Home» Interview» Economy» Interview with jignesh shah of mcx sx

મૂડી બજારના સંતુલિત વિકાસનો ધ્યેય : જિજ્ઞેશ શાહ

જીજીએન ટીમ દ્વારા | November 28, 2012, 02:20 PM IST

મુંબઇ :

વિશ્વના અનેક નાણાકીય કેન્દ્રોમાં કોમોડિટી, ઊર્જા, કરન્સી, બોન્ડ, વગેરે અસ્કયામતોમાં ટ્રેડિંગનું માધ્યમ પૂરું પાડતાં એક્સચેન્જો સ્થાપવાની દિશામાં હરણફાળ ભરી રહેલાં અને ભારતીય મૂડી બજારમાં આમૂલ પરિવર્તન લાવવા કટિબદ્ધ થયેલા જિજ્ઞેશ શાહ એમસીએક્સ-એસએક્સમાં ઈક્વિટી તથા અન્ય વિભાગો શરૂ કરવાની તૈયારીમાં છે. તેમના ફાઈનાન્શિયલ ટેક્નોલોજીસ ગ્રૂપે સ્થાપેલું કોમોડિટી વાયદા એક્સચેન્જ - એમસીએક્સ હાલ ભારતનું પ્રથમ ક્રમાંકિત કોમોડિટી વાયદા એક્સચેન્જ હોવા ઉપરાંત વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું છે. એમસીએક્સ-એસએક્સ પણ કરન્સી ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગમાં અગ્રણી છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલ્ડ કન્વેન્શન ખાતે ’એક્સચેન્જ ઇન્ડસ્ટ્રી પર્સન ઓફ ધ ડિકેડ’નું બિરુદ પામેલી આ વ્યક્તિ ભારતીય મૂડી બજારમાં કયો ચમત્કાર સર્જશે એના તરફ સૌની મીટ મંડાયેલી છે. પોતે સ્ટોક માર્કેટને કઈ દિશામાં લઈ જવા માગે છે તેના વિશેની એમસીએક્સ-એસએક્સના વાઇસ ચેરમેન જિજ્ઞેશ શાહ સાથેની કેટલીક રસપ્રદ વાતોના અંશો આ સાથે પ્રસ્તુત છે, જેમાંથી ભારતની ફાઇનાન્શિયલ માર્કેટનું એક ભવ્ય વિઝન સામે આવે છે:

પ્રશ્ન - ભારતમાં આજની તારીખે બે સ્ટોક એક્સચેન્જ છે અને સામાન્ય રીતે મનાય છે કે ત્રીજાની કોઈ જરૂર નથી. આવામાં એમસીએક્સ-એસએક્સનું સ્થાન ક્યાં ?

ઉત્તર - ભારતમાં નાણાકીયક્ષેત્રના મોટાભાગના લોકોને એવું ઠસાવી દેવાયું છે કે સ્ક્રીન આધારિત ટ્રેડિંગ શરૂ થઈ જવાથી, એકાદ ઇન્ડેક્ષ લોકપ્રિય અને જાણીતો થઈ જવાથી, ઇન્ડેક્ષ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં વોલ્યુમ સર્જાવાથી હવે અન્ય કોઈ એક્સચેન્જ માટે અવકાશ રહ્યો નથી. વાસ્તવમાં એવું નથી. અમારા સંશોધન મુજબ વિશ્વના સૌથી મોટા નાણાકીય બજાર અમેરિકામાં લગભગ 30 કરોડની વસતિ છે અને તેમના માટે લગભગ 10 એક્સચેન્જો અને નાણાકીય સાધનોના ટ્રેડિંગ માટેનાં બીજાં 70 પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. તેને લીધે દેશની વસતિના આશરે 60 ટકા લોકો કોઈક ને કોઈક રીતે સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છે. આ ઉદાહરણના આધારે આપણે 100 કરોડ કરતાં વધારે વસતિ ધરાવતાં ભારત દેશમાં રહેલી સંભાવનાઓ જોઈએ તો ખ્યાલ આવે છે કે આપણે હજી બીજાં એક્સચેન્જો લાવીએ તો પણ કામ ઘણું બાકી રહેશે. સરકાર તથા નિયમનકારી સત્તાઓએ મૂડી બજારોને વધુ વ્યાપક, વધુ ઊંડાણ ધરાવતી અને સર્વનો સમાવેશ કરનારી બનાવવાના રાષ્ટ્રીય ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે શક્ય તેટલી સહાય કરી હોવા છતાં તેના માટે કાર્ય થયું નથી.

વૈશ્વિકસ્તરે મૂડી બજારોમાં સ્ટોક માર્કેટનો હિસ્સો (માર્કેટ કેપિટલાઇઝેશન) લગભગ 18 ટકા છે. તેમાં ડેબ્ટ સિક્યોરિટીઝ 38 ટકા તથા બેન્કોની અસ્કયામતો 43 ટકા છે. સૌથી વધુ પરિપક્વ નાણાકીય બજાર ધરાવતાં અમેરિકામાં ઈક્વિટીનો હિસ્સો 24 ટકા, ડેબ્ટ સિક્યોરિટીઝનો 52 ટકા અને બેન્કોની અસ્કયામતોનો હિસ્સો 23 ટકા છે. એશિયામાં સ્ટોક માર્કેટનો હિસ્સો હજી 18 ટકા અને બોન્ડનો 17 ટકા છે, જ્યારે બેન્કોની અસ્કયામતોનો હિસ્સો 64 ટકા જેટલો ઊંચો છે. ભારતમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ છે.

અમેરિકામાં 1952માં વસતિના ફક્ત 6 ટકા લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હતા. તે સંખ્યા વધીને 1990ના દાયકામાં 60 ટકા સુધી પહોંચી ગઈ. ત્યાં અનેક સ્ટોક માર્કેટ શરૂ થવાને લીધે દેશભરમાં રોકાણની સંસ્કૃતિ વિકસી શકી છે. તેનાથી વિપરીત, ભારતમાં સંસદમાં પુછાયેલા એક સવાલના જવાબ પરથી જાણવા મળ્યું છે કે ભારતનાં એક્સચેન્જોમાં રોકડ તથા વાયદાવિભાગમાં મોટાભાગનું ટ્રેડિંગ કરનારાઓની સંખ્યા લાખોમાં નહીં બલકે ફક્ત હજારોમાં છે. વિકાસની અદભુત સંભાવનાઓ ધરાવનારા આટલા મોટા ભારત દેશમાં ત્રણ કે તેના કરતાં વધારે સ્ટોક એક્સચેન્જો ન હોવાં જોઈએ એવું કહેવાને કોઈ કારણ નથી.

પ્રશ્ર - તમે સ્ટોક માર્કેટમાં એક નહીં, પણ અનેક વિભાગોને વિકસિત કરીને બજારનો વિકાસ કરવા ઇચ્છતા હોવ એવું જણાય છે. અત્યારે જે સ્ટોક એક્સચેન્જો કાર્યરત છે, તેમના કરતાં તમારો અભિગમ કઈ રીતે જુદો પડશે અને તમે વિવિધ પ્રોડક્ટ્સને કઈ રીતે વિકસાવવાનું આયોજન ધરાવો છો?

ઉત્તર - મેં અગાઉ કહ્યું તેમ, અમારો રચનાત્મક અભિગમ બજારનો સર્વાંગી વિકાસ કરવાનો છે. અમે ખાસ કરીને બોન્ડ માર્કેટનો વિકાસ કરવામાં ખાસ રસ ધરાવીએ છીએ. તેનું કારણ એ છે કે ભારતનાં હાલના સ્ટોક એક્સચેન્જોએ નિશ્ચિત આવકનાં સાધનોની બજારોના વિકાસની સાવ અવગણના કરી છે. તેને લીધે ભારત નાણાકીય વિકાસની એક મોટી તક ગુમાવી બેઠું છે. 1990નાં દાયકાના પ્રારંભમાં મૂડી બજારમાં સુધારાઓ કરાયા ત્યારે ડેબ્ટ માર્કેટને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય એક્સચેન્જ સ્થાપવાનું નક્કી થયું હતું. આ ઉદ્દેશ્યને સાવ વિસારે પાડી દેવાયો. બજારને વિકસાવવી હોય તો તેમાં ઊંડાણ અને વિવિધતા લાવવાના હોય છે. બજારમાં વિવિધતા લાવવા માટે નીતિઓ જરૂરી છે અને અત્રે ખાસ જણાવવાનું કે સરકાર તથા નિયમનકારી સત્તાઓએ બજારમાં એક પછી એક વિભાગ શરૂ કરીને આવી વિવિધતા લાવવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેના પગલે બજારમાં ઊંડાણ અને પ્રવાહિતા લાવવાની જવાબદારી એક્સચેન્જોની હતી, પણ સખેદ જણાવવાનું કે તેમણે ફક્ત ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટમાં વિકાસ કર્યો. તેઓ કોર્પોરેટ બોન્ડ અથવા એસએમઈ કેપિટલ માર્કેટ જેવા અગત્યના વિભાગોમાં ઊંડાણ લાવવામાં નિષ્ફળ ગયાં છે. એમસીએક્સ-એસએક્સમાં અમે ઝીણવટભરી વ્યૂહનીતિ ઘડી કાઢી છે. અમારા સભ્યપદના અને માર્કેટિંગના માળખા દ્વારા દેશભરમાં બોન્ડ માર્કેટ તથા રોકાણની નવી પ્રોડક્ટ્સને વિકસાવવા માટે કામ કરવામાં આવશે.

પ્રશ્ન. - તો શું તમે એમ કહો છો કો ભારતનાં એક્સચેન્જોએ માર્કેટના વિકાસ માટે પૂરતું કાર્ય કર્યું નથી ? તમે કયા આધારે આ વિધાન કરો છો ?

ઉત્તર - ના, હું એવું કહેતો નથી. હાલનાં એક્સચેન્જોએ સર્વસામાન્ય રીતે સ્ટોક માર્કેટનો તથા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના ટ્રેડિંગનો વિકાસ કરવામાં જે અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે તેના માટે તેમને પૂરતું શ્રેય આપવું આવશ્યક છે. પણ અહીં મૂળ સવાલ એ છે કે આ અદભુત વિકાસથી મૂડીનું સર્જન અને ભારતને જેની ઘણી જરૂર છે એવી રોકાણની સંસ્કૃતિનો વિકાસ કરવામાં કેવી રીતે મદદ મળશે. મુશ્કેલ સમય બાદ નવી મૂડી ઊભી કરવાની બાબતે એક્સચેન્જો નિષ્ફળ ગયાં છે, કોર્પોરેટ બોન્ડ માર્કેટનું અસ્તિત્વ નહીંવત્ છે તથા એસએમઈ કેપિટલ માર્કેટ હજી પ્રારંભિક તબક્કામાં છે. આમ છતાં એક્સચેન્જો પોતે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં વિશ્વમાં ટોચ પર હોવા વિશે મોટા મોટા દાવાઓ કરે છે.ચીનમાં એસએમઈ કેપિટલ માર્કેટમાં 12 અબજ ડોલરની મૂડીનું સર્જન થયું હતું. કોરિયા જેવા નાના બજારમાં પણ 1 અબજ ડોલર કરતાં વધારે મૂડી ઊભી થઈ હતી. આ બાબતે ભારતીય એક્સચેન્જોનું સ્થાન ક્યાં છે એ કોઈ પૂછો ? આવું હોવા છતાં એક્સચેન્જો પોતાની ઊણપોનો તથા બજારમાં સર્વાંગી પ્રોડક્ટ્સ વિકસાવવામાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવાને બદલે નિયમનતંત્ર, બજારો તથા સંસ્થાઓ પર દોષારોપણ કરે છે.

પ્રશ્ન - ભારતના બ્રોકરોની સર્વસામાન્ય ફરિયાદ છે કે એક્સચેન્જો ઘણા વધારે ચાર્જિસ લાગુ કરે છે. વધુ એક્સચેન્જોના આવવાથી ટ્રેડિંગનો ખર્ચ કેવી રીતે ઘટશે?

ઉત્તર - ખર્ચ ઘટવાની વાત ફક્ત એક્સચેન્જોને લાગુ થતી નથી. વધુ ટેલિકોમ કંપનીઓ શરૂ થવાથી ટેલિફોનનાં ચાર્જિસ ઘટી ગયા, સ્પર્ધાને પગલે બેન્કોએ પોતાના ચાર્જિસ ઘટાડ્યા અને વધુ સારી સર્વિસ મળવા લાગી, અમુક કિસ્સામાં ટ્રેનનાં ભાડાંની તુલનાએ વિમાનનાં ભાડાં પરવડે એટલાં સ્તરે આવી ગયાં, વગેરે અનેક ઉદાહરણો આપણે જોયાં છે. અમે ચાર્જિસની બાબતે સંપૂર્ણપણે પારદર્શક અને વિશ્વસનીય નીતિ રાખીશું. ચાર્જિસ ઘટવાથી સેબીનાં ધોરણોનું અનુપાલન ઘટશે એવી શંકા અસ્થાને છે. મૂડી બજારમાં પ્રવેશ માટેનો ખર્ચ ઓછો હશે તો મૂડી બજારને વધુ ઊંડાણ અને વ્યાપકતા આપવા માટેના સરકાર અને નિયમનકારી સત્તાઓના ઉદ્દેશ્યને હાંસલ કરી શકાશે. અમારા મતે સભ્યોનાં નાણાં મોટીમોટી ડિપોઝિટમાં પડી રહે તેને બદલે બિઝનેસ ચલાવવા માટે કામે આવવાં જોઈએ. ઇન્ટરમીડિયરીઝે એમસીએક્સ-એસએક્સની સભ્યપદની ઓફર બાદ 16 દિવસમાં 700 અરજીપત્રકો મોકલીને સારો પ્રતિસાદ આપ્યો હોવાનું કારણ એ જ છે કે અમે અલગ અલગ ચાર્જિસના નામે તેમના પર નિરર્થક બોજ નાખશું નહીં એવો તેમને વિશ્વાસ છે.

પ્રશ્ન - અન્ય વિભાગોની તુલનાએ ઓપ્શન્સમાં વોલ્યુમ વધી જવાનું કારણ શું ? સીટીટીના અલગ માળખાને લીધે સ્ટોક માર્કેટનું વોલ્યુમ કોમોડિટી બજાર તરફ વળ્યું એવા સ્ટોક એક્સચેન્જોના દાવા વિશે તમે શું કહેશો?

ઉત્તર - 1990ના પ્રારંભિક ગાળાથી સુધારાઓની શરૂઆત થઈ તેને પગલે શેરબજારે નોંધપાત્ર પ્રગતિ કરી અને તટસ્થ યોગદાન આપ્યું, પરંતુ ગત દાયકામાં તેઓ મૂડીનું સર્જન કરીને, બોન્ડ માર્કેટ, વ્યાજદરના વાયદા, એસએમઈના વિકાસ, રોકાણકારોના રક્ષણ, વગેરે કાર્યો દ્વારા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની દિશા ચૂકી ગયાં અને ડેલ્ટા ટ્રેડિંગ તરફ વળ્યાં. આમ થવાથી ઇન્ડેક્ષ ઓપ્શન્સ જેવી એકમાત્ર પ્રોડક્ટથી જ સ્ટોક એક્સચેન્જોનો મોટાભાગનો વેપાર ચાલે છે અને તેનાથી જ તેમનો મોટાભાગનો નફો મળે છે. વોલ્યુમ ઓપ્શન્સ તરફ કેમ વળ્યું એ બાબતે વિચાર કરીએ તો અન્ય કારણોની સાથે સાથે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) પણ એક કારણ દેખાય છે. અમે સતત કહેતા આવ્યા છીએ કે હેજિંગ માટેની પ્રોડક્ટ્સ પર એસટીટીનો બોજ લાદવો જોઈએ નહીં. હેજિંગનાં સાધનો પર આવો કર નાખવાથી વોલ્યુમ એવી પ્રોડક્ટ્સ તરફ જશે જેમાં તે કર લાગુ પડતો ન હોય. અમારો આ મુદ્દો સાચો પુરવાર થયેલો જણાય છે. ઈક્વિટી વાયદા પર એસટીટી લાગુ પડ્યો તે જ ઘડીથી સંબંધિત વિભાગનું વોલ્યુમ ઓપ્શન્સ તરફ વળ્યું. અમને તો એવી પણ શંકા છે કે ઘણું વોલ્યુમ ડબ્બા ટ્રેડિંગમાં પણ ગયું હશે. સ્ટોક ટ્રેડિંગ પર એસટીટી લાગુ થવાને કારણે નાણાં કોમોડિટી તરફ વાળવામાં આવ્યાં હોવાનો સ્ટોક એક્સચેન્જોનો દાવો મૂળભૂત રીતે ભૂલભરેલો અને ગેરમાર્ગે દોરનારો છે. સ્ટોક માર્કેટમાં જે મોટું વોલ્યુમ લાવનારી મ્યુચ્યુઅલ ફંડ, બેન્ક્સ તથા એફઆઇઆઇ જેવી સંસ્થાઓ કોમોડિટી વાયદામાં ટ્રેડિંગ કરતી નથી.

પ્રશ્ન - એમસીએક્સ-એસએક્સ એવું કયું નવું તત્વ લઈને આવશે, જે અન્ય એક્સચેન્જોની તુલનાએ વધુ વોલ્યુમને આકર્ષી શકે ? તમે ડેરિવેટિવ્ઝમાં ફિઝિકલ ડિલિવરી કે અન્ય કોઈ ખાસ પ્રોડક્ટ શરૂ કરવાનો વ્યૂહ આપનાવ્યો છે?

ઉત્તર - અમે લાવેલી નવીનતાને બજારના સહભાગીઓએ આવકાર આપ્યો છે. અમારા સભ્યપદના પ્રકારોમાં વ્યવસાયીઓ અને ગ્રામીણ વેપાર સાહસિકો માટે અલગ શ્રેણી રાખવામાં આવી છે. અમારા ચાર્જિસ વ્યવહારુ છે અને સભ્યો પર બોજ નાખનારા નથી. અમે રોકાણકારોની જાગરૂકતા માટેની પાર્શ્વભૂ તૈયાર કરી લીધી છે અને કામકાજની સાથે સાથે તે બાબતે પણ મોટાપાયે કાર્યક્રમો યોજવામાં આવશે. નાણાકીય શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અમે અનેક નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ સાધ્યો છે. અમે સટ્ટાકીય પ્રોડક્ટ્સનું વધુ વેચાણ થાય એ દષ્ટિએ નહીં, પણ રોકાણકારોમાં જાગરૂકતા વધે તથા સટ્ટાને બદલે રોકાણની સંસ્કૃતિ ખીલે એ દષ્ટિએ કાર્ય કરી રહ્યાં છીએ. એમસીએક્સ-એસએક્સ એકમાત્ર એવું એક્સચેન્જ છે, જેણે આગામી દસ વર્ષમાં બજારમાં કરવાના કાર્યોને લગતું ઘોષણાપત્ર બહાર પાડ્યું હોય. આ જ પ્રક્રિયાના ભાગરૂપે અમે ત્રણ વર્ષ બાદ નિષ્પક્ષ એજન્સી પાસે સમીક્ષા કરાવીશું. અમે રોકડ હોય કે ડેરિવેટિવ્ઝ હોય, બોન્ડ હોય કે વ્યાજદર વાયદા હોય, કરન્સી ડેરિવેટિવ્ઝ હોય કે પછી એસએમઈ કેપિટલ માર્કેટ હોય, દરેક વિભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

પ્રશ્ન - કેશવિભાગમાં વોલ્યુમ સદંતર ઘટી ગયું છે ત્યારે તેને વધારવા માટેનું તમારું આયોજન શું છે?

ઉત્તર - અમારા ઇન્ડેક્ષ - એસએક્સ સહિતની પ્રોડક્ટ્સ એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે રોકાણકારો માટે વિકાસની સંભાવનાઓ જાગે.. સ્ટોક માર્કેટમાં ગણ્યાંગાંઠ્યાં કેન્દ્રોમાંથી જ કામકાજ થાય એવી સ્થિતિને બદલીને દેશના તમામ 600ની આસપાસ જિલ્લાઓમાંથી મૂડી બજારની પ્રોડક્ટ્સમાં ટ્રેડિંગ થઈ શકે એવી સ્થિતિ નિર્માણ કરવામાં આવશે. અમે ગ્રામીણ અને નાનાં શહેરોમાં નિશ્ચિત આવકનાં સાધનોને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે કોમોડિટી માટે જે કામ કરી બતાવ્યું છે તે સ્ટોક માટે પણ કરી બતાવીશું.

પ્રશ્ન - તમે નાના રોકાણકારોને નિશ્ચિત આવકનાં સાધનો તરફ કેવી રીતે આકર્ષિત કરશો?

ઉત્તર - વિશ્વભરમાં નાના રોકાણકારોએ બોન્ડ માર્કેટના જોરે વિકાસ સાધ્યો છે. આવું ભારતમાં સ્ટોક એક્સચેન્જોના અત્યાર સુધીના વલણને કારણે થયું નથી. તેમણે મોટાભાગના નાના રોકાણકારોને પૂરતી સમજાય નહીં એવી ડેરિવેટિવ્ઝ માર્કેટને વિકસાવવામાં જ વધારે રસ લીધો અને તેમાં જ સ્રોતો ખર્ચી નાખ્યા. તેમ થવાથી નાના રોકાણકારો મોટી સંખ્યામાં સ્ટોક માર્કેટથી દૂર થઈ ગયા. એમસીએક્સ-એસએક્સના પ્રવેશથી આ પરિસ્થિતિ બદલાશે. અમે નાના રોકાણકારોને નિશ્ચિત આવકનાં સાધનો તરફ આકર્ષિત કરવા માટે તેમને તેના ટ્રેડિંગ તથા ઉપયોગ અને મહત્વ વિશે પૂરતી સમજ આપીશું.

પ્રશ્ન - ભારતીય મૂડી બજારનું ભાવિ કેવું હશે?

ઉત્તર - ઘણું ઊજળું. અત્યારે ભલે નિરાશાજનક પરિસ્થિતિ હોય, એમસીએક્સ-એસએક્સ શરૂ થયે તેમાં પરિવર્તન આવશે. બોન્ડ માર્કેટ પર ખાસ ભાર અપાવાની સાથે તમામ વિભાગોના સંતુલિત વિકાસ ઉપરાંત રોકાણકારો માટે વધારે સલામતી, ઓછો ખર્ચ, અદ્યતન તંત્રજ્ઞાનનો ઉપયોગ, રોકાણની સંસ્કૃતિ વિકસાવવા પર ધ્યાન, ભારતના તમામ જિલ્લાઓમાં પ્રસાર જેવા વિવિધ કાર્યોને અંજામ આપીને ભારતીય મૂડી બજારનો વિકાસ થયેલો હશે. આ વિકાસ ભારતની ભાવિ પેઢીઓ માટે ઘણું મહત્વ ધરાવતો હશે.

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %