Home» Politics» Gujarat Politics» Ggn special interview with sonal desai

પિતાને ફરી મુખ્યમંત્રી તરીકે જોવા છે: સોનલ

સુરેશ પારેખ | November 20, 2012, 03:37 PM IST

રાજકોટ :

નરેન્દ્ર મોદીની સામે મોરચો ખોલનાર કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કેશુબાપાની સાથે એક નવો ચેહરો પણ જોવા મળી રહ્યો છે. આ ચેહરો અન્ય કોઈ નહિ પણ ખુદ કેશુભાઈ પટેલનાં દીકરી સોનલ દેસાઈ છે. કેશુભાઈ પટેલની પરિવર્તનયાત્રા શરૂ થઇ ત્યારથી સોનલ દેસાઈ તેમની સાથે રહ્યાં છે. કેશુભાઈ પટેલ જ્યાં સભા કરે છે ત્યાં પણ તેઓ એમની સાથે જ રહે છે. સોનલ દેસાઈ હાલ અમદાવાદમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે અને હમણા કેશુભાઈ પટેલના નવા સારથી તરીકે ઊભરી આવ્યાં છે. જોકે તેઓ કહે છે કે  મને રાજકારણમાં રસ નથી પણ મારા પિતા 84 વર્ષની વયે  ગુજરાત માટે નીકળ્યા છે ત્યારે મારે તેમની તબિયત પણ સાચવવી જોઈએ....જીજીએનની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રસ્તુત છે તેમની સાથેની મુલાકાતના અંશ...

પ્ર: આપ છેલ્લા દોઢ મહિનાથી કેશુભાઈની સાથે રહ્યાં છો, તો શું ચિત્ર સામે આવ્યું છે?
જ:
મને એવું લાગે છે કે અમે જ્યાં જ્યાં ગયાં છીએ ત્યાં અમને સ્વયંભૂ સમર્થન મળ્યું છે. લોકો કેશુભાઈને મળવા, વાત કરવા અને તેમને સાંભળવા આવે છે. મને એવું લાગે છે બાપાની લોકચાહનામાં કોઈ ફેર પડ્યો નથી. લોકો આજે પણ તેમને ચાહે છે.

પ્ર: તમને કેશુભાઈએ સાથે રહેવા જણાવ્યું છે કે આપે એમની સાથે રહેવાનો નિર્ણય કર્યો છે?
જ:
આ મારો નિર્ણય હતો કારણ કે મારા પિતા 84 વર્ષે ગુજરાત માટે નીકળ્યા છે ત્યારે મને એવું લાગ્યું કે મારે એમને સાથ આપવો જોઈએ. હવે એમને પોતાની તબિયત પણ સાચવવાની છે. તેઓ નિયમિત જમી લે, ખોટો ગુસ્સો ન કરે અને સાથેસાથે લાંબા પ્રવાસને કારણે તેમની તબિયત પર અસર ન પડે એ માટે  તેમને સાચવવા માટે મેં એમની સાથે જોડાવાનું નક્કી કર્યું છે. મેં જ્યારે એમને કહ્યું કે હું સાથે રહીશ તો એમણે મને મંજૂરી આપી.

પ્ર: કેશુભાઈ આ વખતે ફરી સક્રિય બન્યા છે. લોકોમાં શું ફીડબેક જોવા મળ્યા?
જ:
મને એવું લાગ્યું કે લોકો થાક્યા છે અને હવે પરિવર્તન માંગે છે. બાપા પણ આ વખતે ગુજરાતની સેવા કરવા ફરી સક્રિય બન્યા છે અને આ વખતે ચોક્કસ ગુજરાતમાં નવી બાબત થઈને રહેશે.

પ્ર: તો કેટલી સીટની અપેક્ષા રાખી શકાય?
જ:
મને બહુ રાજનૈતિક સવાલ નહિ ફાવે કારણ કે હું અહીં તેમની સાથે થોડા દિવસથી જ છું એટલે ચોક્કસ  જવાબ તો ન આપી શકાય પણ પ્રજા હવે સમજી ગઈ છે અને એ પણ પરિવર્તન લાવવા માંગે છે.

પ્ર: શું તમારી સાથે તેમણે ક્યારેય નરેન્દ્ર મોદી સાથેના સંબંધો અંગે ચર્ચા કરી છે?
:
કેશુભાઈ પટેલે આજે પણ એક કોમનમેન જેવા છે અને જ્યારે કોઈની લાગણી દુભાય તો એમને પણ કોમનમેનની જેમ જ દુ:ખ થાય છે. જોકે એમના મનમાં કોઈ પણ બાબત કે ગુસ્સો લાંબો નથી રહેતો અને નરેન્દ્રભાઈ સાથેના સંબંધો અંગે એમની સાથે કોઈ ચર્ચા કરી નથી.

પ્ર: પણ આ વખતે લોકો હવે મોદીથી નિરાશ થયા છે એમ લાગે છે?
જ:
ચોક્કસપણે મને પણ એવું લાગે છે કે લોકો હવે મોદીથી નિરાશ થયા છે અને જે પ્રકારે વિકાસની વાતો થતી હતી તેવું કંઈ થયું નથી.

પ્ર: જે જનમેદની જોવા મળી રહી છે તે શું ખરેખર મતમાં રૂપાંતરિત થશે?
જ:
હા ચોક્કસ. આ વખતે તો મને પણ લાગે છે કે લોકો મતદાન કરીને પણ બાપાને સમર્થન આપશે અને જે રીતે મોટી સંખ્યામાં લોકો બીજી પાર્ટીમાંથી આવીને અહીં અમારી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે તે જોતા તેઓ મતદાન કરવા પણ ઊમટી પડશે.

પ્ર: તમે રાજકારણમાં આવશો?
જ:
ના. મને કોઈ દિલચસ્પી નથી. અત્યારે તો હું માત્ર એટલું જ વિચારું છું કે મારા પિતા 84 વર્ષે  ગુજરાતનાં હિત માટે ફરી મેદાનમાં આવ્યા છે. અને એટલે એમની સારસંભાળ માટે જ હું આવી છું. ચૂંટણી લડવા માટે કે રાજકારણમાં પ્રવેશ કરવા માટે પણ મારી કોઈ ઈચ્છા નથી.

પ્ર: બાપાને મળતાં સમર્થન પરથી તમે માનો છો કે આવનારા દિવસોમાં ભાજપ વર્સીસ જીપીપી રહેશે?
જ:
માત્ર બે જ મહિનામાં જે સમર્થન અમને મળી રહ્યું છે તે જોતાં આ પાર્ટીનું ભાવિ બહુ જ ઉજ્જવળ છે અને આવનારા દિવસોમાં અમે ચોક્કસ એક મજબૂત પાર્ટી તરીકે ઊભરી આવીશું.

પ્ર: કેશુભાઈને ગ્રામ્યપ્રજાની સાથે સાથે શહેરની પ્રજાનું પણ સમર્થન મળી રહ્યું છે?
જ:
હા. અને એ જ બહુ મોટી વાત છે એનો મતલબ એવો પણ થયો કે લોકો સરકારથી પણ નારાજ તો છે જ.

પ્ર: વ્યક્તિગત રીતે તમે નરેન્દ્ર મોદી વિષે શું માનો છો?
જ:
મને બહુ રાજકીય સવાલ નહિ ફાવે.

પ્ર: કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બને તેવું ઈચ્છો છો?
જ:
જી હા, એ મારું સપનું પણ છે. મારે મારા પિતાને ફરી મુખ્યમંત્રીની સીટ ઉપર બિરાજમાન થતાં જોવા છે અને લોકો પણ એમ જ ઈચ્છે છે.

SP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %