Home» » » Ggn diary by dilip gohil 22

એક દિવસ હવા પણ પાઉચમાં મળશે

દિલીપ ગોહિલ | August 26, 2013, 11:26 AM IST

અમદાવાદ :

માણસ પાણીના પરબ બંધાવતા. વટેમાર્ગુને પાણી મળે તે માટે કાળે ઉનાળે પણ કાળા માથાનો માનવી દૂરથી પાણી સારી લાવીને રસ્તા વચ્ચે પાણીની કોઠી ગોઠવીને છાંયડો કરતો અને ગળાને અને દિલને ઠંડક આપતો. પણ આ જ કાળા માથાના માનવીનું માથું ફરે ત્યારે બહુ કાળા કામો કરે છે. દેવાયતની વાણી કહી ગઈ હતી કે દોરડે દીવા બળશે. તે તો કેદુના બળે છે. તે પછી આવ્યો પાણી વેચવાનો ધંધો. પાણીના પાઉચ વિનાની દુનિયા હોય તેવી હવે કલ્પના પણ થઈ શકતી નથી. પણ એ જ પાઉચના હવે સીધા બે રૂપિયા થઈ ગયા છે. પરબ બંધાવવાની વાત તો દૂર થઈ, પાણીના ધંધાવાળા અને ગલ્લાવાળાઓ લોકોને તરસે મારી નાખશે.

લગભગ બે વર્ષ પહેલાં આ જ રીતે પાણીમાંથી કાળી કમાણી કરનારાઓએ પાઉચના બે રૂપિયા કરી નાખવાનો કારસો કર્યો હતો, પણ ત્યારે કેટલાક ઉત્પાદકોએ મનાઈ કરી હતી. પાણી ઉત્પાદકોના એસોસિએશનના મનીષ પટેલ ત્યારે પોતાની કંપની તરફથી એક રૂપિયે જ પાઉચ વેચવાનું ચાલુ રાખ્યું હતું. આ વખતે પણ મનીષ પટેલે એક જ રૂપિયો રાખવાનો આગ્રહ કર્યો છે, પણ લાગે છે કે લારી-ગલ્લાવાળા ફાવવા નહીં દે. દૂધ અને ગેસનો ભાવ વધ્યા પછી ચાના સાત રૂપિયા થઈ ગયા છે એટલે હવે નફો વધારવા પાઉચ જ આશરો રહ્યો છે. છુટ્ટાની પાછી રામાયણ એટલે જોજો આવતા મહિને ડિઝલના ભાવ વધ્યા અને તે પછી દૂધના ભાવ વધ્યા એટલે આઠ રૂપિયાની અડધી ચા અને બે રૂપિયાનું પાઉચ લઈ લો સાહેબ, છુટ્ટા નથી માટે લાવો રૂપિયા દસની નોટ-આ થવાનું છે, લખી રાખો.

આમ જ ચાલ્યું તો એક દિવસ હવા પણ પાઉચમાં મળશે. એ તો ભલું થજો સીએનજીનું કે કેરોસીનનો ધૂમાડો ઓકતી રિક્ષાઓનું પ્રદૂષણ કાબૂમાં રહ્યું છે. આમ છતાં વધતા વાહનોને કારણે અને વૃક્ષો કપાતા જાય છે તેના કારણે હવામાં એટલો ઓછો ઓક્સિજન હશે કે આપણે ઓક્સિજનના પાઉચ રસ્તામાંથી લઈને શ્વાસ લીધા કરવો પડશે. ના, ના, મજાક નથી કરતો, પાણીના પાઉચ હશે એવું વીસ વર્ષ પહેલાં કોઈએ કીધું હોત તો મજાક લાગી હોત કે નહીં? તો પછી એક દિવસ હવા પણ વેચાતી મળશે જ...
 

પવિત્ર મહિનો શ્રાવણ પુરો થવા આવ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને યાત્રા કાઢવાનું યાદ આવ્યું તે પણ એક રીતે તો આસ્થાની મજાક જ હતી. પંચકોસી એટલે કે પાંચ કોસ જેટલી લાંબી યાત્રા 1990માં કાઢવામાં આવેલી ત્યારે પણ મુલાયમસિંહની સરકાર હતી.

નદી માતા કહેવાતી અને મોકળાશથી વહેતી એટલે પૂરનો ભય રહેતો નહીં. માણસે નદીના કાંઠે કાંઠે જ વધારે દબાણ કર્યું એટલે નદીઓ પૂર બનીને પ્રકોપ વ્યક્ત કરે છે. નર્મદા પણ આટલો વિશાળ બંધ બંધાયો હોવા છતાં સતત છલકાઈને વહી રહી છે. બંધના કારણે પૂર નિયંત્રણ થશે એવી સરકારની વાત મજાક છે એવું તમે કહેતા હશો તો એમાં આપણી સંમતિ છે.

એ જ રીતે પવિત્ર મહિનો શ્રાવણ પુરો થવા આવ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદને યાત્રા કાઢવાનું યાદ આવ્યું તે પણ એક રીતે તો આસ્થાની મજાક જ હતી. પંચકોસી એટલે કે પાંચ કોસ જેટલી લાંબી યાત્રા 1990માં કાઢવામાં આવેલી ત્યારે પણ મુલાયમસિંહની સરકાર હતી. તે વખતે રામભક્તો પર ગોળીબાર થયેલો અને 15ના મોત થયેલા. મરાયા રામભક્તો અને સત્તા મળી ગઈ હતી ભાજપને. પરંતુ ભાજપે કેન્દ્રમાં સત્તા ખાતર સાથી પક્ષોને સાધવા રામમંદિરનો મુદ્દો પડતો મૂક્યો તે પછી યુપીમાં તેની સરકાર જતી રહી હતી. ફરી પાછી સત્તા મેળવવા માટે આ વખતે વિહિપને કહીને 84 કોસીની વધારે લાંબી યાત્રા કાઢવાનું કહ્યું, પણ આ વખતે તેમાં સ્થાનિક લોકોએ સંમતિ આપી નહીં.

84 કોસી યાત્રાનો ફિયાસ્કો થયો, પરંતુ આમ જુઓ તો યાત્રા પાછળનો હેતુ તો બંને પક્ષે સિદ્ધ થઈ ગયો ગણાય. વિહિપ યાત્રાના મુદ્દે રાજકારણ કરવા માગતું હતું તો સમાજવાદી પક્ષ યાત્રા અટકાવીને એવું જ રાજકારણ કરવા માગતો હતો. બંને પક્ષને યાત્રાનો વિવાદ 84 કોસ કરતાંય લાંબો ચાલે તેમાં રસ હતો એટલે ભારે સેટિંગ થયેલું લાગ્યું અને બંને પક્ષે પોતપોતાનો ફાયદો લઈ લીધો, પણ તેમાં ધર્મની યાત્રાની બાબતની મજાક થઈ તેનું શું?

રાજકારણીઓ ભારે મજાકીયા હોય છે. કોંગ્રેસના મોવડીમંડળે ચૂંટણીઢંઢેરો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. તેમાં ગુજરાત કોંગ્રેસને પણ મુદ્દાઓ મોકલવા જણાવાયું છે. આ તો ગુજરાત કોંગ્રેસની ભારે મજાક થઈ કહેવાય. હાથમાં આવેલી બાજી કેવી રીતે હારી જવી તેના મુદ્દા જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોકલી શકે તેમ છે. ચૂંટણી કેમ જીતાય તે આજના કોઈ ગુજરાતી કોંગ્રેસીને ખબર છે ખરી?

બીજી બાજુ આપણા નરેન્દ્રભાઈ પણ ઓછા મજાકીયા નથી. તેઓ મતદારોને જ મોજ કરાવે છે. આ વખતે દરેક બૂથ દીઠ જાતજાતના મોરચા અને ભાતભાતની સમિતિઓ બનાવીને તે દરેકમાં હોદ્દાઓની લહાણી કરવાની. તે રીતે દરેક બૂથમાં 40 ટકા જેટલા મતદારો ભાજપના સંગઠનના કોઈને કોઈ હોદ્દેદાર કે સભ્ય બની જાય. તેથી એટલા મત તો પાકા! ભાઈશ્રી ચમન, અમરેલી જિલ્લા, રાજુલા તાલુકા, રાજુલા શહેર, મફતપરા વોર્ડ, ધૂડી શાળા, બૂથ નંબર બે, એસસી મોરચો, યુવા પાંખ, બૂથ કમિટિ, પેટા કમિટિના મુખ્ય, નાયબ, ઉપસભ્ય... શ્વાસ ચડી ગયો... એવા હોદ્દા અપાશે એટલે માનનીય મતદારો કરો અમન!
 

ગુજરાત કોંગ્રેસ મોવડીમંડળને ચૂંટણીઢંઢેરાના કેવા મુદ્દા મોકલશે તે ખબર નથી, પણ ગુજરાત ભાજપે 50 લાખ મકાનોની ગુલબાંગ ફેંકી છે, પણ ઇન્દિરા આવાસ યોજનાનું ફંડ વાપર્યું નથી તે વિગતો જરૂર મોકલશે.

અમનની વાત તો બરાબર છે, પણ દુનિયામાં અમન લાંબું ટકતું નથી. અમેરિકા પહેલા ઇરાક અને પછી અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરીને થાક્યું તો હવે સિરિયામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો છે. સિરિયાની રાજધાની દમાસ્કસમાં કેમિકલ શસ્ત્રો વડે હજારોની હત્યા થઈ તે પછી અમેરિકા તેને ગંભીર પરિણામોની ચેતવણી આપી રહ્યું છે. ઇજિપ્તમાં પણ અંધાધૂંધીની સ્થિતિ છે ત્યારે ફરી એક વાર મધ્ય-પૂર્વમાં અમનની જગ્યાએ યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ભારતમાં ચોમાસાના વાદળો વિખેરાઈ જવાની તૈયારીમાં છે ત્યારે ચૂંટણીયુદ્ધના વાદળો ઘેરાવા લાગશે. કેમ કે આગળ વાત થઈ તે પ્રમાણે વિહિપે ચેતવણી આપી છે કે 84 કોસી યાત્રા અટકાવાઈ તેની સામે હવે દેશભરમાં આંદોલન થવાના છે. તો કોંગ્રેસે પણ સંસદમાં ફૂડ સિક્યુરિટી બિલ અને બીજા કેટલાક અગત્યના ખરડા પસાર કરાવવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સંસદનું હાલનું ચોમાસું સત્ર લંબાવવામાં પણ આવે તેમ પણ કહેવાય છે. જોકે કોંગ્રેસની આ ઉતાવળ ચૂંટણી વહેલા લાવવા માટે નથી, કેમ કે સોનિયા ગાંધીએ કહ્યું છે કે તેઓ વહેલી ચૂંટણી લાવવાના નથી અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે જીતની હેટ-ટ્રિક કરવાના છે.

આવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવાનું કારણ એ કે કર્ણાટકમાં લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણી યોજાઈ તે બંને જનતાદળ(એસ) પાસેથી કોંગ્રેસે જીતી લીધી. ભાજપ તો ત્રીજા નંબરે રહ્યું. એક બેઠક પર અભિનેત્રી રામૈયા ચૂંટાઈ છે એટલે સંસદમાં એટલું ગ્લેમર પણ વધ્યું. હવે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પરિણામો પર સૌની નજર ચોટેંલી રહેશે.

ગુજરાત કોંગ્રેસ મોવડીમંડળને ચૂંટણીઢંઢેરાના કેવા મુદ્દા મોકલશે તે ખબર નથી, પણ ગુજરાત ભાજપે 50 લાખ મકાનોની ગુલબાંગ ફેંકી છે, પણ ઇન્દિરા આવાસ યોજનાનું ફંડ વાપર્યું નથી તે વિગતો જરૂર મોકલશે. તેની સામે દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકારની કહ્યાગારી સીબીઆઇ ગુજરાતમાં હજી કેટલાક કેસ ખોલશે તે પણ જોવાનું રહેશે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં શિવા સોલંકીની ધરપકડ થઈ છે. તે ભાજપના સાંસદ દિનુ બોઘાનો ભત્રીજો છે. સીબીઆઈ તેની સાબરમતી જેલમાં પૂછપરછ કરવાની છે. તેના કારણે ગુજરાત ભાજપના વધુ એક નેતા કાયદાની જાળમાં આવશે કે કેમ તેના પર પણ સૌની નજર ચોંટી છે.

DG / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %