નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા આયોજન મંડળની પ્રથમ બેઠક ખંભાળિયામાં મળી હતી. જેમાં કોંગ્રેસ શાસિત ખંભાળિયા તાલુકા પંચાયત દ્વારા સૂચવાયેલા કામોનો સમાવેશ ન કરાતા સાંસદની આગવાની હેઠળ કોંગ્રેસનાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ દર્શાવી બાદમાં બેઠકનો બહિષ્કાર કર્યો હતો. પોલીસે કોંગ્રેસનાં બે કાર્યકરોની અટકાયત કરી હતી.
ખંભાળિયાની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત દ્વારા તાલુકાનાં કુલ 12 કામો સૂચવાયા હતાં, જે અગાઉની જામનગર જિલ્લા આયોજન સમિતિમાં માન્ય કરવામાં આવ્યા હતાં. પરંતુ પાછળથી આયોજન સમિતિનાં અધ્યક્ષે આ બાર કામો રદ કરી તેમને અનુકુળ અન્ય 11 કામો જોડવામાં આવ્યાનો આક્ષેપ કરી કોંગ્રેસનાં હોદેદારો અને આગેવાનો, કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવી બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
બાદમાં સાંસદ વિક્રમભાઈ માડમ અને તાલુકા પંચાયતનાં પ્રમુખ રામી બેન કનારાએ વ્યકત કરેલા વિરોધનાં ટેકામાં 200થી વધુ કાર્યકરો એકત્ર થઈ જતાં અને ભાજપ વિરૃધ્ધ સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ થઈ ગયું હતું. જેના પગલે પોલીસ કુમક પહોંચી હતી. કાળા વાવટા ફરકાવતા કોંગ્રેસનાં બે કાર્યકરો દેવુભાઈ ગઢવી અને ખીમાભાઈ આંબલીયાની અટકાયત કરવામાં આવી હતી.
આ મુદ્દે સાંસદ માડમે જણાવ્યું હતું કે, તાલુકા આયોજન મંડળની મિટીંગમાં લેવાયેલા કામો જિલ્લા આયોજન મંડળમાં લેવાતા હોય છે. ખંભાળિયા તાલુકા પંચાયત સમગ્ર જિલ્લામાં એક માત્ર કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપે સત્તાનો ઉપયોગ કરી ઠરાવો સમાવ્યા નથી. આ મિટિંગ આયોજન મંડળની નહીં પણ ભાજપની હોવાનું અને અધિકારીઓ કઠપૂતળીની જેમ કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
દરમ્યાન તાલુકા પંચાયતનાં પ્રમુખ રામીબેન કનારાએ આયોજન મંડળનાં અધ્યક્ષને આવેદનપત્ર આપી તાલુકા આયોજન સમિતિમાંથી મોકલેલા કામો કયા કારણોસર રદ કર્યા તે અંગે ખુલાસો માગ્યો છે. જો કે, આયોજન મંડળનાં સતાવાળાઓએ આ પૂર્વે કયારેય તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.
AI/RP
Reader's Feedback: