Home» Politics» Gujarat Politics» Interview with dileep sanghani on gujarat election

મોદી મણિનગરથી જ ચૂંટણી લડશે : દિલીપ સંઘાણી

પરેશ પંડ્યા | October 25, 2012, 09:04 PM IST

અમદાવાદ :

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આગામી વિધાનસભાની ચૂંટણી અન્ય બેઠક પરથી લડશે એવી વહેતી થયેલી વાતોનું ગુજરાતના કૃષિમંત્રી અને ભાજપના રાજ્યના કદાવર નેતા દિલીપ સંઘાણીએ ખંડન કર્યું છે. તેઓએ આગામી ચૂંટણીઓમાં ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સાથે જ છે કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટી કે અન્ય પક્ષો ભાજપની સાથે કોઈ સીધી સ્પર્ધામાં આવતાં જ નથી. એવી સીધી વાત જીજીએન સાથેની વાતચીતમાં કરી હતી. સંઘાણી સાથે થયેલી પ્રશ્નોત્તરી અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્ન : કેશુભાઈ પટેલના પક્ષને હવે ચૂંટણીપંચની માન્યતા પ્રાપ્ત થઇ છે. તેઓની સભાઓને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકીય નિરીક્ષકો એવું માને છે કે એમનો પક્ષ આ વખતે ભાજપાના મતોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા સુરતમાં સારું એવું ગાબડું પાડશે. આને અટકાવવાને માટે ભાજપે શું સ્ટેટેજી અપનાવી છે?

ઉત્તર : જ્યાં સુધી આગામી વિધાનસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપની સીધી સ્પર્ધા જ કોંગ્રેસ સાથે છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટી કે અન્ય કોઈ પક્ષોનું ભાજપ સાથેની સ્પર્ધામાં કોઈ અસ્તિત્વજ નથી. અમારો પ્રયાસ કોંગ્રેસને પાડીને વધુમાં વધુ બેઠકો મેળવવાનો રહેશે. આ વખતે 150થી વધુ બેઠકો મેળવવાનો અંદાજ છે. જે અમે હાંસલ કરી શકીશું એવો વિશ્વાસ છે.

પ્રશ્ન : સંઘના કાર્યકર્તાઓનો એક મોટો વર્ગ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નારાજ છે. કારણકે છેલ્લાં દસ વર્ષમાં તેઓએ આરએસએસના કાર્યકર્તાઓની અવગણના કરી છે. એવી ધારણા તેઓના મનમાં છે. મોદી તાજેતરમાં સંઘના વડા મોહન ભાગવતને નાગપુરમાં મળ્યા છે.પરંતુ સંઘની કેડરનો ટેકો મેળવવામાં હવે બહુ મોડા પડ્યા છે એવું તમને લાગતું નથી?

ઉત્તર : સંઘના સ્વયંસેવકો સંઘની રાષ્ટ્રીય વિચારધારાને વરેલા છે.અસંતુષ્ટો સંઘના નામે જે કઈ કરે છે એ લોકો સંઘને ઓળખી શક્યા નથી. આવી જ સ્થિતિ વિશ્વ હિંદુ પરિષદને માટે છે. જેઓ વીએચપી કે આરએસએસને અને એની ધારાને સમજી ના શકે તેઓ કદીયે રાષ્ટ્રીય ધારાના વિચારોને પચાવી શકતા નથી. આવા સંઘ અને વીએચપીના સ્વયંસેવકોની ખંડન વૃત્તિની કોઈ અસર થતી નથી. તેઓએ રાષ્ટ્રીય વિચારધારા પ્રમાણે ચાલીને પક્ષને મજબૂત બનાવવામાં સક્રિય રહેવું જોઈએ.

પ્રશ્ન : કોંગ્રેસે ઘરનું ઘર, મફત લેપટોપ જેવી યોજનાઓ જાહેર કરી છે. ભાજપના કમિટેડ શહેરી મતદારોને તોડવાની ચતુર ચાલ ચાલ્યા પછીથી મોદી સરકાર મોદી મોદી જાગીને લોકોને ઘરો આપવાની વાત કરવા લાગી છે. લોકોનો પ્રતિસાદ કોંગ્રેસની યોજનાઓને જે રીતે મળે છે એ રીતે જોતાં ભાજપને શહેરીવિસ્તારોમાં ચૂંટણીમાં સંઘર્ષ કરવો પડે એવું લાગે છે. એના વિષે આપ શુ કહેવા માગો છો?

ઉત્તર : કોંગ્રેસે રક્ષાબંધનના દિવસે જે ઘરના ઘરની યોજના જાહેર કરી છે. એ તદ્દન છેતરામણી હોવાનો એહસાસ તેમાં ભાગ લેનારને થઇ રહ્યો છે. આનો જોશ ગણતરીના દિવસોમાં જ ઊડી ગયો હતો. કારણકે આ અંગે વહેચેલાં ફોર્મની નીચેના ભાગમાં કોંગ્રેસે કેટેગરી પ્રમાણે નાણાં ભરવાની વાત કરી હતી. તેની સાથોસાથ આ મકાન લેનારને મફત નહીં પરંતુ સસ્તા વ્યાજની લોનથી આપવાની વાત કરી છે. મફત ઘરની વાત કર્યાં પછીથી પ્રમુખ – મહામંત્રી સહી કરે છે. આ તો ગરીબોને ભેગા કરવાનું તૂત છે. આની કોઈ ચોક્કસ સ્પષ્ટતા ક્યાંય નથી. મકાન ભેટ આપવાની વાત કરી તો પછી એની કોઈ કિંમત ના હોય. આ વાત પ્રજા સમજી ચૂકી છે. એ બુમરેંગ થયું એટલે કોંગ્રેસે બચાવને માટે છટકબારીઓ શોધવી પડી છે. આના કારણે ભાજપને ઘરનું ઘર યોજનામાં ફાયદો થશે.

પ્રશ્ન : મોદીએ સદભાવના મિશન દ્વારા મુસ્લિમોને રીઝવવાની કોશિશ કરી છે.તેમ છતાયં મુસ્લિમો કોંગ્રેસ જોડે જવાનું પસંદ કરશે એવા સંકેત દેખાય છે. મૌલાના વસ્તાનવીએ હવે મોદીની આકરી ટીકા કરીને મુસ્લિમોને કોંગ્રેસને સાથ આપવાનું કહ્યું છે. તો શું સદભાવના મિશન નિષ્ફળ ગયું છે?

ઉત્તર : ગુજરાતમાં સદભાવના મિશન નિષ્ફળ ગયું છે. એ તદ્દન ખોટી વાત છે. છેલ્લાં દસ વર્ષમાં રાજ્યમાં સદભાવનાના વાતાવરણને કારણે એકપણ કોમી તોફાનો થયાં નથી. ક્યાંય એક કલાક કે એક દિવસને માટે કરફ્યૂ લગાડવાની જરૂર પડી નથી. આના કારણે એકપણ લાંછન લાગ્યું નથી. રાજ્યના મુસ્લિમોની સુખ- સમૃદ્ધિમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજ સદભાવનાનું સાચું કારણ છે. આપણે યોગ્ય દિશામાં રહીને ગુજરાતમાં શાંતિની સ્થાપના કરી શક્યા છીએ. કાયદો- વ્યવસ્થા જાળવી શક્યા છીએ.

પ્રશ્ન : તમારો પક્ષ જયારે મુસ્લિમોના મત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે તમારા હિન્દુત્વના મુદ્દા ઉપર નિષ્ઠા રાખનાર મતદારો નારાજ થયા છે એનું શું ?

ઉત્તર : ગુજરાત રાજ્યમાં છેલ્લાં દસ વર્ષમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં “સૌનો સાથ,સૌનો વિકાસ” સૂત્રને મધ્યે નજર રાખીને વિકાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ભૂતકાળમાં કે હાલમાં કેન્દ્રમાં પણ સૌને સાથે રાખીને એકપણ યોજના બનાવી નથી. જે ગુજરાતે કરી બતાવ્યું છે. મોદીના શાસનમાં માત્રને માત્ર માનવતાને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાં ધર્મ, કોમ જેવા કોઈ વાડા રાખવામાં આવ્યા નથી. એટલે વર્ગ વિગ્રહથી પર યોજનાઓના કારણે તમામ ધર્મ  અને કોમના લોકો ભાજપની સાથે જ રહેશે. એમાં ક્યાંય તૂટ પડવાની સંભાવના નથી.

પ્રશ્ન : મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવાના સ્વપ્ન જુવે છે. પરંતુ એનડીએના બીજા સહપક્ષોને તેઓ માન્ય નથી.તો શું મોદી ગુજરાતમાં જ અટકી રહેશે?

ઉત્તર : આ બાબતનો નિર્ણય રાષ્ટ્રીયકક્ષાએથી લેવાશે. એના માટે પ્રભુને પ્રાર્થના જરૂર કરી શકાય કે ગુજરાત જેવું સબળ નેતૃત્વ રાષ્ટ્રને પણ પ્રાપ્ત થાય.

પ્રશ્ન : આગામી ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શનમાં નો રિપીટ પોલિસી અપનાવવામાં આવશે કે કેમ? હાલમાં ધારાસભ્ય હોય અને તેને ટિકિટ ના મળે તો તે કેશુભાઈના પક્ષમાં જોડાઈ જાય એવી સંભાવના છે. આ વિષે તમે શું કહેશો?

ઉત્તર : આ નીતિ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે છે. જેમાં પ્રદેશ પ્રમુખ, મહામંત્રી, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના સિનિયર નેતાઓ આ કમિટીમાં હોય છે. તેઓ તમામ પાસાનો વિચાર કરીને જ ઉમેદવારની પસંદગી કરે છે. ટિકિટ ન મળવાને કારણે કોઈ નારાજ થઈને બળવાખોરી કરે છે. તો આવા ઉમેદવારો જીત્યા હોય એવો ભાગ્યે જ કોઈ દાખલો જોવા મળે છે. હાલના તબક્કે તો વિકાસની યાત્રામાં સૌ સાથે રહેશે.

પ્રશ્ન : આ વર્ષે મોદી અને કેટલાક મંત્રીઓ પોતાનો મતવિસ્તાર બદલશે એવી ચર્ચાઓ થઇ રહી છે. એના વિષે આપ શું કહેશો?

ઉત્તર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લી બે ચૂંટણીમાં અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણી લડે છે. અને આગામી ચૂંટણીમાં પણ ત્યાંથી જ ચૂંટણી લડશે. એમાં કોઈ બેમત નથી. સિવાય કે જેઓના મતવિસ્તારમાં ફેરફાર થયા હશે તેઓ બાબતે પક્ષ જરૂરથી વિચારી શકે છે.

પ્રશ્ન : ગડકરી ઉપર ભ્રષ્ટાચારના કથિત આરોપો થઇ રહ્યાં  છે. ત્યારે ભાજપની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ નબળી નહી પડે ?

ઉત્તર : કોંગ્રેસ અનેક કૌભાંડોથી ખદબદે છે. એના ભ્રષ્ટાચારોનો પર્દાફાશ થતાં કોંગ્રેસ હચમચી ગઈ છે. તેને  હાથમાંથી સત્તા સરકતી લાગી રહી છે. એટલા માટે કોંગ્રેસે હંમેશની માફક પોતાના ભ્રષ્ટાચારને બીજા પર ઢોળવાની આદત મુજબ ગડકરીને નિશાન બનાવ્યા છે. ગડકરી કેન્દ્રના વિપક્ષના રાષ્ટ્રીય પ્રમુખ છે. જેઓના કાર્યકાળમાં ભાજપ મજબૂત બન્યું છે. તેમજ એને ગડકરીએ કેન્દ્રની સત્તા પ્રાપ્ત કરી શકવાને લાયક બનાવીને મૂક્યું છે. આનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું હતું. જેઓએ ગડકરી ઉપર કરેલા આરોપો તદ્દન બેબુનિયાદ છે.

PP/DP    

 

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %