ખાદી એ કપડું નહિ પણ વિચાર છે. ખાદીએ દેશનું ફેબ્રિક છે તેમ પણ કહેવામાં આવ્યું છે. લાખો લોકોને રોજગારી પૂરી પડતી ખાદી છેલા કેટલાક વરસોથી વિસરાતી જતી હોય તેમ માનવામાં આવ્યું હતું પણ વાંચકોને આશ્ચર્ય થશે કે દેશમાં ખાદીનુ વેચાણ ૧૬ ટકા જેવું વધ્યું છે અને ઉત્પાદન પણ ૧૧ ટકા વધ્યું છે. લોકો ફરી એક વખત ખાદી પહેરતાં અને ખરીદતાં થયાં છે તેવું હવે ફરી કહેવું પડશે. ખાદીમાં હવે નવી ડીઝાઇન આવી છે નવા કલર આવ્યા છે બલ્કે ખાદીમાં હવે જીન્સ પણ આવ્યું છે ત્યારે ભારતમાં ખાદીનું ભવિષ્ય કેવું છે અને ખાદી ગ્રામોદ્યોગ આયોગની શું યોજના છે એ અંગે કેન્દ્ર સરકારે જેમને જવાબદારી સોંપીને દેશના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન બનાવ્યા છે તે દેવેન્દ્ર દેસાઈ સાથે જીજીએનના સુરેશ પારેખે ખાસ વાતચીત વાત કરી હતી. અહીં તેમની સાથે થયેલી મુલાકાતના અંશો પ્રસ્તુત કર્યા છે.
પ્રશ્ન : ખાદીનું વેચાણ દેશભરમાં વધ્યું છે કેટલો વધારો થયો છે?
જવાબ : ગત વર્ષની સરખામણીમાં દેશભરમાં ખાદીનું વેચાણમાં સારા પ્રમાણમાં વધારો થયો છે અને સાથોસાથ ઉત્પાદન પણ વધ્યું છે. ગત વર્ષની સરખામણી કરીએ તો ખાદીમાં દેશભરમાં સેલ ઘણું સારું રહ્યું છે. કેન્દ્ર સરકારની અનેક સ્કીમોને કારણે ખાદીનાં ઉત્પાદનમાં લગભગ ૧૦ ટકા અને વેચાણમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો છે જે ગત વર્ષ કરતા ઘણો વધારે છે. આવનારા દિવસોમાં પણ ખાદીનું વેચાણ વધશે તેવી અમને આશા છે. અમને એવું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર રીબેટને બદલે એમપીએ યોજના લાવી હતી અને ત્યારે ખાદી સંસ્થાએ એવી દહેશત પણ વ્યક્ત કરી હતી કે સેલ ઘટશે પણ તે યોજના આવ્યા બાદ પણ વેચાણ વધતાં એવું લાગે છે કે લોકો હવે ખાદીને અપનાવતા થયા છે. આવનારા પાંચ વર્ષ દરમિયાન અમે ખાદીનું સેલ ૨૦૦૦ કરોડ સુધી લઇ જવાની નેમ ધરાવીએ છીએ સાથોસાથ રોજગાર પણ વધુ લોકોને મળતો રહે તેવા પણ અમારા પ્રયત્ન પણ છે. હાલ દેશમાં ૧ કરોડ લોકો ખાદી સાથે જોડાયેલા છે અને હાલ ૧૫૦ કરોડની ખાદી નિકાસ કરવામાં વે છે જે અમે ૫૦૦ કરોડ સુધી લઇ જવા માંગીએ છીએ.
પ્રશ્ન : દેશમાં ક્યાં ક્યાં રાજ્યોમાં ખાદીનું વેચાણ વધ્યું છે?
જવાબ : આમતો લગભગ બધા રાજ્યોમાં ખાદીનુ વેચાણ વધ્યું છે તેમ છતાં કેરાળા, તમિલનાડુ, હરિયાણા પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ખાદીનું વેચાણ વધ્યું છે અને આ રાજ્યોમાં ખાદીનુ સેલ વધતા જ દેશમાં પણ ખાદીનુ સેલ વધ્યું છે અને જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પણ ૧૨ થો ૧૪ % ટકાનો ગ્રોથ જવા મળ્યો છે પણ હજુ સાચા ફિગર મારી પાસે આવ્યા નથી.
પ્રશ્ન : સેલ વધ્યું છે તેમાં નવી ડીઝાઈન તેમજ પ્રદર્શનનો ફાળો પણ વિશેષ રહ્યો હશે?
જવાબ : હા ચોક્કસ. ખાદીમાં અમે ઘણી નવી ડીઝાઇન અને કલર લોન્ચ કર્યાં છે અને ફેશનેબલ કપડા પણ હવે ઘણા અમે લોન્ચ કર્યાં છે.
પ્રશ્ન : સાથોસાથ ખાદીના ફેશન શો યોજવાનું પણ આપ વિચારી રહ્યા છો.?
જવાબ : હા. બલ્કે ખાદીના ફેશન શો થતાં જ ન હતા ત્યારે અમે પહેલ કરીને ૨૦૦૯મા રાજકોટમાં ફેશન શો કર્યો અને તેમાં ખુદ મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ ૧ હજાર વિદ્યાર્થીઓને વર્ષમાં કમ સે કમ એક વખત ખાદી પહેરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. એ ફેશન શોમાં તો રાજકોટના ટોચના તમામ અધિકારીઓ પણ રેમ્પ પર ચાલ્યા હતા અને દેશની ટોચની મોડેલ ઉપરાંત પ્રથમ વખત ૧૦ વર્ષ થી નીચેના બાળકો પણ મોડેલ બનીને રેમ્પ પર ચાલ્યા હતા. એ ફેશન શોના ખાદીના કપડા નિહાળ્યા બાદ તો ઘણા લોકો તો એ કપડું સ્પર્શવા પણ આવ્યા હતાં, કારણ કે એ લોકો માની જ શકતાં ન હતાં કે આ ડીઝાઈન ખાદીના કપડામાંથી બન્યાં હશે ! આ ફેશન શો ચાર હજાર લોકોએ નિહાળ્યો હતો. છેલ્લા ૨ થી ૪ વર્ષ દરમિયાન અમે ફેશન શો કર્યા છે અને દેશભરમાં ૬ રાષ્ટ્રીય પ્રદર્શન અને ૨૦ જેટલા રાજ્ય કક્ષાના પ્રદર્શન પણ કરીએ છીએ. સુરતની જ વાત કરીએ તો ગયા વર્ષે અમે ત્યાં પ્રદર્શન યોજ્યું તેમાં ચાર કરોડની ખાદીનું સેલ થયું હતું અને આ વખતે અમે કર્યું તો તેમાં સાડા પાંચ કરોડની ખાદીનું સેલ થયું હતું, એ જ બતાવે છે કે હવે લોકો ખાદી પણ અપનાવતા થયાં છે. અમે ભવિષ્યમાં પણ શો કરવા ઉત્સુક છીએ.
પ્રશ્ન : કેન્દ્ર સરકારની યોજનામાં ખાદીમાં કેટલા રૂપિયાની ફાળવણી થઇ છે?
જવાબ : ૧૨મી પંચવર્ષીય યોજનામાં ૧૪,૫૦૦ કરોડ રૂપિયાની દરખાસ્ત મોકલવામાં આવી છે જે પાસ થશે તેવો અમને આશાવાદ છે. ગત પંચવર્ષીય યોજનામાં ૪૫૦૦ કરોડની જોગવાઈ હતી. સરકાર એક વખત આ દરખાસ્તને બહાલી આપે પછી ખાદીનો વિકાસ કેમ કરવો તેનો વિશેષ ખ્યાલ પણ આવશે અને સાથોસાથ માર્કેટિંગ ક્ષેત્રે પણ અમે વિશેષ ધ્યાન આપવાના છીએ અને તેમાં પણ અમે મીડિયાનો સાથ પણ લેશું.
પ્રશ્ન : એક ખાદી મોલ બનવાની વાત પણ ઘણા સમયથી ચર્ચાતી આવી રહી છે ?
જવાબ : હા. એ વાત સાચી છે અને ટૂંક સમયમાં અમે ખાદીના જે ભવનો છે તેને અમે વાતાનુકુલિત કરીએ છીએ અને સાથોસાથ અમે દેશભરમાં ૫૦ જેટલા નવા ખાદી પ્લાઝા કે ખાદી મોલ શરુ પણ કરી રહ્યા છીએ અને તેમાં જે તે રાજ્યની ખાદી સાથે અન્ય રાજ્યોની ખાદીના સ્ટોલ પણ હશે અને ખાદીની અનેક વેરાયટી ઉપલબ્ધ કરાવીશું.
પ્રશ્ન : વિદેશમાં પણ ખાદી મોલની યોજના છે?
જવાબ : હા. અમે ચારથી પાંચ દેશમાં ખાદી મોલ શરૂ કરવાનું વિચારીએ છીએ. એક વખત ૧૨મી પંચવર્ષીય યોજનામાં દરખાસ્ત પાસ થઈ જશે પછી અમે પશ્ચિમના દેશોમાં તેમજ અન્ય દેશોમાં પણ ચારથી પાંચ મોલ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
પ્રશ્ન : અરવિંદ મિલ તરફથી પણ ખાદી બોર્ડ સાથે ડેનીમ જીન્સનું ટાઈઅપ કરવામાં આવ્યું છે?
જવાબ : હા. એ વાત સાચી છે પણ આ ટાઈઅપ ગુજરાત લેવલે થયું છે અને તેમાં પણ ઘણું સેલ થયું છે આજે ખાદી જીન્સમાં અમે પાંચ કલર લોન્ચ કર્યા છે અને સાથોસાથ આ જીન્સમાંથી હવે અમે કોટી પણ લોન્ચ કરી છે જેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજું, જીન્સની જેટલી ડીમાંડ કંપની તરફથી રહી છે તેનાથી ઓછું પ્રોડક્શન અત્યારે થાય છે એટલે કે હજુ ઘણું વધારે ડેનીમ જીન્સ વેચાઈ શકે તેમ છે અને અમે તેનું વેચાણ પણ વધારવા પ્રયત્ન કરવાના છીએ.
Reader's Feedback: