લંડન ખાતે ત્રીસમો ઓલિમ્પિક્સ મહોત્સવ શાનદાર રીતે યોજાઈ ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતે ઓલિમ્પિક્સમાં એકલ-દોકલ વ્યક્તિગત ચંદ્રકોને બાદ કરતાં ખાસ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. 2008માં બૈજિંગ ખાતે યોજાયેલ ઓલિમ્પિક્સમાં અભિનવ બિન્દ્રાએ શૂટિંગ સ્પર્ધામાં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો, તો 2000માં સિડની ખાતે યોજાયેલા ઓલિમ્પિક્સમાં મલ્લેશ્વરીએ વેઈટલિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત મેડ઼લ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું હતું. આવા સંજોગોમાં હું જો તમને એમ જણાવું કે ગુજરાત પાસે મહિલા વિશ્વ ચેમ્પિયન છે તો તમને સુખદ આંચકો લાગશે.
ગુજરાતની આ મહિલા વિશ્વ ચેમ્પિયનનું નામ છે પારૂલ પરમાર. બેડમિન્ટનની રમતમાં પારૂલે ડિસેબલ(વિકલાંગ) કેટેગરીમાં વિશ્વ ચેમ્પિયનનું બિરુદ હાંસલ કરી ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. 2002થી ડિસેબલ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટૂર્નામેન્ટસમાં રમતી પારૂલે અત્યાર સુધીમાં 11 ગોલ્ડ , 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ્સ પ્રાપ્ત કર્યાં છે !
20 માર્ચ, 1973ના રોજ પારૂલનો જન્મ થયો ત્યારે તે તદ્દન સ્વસ્થ બાળકી હતી. ત્રણ વર્ષની ઉંમરે એક બીમારીમાં ખોટી રીતે અપાયેલ ઈન્જેકશનની આડઅસરને કારણે પારૂલનો એક પગ લકવાગ્રસ્ત થઈ ગયો. તેનાં માતા-પિતાને ઘણો આઘાત લાગ્યો.
પારૂલ બેડમિન્ટન રમતી કેવી રીતે થઈ તેની કહાની થોડી નાટ્યાત્મક છે. 20 માર્ચ, 1973ના રોજ પારૂલનો જન્મ થયો ત્યારે તે તદ્દન સ્વસ્થ બાળકી હતી. ત્રણ વર્ષની ઉંમરે એક બીમારીમાં ખોટી રીતે અપાયેલ ઈન્જેકશનની આડઅસરને કારણે પારૂલનો એક પગ લકવાગ્રસ્ત થઈ ગયો. તેનાં માતા-પિતાને ઘણો આઘાત લાગ્યો પણ પારૂલના પિતા દલસુખભાઈએ દીકરીને શક્ય તેટલી સારવાર અને સહકાર આપવાનું નક્કી કર્યું. તેઓ ગાંધીનગરમાં એન્જિનિયર તરીકે સરકારી કચેરીમાં ફરજ બજાવતા હતા અને ત્યાંના જિમખાનામાં નિયમિત બેડમિન્ટન રમવા જતા. પારૂલને પણ કંઈક કસરત મળશે તેમ માની તેમણે પારૂલના હાથમાં પણ નાનકડું રેકેટ પકડાવી દીધું. પિતા સામે જિમખાનામાં બેડમિન્ટન રમતાં રમતાં પારૂલને તેમાં રસ પડવા લાગ્યો. જિમખાનામાં સમર કેમ્પમાં દેશના નિષ્ણાત કોચ બેડમિન્ટનની તાલીમ આપવા આવતા. પારૂલ પણ આ સમર કેમ્પમાં ભાગ લેતી. આમ તેને વર્ષોવર્ષ દેશના ઉત્તમ કોચ પાસે તાલીમ લેવાની તકો સાંપડી. તેના કોચ સ્વ. સુરેન્દ્ર પરીખે તેને આ રમતની વિવિધ ટેક્નિક્સ શીખવી તેનો પાયો મજબૂત કર્યો.
તેર વર્ષની ઉંમરે પારૂલે પહેલીવાર સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો અને ગુજરાત બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં રનર અપ બની. તે વખતે પારૂલ ડિસેબલની કેટેગરીમાં નહીં, પણ સામાન્ય (નોર્મલ) ખેલાડીઓ સામે રમતી. દેખીતી રીતે જ શારીરિક ક્ષતિને કારણે તે પ્રતિસ્પર્ધી જેટલી ઝડપી દોડ કે મૂવમેન્ટસ કરી શકતી નહીં. છેવટે 2002ની સાલથી તેણે ડિસેબલની કેટેગરીમાં બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં વિમેન સિંગલ્સ અને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યાં. બેંગલૂરુમાં તે જ વર્ષે આયોજિત ડિસેબલ ગોલ્ડ મેડલ જીતી ‘વર્લ્ડ ચેમ્પિયન’ નું બિરુદ હાંસલ કર્યું. ત્યારબાદ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ પ્રાપ્ત કર્યાં.
મહિલા ખેલાડીઓને જે ભેદભાવોનો સામનો કરવો પડે છે તેવો સામનો પારૂલે પણ કરવો પડ્યો છે, અનેક વખત સ્પોન્સરશિપના અભાવે તે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટસમાં ભાગ નથી લઈ શકતી. તેનું સ્વપ્ન તો 2012માં યોજાનાર પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાનું હતું, પણ સ્પોન્સરશિપ ન મળે તો શું થાય?
2004માં ક્વાલાલમ્પુર ખાતે યોજાયેલ એશિયાડ પેરાલિમ્પિકસમાં પણ તેણે સિંગલ્સ, ડબલ્સ અને મિક્સડ ડબલ્સ ટાઈટલ્સ જીત્યાં. ત્યારથી તે ‘એશિયા ક્વીન’ તરીકે મશહૂર થઈ. પારૂલની સિદ્ધિઓની કદરરૂપે 2006માં તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામના હસ્તે તેને ‘નેશનલ રોલ મોડેલ’ એવોર્ડ અર્પણ થયો. એથીયે અદકેરું ગૌરવ તેને મળ્યું 2009માં, જ્યારે તેને રમતગમત માટેનો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘અર્જુન એવોર્ડ’ એનાયત થયો. ગીત સેઠી પછી દસ વર્ષ બાદ ગુજરાતના કોઈ ખેલાડીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો અને તે પણ એક વિકલાંગ મહિલા ખેલાડીએ. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી.
પારૂલે શારીરિક અક્ષમતા પર વિજય મેળવી સાબિત કરી દીધું છે કે જો વ્યક્તિમાં હિંમત, લગન, આત્મવિશ્વાસ, મહેનત અને ખંત જેવા ગુણો હોય તો તે ગમે તે મુકામ હાંસલ કરી શકે છે. જો કે, મહિલા ખેલાડીઓને જે ભેદભાવોનો સામનો કરવો પડે છે તેવો સામનો પારૂલે પણ કરવો પડ્યો છે, અનેક વખત સ્પોન્સરશિપના અભાવે તે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટસમાં ભાગ નથી લઈ શકતી. તેનું સ્વપ્ન તો 2012માં યોજાનાર પેરાલિમ્પિક્સમાં ભાગ લેવાનું હતું, પણ સ્પોન્સરશિપ ન મળે તો શું થાય ? જો કે, પારૂલ તાજેતરમાં જ બેંગલૂરુ ખાતે બેડમિન્ટન કોચ બનવાનો એક વર્ષનો કોર્સ સમાપ્ત કરીને પાછી ફરી છે. તેનું સ્વપ્ન હવે આગામી ઓલિમ્પિક્સમાં ગુજરાતની છોકરીઓને બેડમિન્ટનમાં તૈયાર કરીને મોકલવાનું છે. ચક દે, પારૂલ ! ઓલ ધ બેસ્ટ!!
(બેલા ઠાકર જાણીતા પત્રકાર, લેખિકા અને કોલમિસ્ટ છે. તેઓ ફ્રીલાન્સ પત્રકાર અને લેખિકા તરીકે કામ કરે છે અને આર્ટ, કલ્ચર, સાંપ્રત ઘટનાઓ તથા નારીવિષયક મુદ્દાઓ પર પોતાના રિવ્યુઝ આપે છે.)
KP
Reader's Feedback: