલા. વાજપેયીએ લખનૌ બેઠક પરથી પણ ઝંપલાવેલું. એ બંને પર જીત્યા પછી તેમણે ગાંધીનગરની બેઠક છોડી દીધેલી. એ પછી થયેલી પેટાચૂંટણીમાં વિજય પટેલ જીતેલા.
મોદી અડવાણી અને વાજપેયીના ઈતિહાસને દોહરાવી શકે.
જો કે ગુજરાતીઓએ એક વાત વિચારવા જેવી છે. અડવાણી 1991માં અને વાજપેયી 1996માં વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર હતા પણ વડાપ્રધાન નહોતા બની શક્યા. અડવાણી તો સરકાર રચવાની સ્થિતીમાં જ નહોતા પણ વાજપેયી સરકાર રચીને 13દિવસમાં ઘરભેગા થઈ ગયેલા. મોદી આ કારણસર તો ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું ટાળી નથી રહ્યા ને ? સોચનેવાલી બાત હૈ ઠાકુર.
RS/RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: