
આ મેળા માટે રાજ્યસરકાર ચિંતિત છે અને રાજ્યસરકારના અધિકારીઓ તથા ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઇ અગવડ ન પડે તે માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
ભરૂચ તાલુકાનું ભાડભૂત ધાર્મિક માહાત્મ્ય ધરાવે છે કારણ કે આ ગામે ભારેશ્વર મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ પ્રસ્થાપિત છે. વળી ભારેશ્વર મહાદેવ મંદિરની નજીકથી પાવન સલિલા મા નર્મદાના ખળખળ નીર વહી રહ્યાં છે.
પૌરાણિક માહાત્મ્ય
ભાડભૂત ખાતે સ્થાપિત ભારેશ્વર મહાદેવજી સાથે સંકળાયેલ દંતકથા અનુસાર ભગવાન ભોળા શંભુ અહીં બાળસ્વરૂપે નર્મદા નદીના પવિત્ર કિનારે વિષ્ણુશર્મા નામક ઋષિ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરવા આવ્યા હતા. ઋષિ વિષ્ણુશર્મા મહાદેવજીને ઓળખી શક્યા ન હતા અને ભોળા શંભુ પણ પોતાના અન્ય સાથીઓ સાથે ભળી ગયા હતા.
આ સ્થળે ભગવાન શિવે બાલ્યાવસ્થામાં અનેક લીલાઓ કરી હતી અને નર્મદા નદીમાં પોતાના જ સાથીઓને ડુબાવ્યા બાદ તેઓને પુનર્જીવિત કર્યા હતા. ઋષિ વિષ્ણુશર્માને મહાદેવજીએ આ સ્થળે પોતાનાં દર્શન આપ્યાં હતાં અને ત્યારબાદ અહીંથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું. જેને ભારેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.
ભગવાન શિવ જ્યારે અહીં શિક્ષા પ્રાપ્ત કરવા આવ્યા હતા અને એક મહિના સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી તે મહિનો અધિક ભાદરવા મહિનો હતો. ભગવાન શિવે અહીં વરદાન આપ્યું હતું કે જે લોકો પૂર્ણ શ્રદ્ધા સાથે અધિક ભાદરવા દરમિયાન ભારેશ્વર મહાદેવનાં દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે. વળી અહીં દર્શન માત્રથી એક હજાર યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થશે. જેથી દરેક અધિક ભાદરવા માસમાં અહીં એક મહિના માટે મેળો ભરાય છે. વળી આ સ્થળે પાવન સલિલા મા નર્મદામાં સ્નાન કરવાનું પણ અદકેરું માહાત્મ્ય છે.
18 ઓગસ્ટથી મેળાનો પ્રારંભ
આગામી ઓગસ્ટ માસની 18મી તારીખથી મેળાનો પ્રારંભ થશે. જે 16મી સપ્ટે. સુધી ચાલશે. હાલમાં મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા માટે રાજ્યસરકાર ખૂબ ચિંતિત છે. અને તેથી જ રાજ્યસરકારના સચિવો પણ અહીંની મુલાકાતે આવી ચૂક્યાં છે. વળી ભરૂચ જિલ્લાના આગેવાનો પણ સતત નિરીક્ષણ કરી રહ્યાં છે.
મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સુચારૂ આયોજન કરાયું છે. હાલમાં નર્મદા નદીના કિનારે નવો સ્નાનઘાટ, રસ્તાઓ તથા મંદિરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગામમાં આવવાનાં રસ્તાઓ, વાહનો માટે પાર્કિંગ તથા શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
હાલ સુધી જિલ્લા પંચાયત દ્વારા 1 કરોડ 4 લાખ તથા રાજ્યસરકાર દ્વારા 2.5 કરોડ કરતાં વધુની રકમ ફાળવવામાં આવી છે અને જેનો ઉપયોગ વિકાસનાં કામોમાં કરવામાં આવી રહ્યો છે.
1 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના
વર્ષ 1993માં ભાડભૂત ખાતે મેળો ભરાયો હતો. જેમાં એક મહિના દરમિયાન કુલ 64 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જે તે સમયે કોઇ સુવિધા ન હોવા છતાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જયારે આ વર્ષે પરિસ્થિતિ બદલાઇ છે. રાજ્યસરકાર દ્વારા કરાયેલ વિકાસના કારણે ભાડભૂત ગામે પહોંચવું હવે સરળ બન્યું છે.
વળી શ્રદ્ધાળુઓ માટે પણ હાલથી જ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ વર્ષે રોજના 1 લાખ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. ઉપરાંત સમગ્ર માસ દરમિયાન દર્શનાર્થીઓની સંખ્યા 1 કરોડને આંબે તેવી વકી છે.
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે ભાડભૂતના મેળા માટે જિલ્લા પંચાયત દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત રાજ્યસરકાર પણ આ મેળા માટે ખૂબ ચિંતિત છે.
પાણીની અછતનાં એંધાણ
ભાડભૂત ખાતે હાલમાં પૂરજોશમાં તૈયારીઓ તો ચાલી રહી છે. પરંતુ ગ્રામજનોને મેળા દરમિયાન પીવાના પાણીની અછત વર્તાય તેવો ડર સતાવી રહ્યો છે. ગામના આગેવાન પ્રવીણ માછીએ જણાવ્યું હતું કે હાલમાં તંત્ર દ્વારા ટેન્કર થકી પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રોજેરોજ 10 જેટલાં ટેન્કર પાણી પણ ઓછું પડી શકે છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા હંગામી આયોજન કરતાં કોઇ કાયમી આયોજન કરાય તેવી ગ્રામજનોએ માંગણી કરી રહ્યાં છે.
કયા વિકાસકાર્ય માટે કેટલાં નાણાં?
ભાડભૂતના મેળા માટે રાજ્યસરકાર દ્વારા રૂ. 2.5 કરોડની ફાળવણી કરાઇ છે જ્યારે જિલ્લા પંચાયતે રૂ. 1.40 કરોડની ફાળવણી કરી છે. જેમાં...
સ્નાનઘાટ – 62 લાખ
ગામમાં અન્ય સુવિધા માટે – 30 લાખ
આરોગ્ય તેમજ વિકાસ – 70 લાખ
રસ્તાઓ તેમજ ગટર – 55 લાખ
મનાડથી ભાડભૂત રસ્તો – 60 લાખ
મંદિરનાં પગથિયાંના સમારકામ (રાજ્યસરકાર દ્વારા) – 20 લાખ
સાંસ્કૃતિક કાર્યક્રમો (રાજ્યસરકાર દ્વારા) – 20 લાખ
બાકીનાં નાણાં ભાડભૂત ખાતે ભરાનાર મેળામાં શ્રદ્ધાળુઓને કોઇ અગવડ ન પડે તે માટે વાપરવામાં આવશે.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: