Home» Politics» Gujarat Politics» Ggn special interview with keshubhai patel

182 બેઠકો પર ચૂંટણી લડીશું: કેશુભાઈ

મનોજ શર્મા | October 27, 2012, 07:09 PM IST

વડોદરા :

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી છે. હાલ તેઓ પરિવર્તનયાત્રા લઈને ઠેર ઠેર ફરી અને જનતાને પરિવર્તન માટે હાકલ કરી રહ્યાં છે. પરિવર્તનયાત્રાના અંતિમ તબક્કામાં આજે તેઓએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી શરૂઆત કરી હતી. જીજીએન સાથેની એક ખાસ વાતચીતમાં તેમણે અનેક મુદ્દાઓ પર ખૂલીને વાત કરી હતી. પ્રસ્તુત છે કેશુભાઈ પટેલ સાથેની વાતચીતના મહત્વના અંશ...

પ્ર : પરિવર્તનયાત્રાને એક મહિનો પૂર્ણ થયો છે. આપની આ યાત્રા કેવી રહી?
જ :
આજે યાત્રાને ૩૧ દિવસ પૂર્ણ થયા છે. પ્રથમ દિવસથી જ જે રીતે લોકો મારી સાથે જોડાયા અને યાત્રાને સમર્થન આપ્યું આજે પણ એ જ ગતિએ લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ જોતા એમ લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા પણ હવે પરિવર્તનના મૂડમાં છે.

પ્ર : આપના પક્ષને ચૂંટણીપંચની મંજૂરી મળી ગઈ છે ત્યારે હવે તમારું ચૂંટણીચિહન કયું હશે?
જ :
અમારા પક્ષનું ચિહન ચાર-પાંચ દિવસમાં અમે નક્કી કરીશું. આ માટે અમારી બેઠક મળશે અને એમાં બધાના વિચારો જાણીને સર્વમાન્ય ચૂંટણી ચિહન નક્કી કરવામાં આવશે.

પ્ર : રાજનીતિમાં કહેવાય છે કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે. આપના કોઈ આવા મિત્રો ખરા?
જ :
ના. અમારે કોઈ મિત્ર નથી. અમે તમામ 182 બેઠકો પર ચૂંટણી લડીશું. એટલે અમારી સ્પર્ધા તમામ પક્ષો અને રાજકારણીઓ અને ઉમેદવારો સાથે હશે, અને અમે હવે લડી લેવાના મૂડમાં જ છીએ.

પ્ર : આ વિધાનસભા ચૂંટણીમાં તમારો મુખ્ય મુદ્દો કયો છે?
જ :
અમારો મુદ્દો સાફ છે. અમે ભયમુક્ત ગુજરાત અને લોકોનું ગુજરાત બનાવવા ઈચ્છીએ છીએ. ગુજરાતમાં ગૃહમંત્રી જ જો તડીપાર હોય તો એ ગુજરાતમાં લોકો કેટલા ભયમાં જીવતાં હશે!

પ્ર : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના કૌભાંડનાં મુદ્દે પ્રચાર કરે છે પણ હવે ગડકરી જ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યાં છે. આ મુદ્દે આપનું શું માનવું છે?
જ :
ગડકરી તો બહુ દૂરની વાત છે. પહેલાં ખુદ નરેન્દ્ર મોદી કેટલાંય કૌભાંડોમાં સામેલ છે. કેગના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીએ લાખો-કરોડો રૂ.નાં કૌભાંડ આચર્યાં છે. પોતે જ કૌભાંડોમાં સંડોવાયેલા હોય ત્યારે મોદી કોની સામે આંગળી ચીંધશે?

પ્ર : બાબા રામદેવ નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાત આવી રહ્યાં છે તો એનાથી કોઈ ફરક પડશે?
જ :
બાબા યોગ કરાવી શકે, મત ના ફેરવી શકે. તેમના ગુજરાતમાં મોદીના પ્રચાર માટે આવવાથી કોઈ ફરક નહીં પડે. જનતા તો સારા, સ્વચ્છ ઉમેદવાર જોઇને જ મત આપશે, જેઓ તેમની તકલીફો સમજી શકે અને દૂર કરી શકે.

પ્ર : સ્વ. કાશીરામ રાણાનાં નિધનથી આપના પક્ષને કોઈ કમી અનુભવાય છે?
જ :
સ્વ. કાશીરામભાઈની ખોટ તો હંમેશાં સાલશે. મારી સાથે જો સ્વ. કાશીરામભાઈ હોત તો પક્ષની મજબૂતી ઘણી વધી ગઈ હોત. મારો પક્ષ મજબૂત છે જ પરંતુ કાશીરામભાઈની હાજરી હોત તો વાત જ કંઈ અલગ હોત. જોકે અમે આ પક્ષને સત્તા સુધી પહોંચાડીને  કાશીરામભાઈની ઈચ્છા પૂર્ણ કરીશું.

પ્ર : આપ કઈ બેઠકો પર આપની મજબૂત દાવેદારી ગણાવો છો?
જ :
જ્યાંથી આ પક્ષની રચના થઇ છે એવા રાજકોટમાં તો અમે મજબૂત છીએ જ, સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હું ફર્યો છું અને લોકોએ મને ઘણું સમર્થન આપ્યું છે. આ સ્થળોએ પણ લોકોનો સાથ મળશે અને અમે પરિવર્તન લાવીશું.

MS / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %