વડોદરા તાલુકાની રાધવપુરા ગ્રૂપ શાળાના બે ઓરડાના બાંધકામના કામ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નિમણૂક થયેલી ટેકનીકલ રિસોર્સ પરસન (ટીઆરપી) મહિલા કર્મચારી આચાર્ય પાસેથી રૂા. પ૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગઇ હતી. ડ્રાઇવર સાથે કાર લઇને લાંચ લેવા ગયેલા મહિલા કર્મચારીની ધરપકડ થઇ હોવાની જાણ થતાં જ જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.માંજલપુર દરબાર ચોકડી પાસેની પ્રમુખ વંદના સોસાયટીમાં રહેતા અમૃત છોટાલાલ દેસાઇ રાઘવપુરા ગ્રૂપ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે.
ઓરડાનું સુપરવિઝન કરવા બદલ તેમજ બાંધકામ માટે રૂપલ શાહે શાળાના આચાર્ય અમૃત દેસાઇ પાસે રૂા. પ૦ હજારની લાંચની માગણી કરી હતી. તેમણે ૩ વખત માગણી કર્યા બાદ ગત ૨૬મીએ ફોન કરીને ૨૮મીએ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.
આચાર્યએ લાંચ રૂશ્વત વિરોધી વિભાગમાં ફરિયાદ કરતાં પીઆઇ જી.ડી. પલસાણાએ શુક્રવારે છટકુ ગોઠવ્યું હતું. તમે ફોન કરજો એટલે હું આવી જઇશ તેમ કહ્યું હોવાથી આચાર્યએ આજે સવારે કોલ કરતાં મહિલા કર્મચારી ડ્રાઇવર સાથે પોતાની કાર લઇને લાંચ લેવા પહોંચી ગયા હતાં. શુક્રવારે બપોરે ૧: ૧૦ કલાકે મહિલા કર્મચારીએ આચાર્યની ચેમ્બરમાં બેસીને રૂા. પ૦ હજારની લાંચ લેતા જ એસીબીની ટીમે પહોંચી જઇ તેમને રંગેહાથ ઝડપી પાડયા હતાં. એસીબી પીઆઇ પલસાણાએ મહિલા કર્મચારીની ધરપકડ કરી સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરને જાણ કરી હતી.
MP/RP
Reader's Feedback: