એક સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરિ અમીન આ વખતે ગુજરાતમાં સત્તામાં પરિવર્તન જોઈ રહ્યાં છે. તેઓ માને છે કે કોંગ્રેસને રાજ્યભરમાંથી સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં નરહરિ અમીને જીજીએન સાથે આવનાર વિધાનસભા ચૂંટણી અંગે તેમની સાથેની રસપ્રદ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.
પ્ર : કોંગ્રેસે જાહેર કરેલા 10 મુદ્દાઓ અંગે લોકો તરફથી મળેલા પ્રતિસાદ બાબત શું કહેવું છે?
જ: લોકો ગુજરાતના મુખ્યમંત્રીને ઓળખી ગયા છે. લોકો ખોટી વાતોમાં આવી ગયા હતા, એ હવે લોકોને સમજાયું છે અને આ વખતે કોંગ્રેસ માટે બહુ જ સારું વાતાવરણ બન્યું છે.
પ્ર : પણ કોંગ્રેસ આ વખતે ક્યાં મુદ્દા પર ચૂંટણી લડી રહી છે?
જ : અમે પણ વિકાસની વાત જ કરીએ છીએ પણ મોદીના ભ્રષ્ટાચાર અને મોદીની ખોટી વાતો હવે 10 વર્ષ બાદ લોકોને સમજાય છે અને અમે પણ ગુજરાતના વિકાસ માટે જે મુદ્દા નક્કી કર્યાં છે તે મુજબ અમે આવનારા દિવસોમાં પ્રચાર કરીશું. નક્કર કામ થાય તેવી જાહેરાત જ અમે કરીશું અને અમને આશા છે કે ગુજરાતનું સાચું ચિત્ર રજૂ કરીને અમે લોકોનું સમર્થન મેળવી શકીશું.
પ્ર : કેવા ઉમેદવારને ટિકિટ આપશો?
જ : કોંગ્રેસે નક્કી કર્યું છે કે જે ઉમેદવાર જીતી શકે છે એને જ ટિકિટ આપવામાં આવશે. અમે એક કમિટી પણ બનાવી લીધી છે. કમિટિના અધ્યક્ષ તરીકે સી.પી.જોશી છે, જે સોનિયા ગાંધીને રિપોર્ટ કરશે અને અાગામી દિવસોમાં અમે ઉમેદવારોની આખરી યાદી તૈયાર કરી નાખીશું. આ મહિનાના અંત પહેલાં અમે અમારી પ્રથમ યાદી પણ જાહેર કરી દઈશું.
પ્ર : શું હારેલા ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવશે?
જ : અમારી પહેલી પસંદગી જીતી શકે તેવા ઉમેદવારોની રહેશે અને જો એવા ઉમેદવાર નહિ હોય તો અમે જે ઉમેદવારો શ્રેષ્ઠ હશે તેને ટિકિટ આપીશું. એમાં અમને એમ લાગશે કે હારેલો ઉમેદવાર પણ શ્રેષ્ઠ છે તો અમે ચોક્કસ તેને ટિકિટ આપીશું.
પ્ર : કેશુભાઈ પટેલ ફેક્ટર કેટલું નડી રહ્યું છે? ભાજપ કે કોંગ્રેસ બંને કેશુભાઈનું નામ પણ લેતાં ગભરાય છે?
જ : કોંગ્રેસને કેશુભાઈનો કોઈ ડર નથી. ભાજપ અંગે અમે નથી જાણતા. આમેય ગભરાવાની જરૂર તો ભાજપને જ છે કારણ કે કેશુભાઈને તો ભાજપે જ કાઢ્યા છે. હું માનું છું કે કેશુભાઈ પટેલની પાર્ટી ચોક્કસ ભાજપના મતમાં જ ગાબડાં પાડશે.
પ્ર : એનસીપી તમારી સાથે રહેશે કે અલગ થશે? એને કેટલી ટિકિટ આપવામાં આવશે?
જ : એનસીપી સાથે અમારું ગઠબંધન રહ્યું જ છે અને આગામી દિવસોમાં જે કઈ ચર્ચા અને રણનીતિ નક્કી થશે તે મુજબ તેઓની સાથે અમારું ગઠબંધન રહેશે. એનસીપીને કેટલી બેઠકો આપવી એ બંને પાર્ટી નક્કી કરશે.
SP / KP
Reader's Feedback: