નડિયાદ ખાતે નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્સ્યોરન્સ વર્કર્સનું 15મું ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશન ચાલી રહ્યું છે. જેનાં અંતિમ દિવસે મુખ્ય મહેમાન અને વક્તા તરીકે આવેલા જનતા પાર્ટી પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ સાથે જીજીએન સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્ર : આતંકવાદમાં ભગવો આતંક નામનો નવો શબ્દ ઉમેરાયો છે. અને વિવાદ થયા છે, આ બાબતે આપનું શું કહેવું છે ?
ઉત્તર : આ બાબતે બોલનારાઓનું મગજ ખરાબ છે વાસ્તવમાં આ બાબતે બોલનારાઓ પાસે કોઈ આધાર નથી. સાધ્વી પ્રજ્ઞા જેલમાં હોવા છતાં તેની ઉપર કોઈ પણ પ્રકારનો કેસ આ લોકો ચલાવી શક્યા નથી. આ લોકો ચૂંટણીમાં હારી જશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કેન્દ્રીય રાજનીતિમાં આગળ થઈ રહ્યું છે ત્યારથી આ લોકો વધારે પડતાં ગભરાઈ ગયા છે. આ લોકો ભગવા આંતક બાબતે બોલે છે ત્યાં સુધી ઠીક છે પરંતુ કોઈ એક્શન લેશે તો ચોક્કસ તેમને જોરદાર જવાબ આપવામાં આવશે.
પ્રશ્ર : દેશની રાજકીય સ્થિતિ વિવાદોની વચ્ચે ફસાયેલી છે ત્યારે આર્થિક સ્થિતિને વધારે મજબૂત બનાવા માટે તમારું શું મંતવ્ય છે.
ઉત્તર : સૌથી પહેલા તો વર્તમાન સરકારને ભગાડવી જોઈએ. આ વર્તમાન સરકાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારાથી કોઈ પણ સૂચન કરી શકાય તેમ નથી જે આ સરકાર કાર્યાન્વિત કરી શકે.
પ્રશ્ર : જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રે થયેલો વિકાસ અને તેના આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. તે બાબતે આપ શું કહો છો.
ઉત્તર : આ આંકડા મીડિયાને તે લોકો બતાવી શકે પરંતુ મને ન બતાવી શકે. જાહેર પ્રેસ કોન્ફરન્સમાં મારી સામે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિનિધીને બેસાડો તો કોંગ્રેસના ધજાગરા ઉડી જશે. જુઠો પ્રચાર સરકાર ઘણો કરે છે જેનો કોઈ હિસાબ નથી.
પ્રશ્ર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અલ્હાબાદ ખાતે સંત સમેલનમાં હાજરી આપવાના છે તે બાબતને આપ કઈ રીતે જોવો છો.
ઉત્તર : મને પણ સત્તરમી ફેબ્રુઆરીએ સંત સમેલન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સંતોને મળવું જોઈએ. રાજનીતિમાં જે લોકો છે તે ધાર્મિક નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા કરે છે. અને સલાહ સુચન લેતા હોય છે, તે સામાન્ય બાબત છે.
પ્રશ્ર : તમારા મતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદ માટે નિશ્ચિત ઉમેદવાર ક્યારે મનાશે ?
ઉત્તર : નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે નિશ્ચિત ઉમેદવાર ત્યારે થશે જ્યારે પક્ષ તરફથી તેની ઘોષણા થશે. અથવા લોકસભાનાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ નિશ્ચિત થઈ જશે. આ બાબતે મીડિયા વધારે પડતી ચિંતા કરી રહ્યું છે. અને મોદી મન બનાવશે તો મોદીને કોણ રોકી શકે તેમ છે.
પ્રશ્ર : વર્ષ 2014માં થનારી લોકસભાની ચૂંટણીમાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની ટક્કરને તમે કેવી રીતે જોવો છે.
ઉત્તર : આ તો બહાદુર અને બુદ્ધુ વચ્ચે થનારી ટક્કર છે.
પ્રશ્ર : આ મહિનાથી શરૂ થનારા બજેટ સત્ર માટે તમે શું ઈચ્છા સેવી રહ્યાં છો.
ઉત્તર : સરકારની પોલ ખુલશે. વધુ બે ત્રણ ભષ્ટ્રાચારના મામલા ઉજાગર થશે. જેનાથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી જશે. ઉપરાંત કેન્દ્ર સરકાર હવે વધારે ચાલશે નહીં. આ વર્ષે જ લોકસભાની ચૂંટણી થવાની મને પૂર્ણ ખાત્રી છે.
પ્રશ્ર : લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીની શું રણનીતિ રહેશે ?
ઉત્તર : જનતા પાર્ટી એનડીએનો હિસ્સો છે અને અમારું મુળ જનસંઘ છે. જેથી ભાજપ જીતે કે અમે જીતીએ બન્ને સરખી બાબત છે.
RP/DP
Reader's Feedback: