Home» » » Ggn diary 31 03 14

બાકી હતું તો સંઘે પણ સર્વે કર્યો અને નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂ આપ્યો

Hridaynath | March 31, 2014, 12:20 PM IST

અમદાવાદ :

બિલાડીના ટોપની જેમ સર્વે ફૂટી નીકળ્યા હતા. દર મહિને કોઈ ને કોઈ સંસ્થા સર્વે કરતી હતી. સર્વે પાછળ ખર્ચે ઘણો આવે. નવાઈની વાત એ લાગતી હતી કે આટલા બધા સર્વે કરવાનું પરવડે કેવી રીતે. તેનો પણ સર્વે કરવાની કોશિશ થઈ. સર્વે એટલે સમજોને સ્ટિંગ ઓપરેશન. એક ચેનલે સર્વનો સર્વે કરવા માટે સ્ટિંગ કરી નાખ્યું. તેમાં ખ્યાલ આવ્યો કે સર્વે તો બધા બોગસ છે. પૈસા લઈને કરવામાં આવે છે અને તેમાં બેઠકોની સંખ્યા ઈચ્છા મુજબ વધારી ઘટાડી શકાય છે.

ઈ હાચું, મારું બેટું સમજાતું નોતું કે આવડા આ સર્વેના પૈસા કાઢે છે ક્યાંથી. અરે યાર, એટલી તો કોમનસેન્સ હોયને કોમનમેનમાં કે સર્વેમાં કંઈક ગરબડ હોય છે, પણ આ તો શું કે સ્ટિંગના કારણે સ્પષ્ટ થઈ ગયું કે સર્વેમાં રાજકીય પક્ષો કેવી રીતે ગોલમાલ કરે છે. પેલા યશવંત દેશમુખ, અરે આપણા નાનાજી દેશમુખના દીકરા, સંઘવાળા, સી-વોટરવાળા. યુ સી, સી-વોટર નામની સંસ્થા ચલાવનારા. તે ભાઈ રાજકીય પક્ષો પાસેથી પૈસા લઈને સર્વે કરી નાખતા હતા, અરે સર્વે જ નહોતા કરતા, બીજા એક સર્વે કરવાવાળા ભાઈએ એવું કહ્યું કે યશવંતભાઈ તો અમારી પાસેથી ડેટા લઈ જતા અને બસ આંકડાનો મેળ બેસાડી દેતા હતા. ટૂંકમાં સ્ટિંગ ઓપરેશનનો સર્વે... સોરી, સર્વે નહીં પણ સાર એવું કહેતો હતો કે એનડીએને વધુ બેઠકો મળી રહી છે તેવું તારણ આ ઉછીના લીધા ડેટા પરથી કરી નાખવામાં આવતું હતું.

થોડો ઉહાપોહ થયો એટલે થોડા, થોડા એટલે બે જ મહિનો આમ તો, બે જ મહિના સર્વે બંધ રહ્યા અને ફરી શરૂ થવા લાગ્યા છે. પણ દે દામોદાર દાળમાં પાણી... એ હવે બંધ થઈ ગયું લાગે છે. એક ટીવી પર લેટેસ્ટ સર્વે આવ્યો તેમાં એનડીએને વાજબી એવી સવાબસ્સો સીટ આપવામાં આવી છે. કોંગ્રેસની સ્થિતિ થોડી સુધરતી બતાવી છે. મમતા અને જયા અને નવીન પટનાયક પણ ફાયદામાં છે એવી પણ કંઈક વાજબી વાત થઈ. ઓકે, આટલું ચાલે. આવા થોડા વાજબી અનુમાનો હોય તો સર્વેનો અભ્યાસ કરીને થોડું ગંભીર મનોરંજન લઈ શકાય.

આટલું બાકી હોય તેમ કહેવાય છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે પણ પોતાની રીતે સર્વે કરાવ્યો. ભઈ, સાચી સ્થિતિ તો જાણવી પડેને... નરેન્દ્રભાઈનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એટલું જોરદાર હોય છે કે ભલભલા અંજાઈ જાય છે. અમેરિકા અને જાપાનના એનેલિસ્ટો પણ અંજાઈ જાય છે ત્યાં બાકીનાની શી વિસાત. એટલે સંઘે વાજબી સર્વે કરાવ્યો અને તેમાં એવું તારણ નીકળ્યું છે દેશના મોટા ભાગના વિસ્તારમાં નરેન્દ્ર મોદીનું નામ પહોંચી ગયું છે, પણ દક્ષિણ ભારતમાં હજી રાહુલ ગાંધીને વધારે સમર્થન છે.

આ થોડી વાજબી વાત થઈ. થોડી ગળે ઉતરે તેવી વાત છે. ભાજપ અને નરેન્દ્ર મોદીના ભક્તો માટે ખુશ થવા જેવી વાત એ છે કે પૂર્વ ભારતમાં પણ મોદીના કારણે પક્ષને ફાયદો થઈ રહ્યો છે. આ મહત્ત્વની વાત છે. પૂર્વમાં પશ્ચિમ બંગાળથી આગળ ઈશાન ભારત તરફ ભાજપની ખાસ હાજરી નથી, પણ આ વખતે તેમાં ફરક પડી શકે છે. ખાસ કરીને આસામ અને અરુણાચલ પ્રદેશમાં. આસામમાં એક્ચુઅલી 4 બેઠકો 2009માં જ મળી ચૂકી છે. તેમાં વધારો થઈ શકે છે. અરુણાચલમાં પણ બે બેઠકો મળી શકે છે. આ બંને વિસ્તારોમાં કદી ભાજપના મોટા નેતા પ્રવચન કરવા ગયા નહોતા. મોદીએ આસામ અને અરુણાચલ બંનેમાં સભાઓ કરી છે અને આજે પણ કરી રહ્યા છે. તેથી થોડો ફાયદો અહીં દેખાઈ શકે છે તે વાત વાજબી અને ગળે ઉતરે તેવી છે. દાર્જિંલિંગમાં ગોરખા મોરચા સાથે સમજૂતિ થઈ છે. તે બેઠક પણ મળશે. પશ્ચિમ બંગાળમાં આ વખતે કોંગ્રેસ અને મમતા બેનરજી અલગ અલગ લડે છે. આમ તો મમતા આમ છતાં ફાવવાના છે એવું સર્વે (આ નહીં અન્ય સર્વે) કહે છે, પણ ડાબેરીઓ અને ભાજપ એકાદ બે બેઠકોનો ફાયદો અહીં ગણી શકે છે. ઉત્તરમાં પણ જમ્મુ અને કાશ્મીર સુધી નજર નાખીએ તો જમ્મુ વિસ્તારની બે બેઠકો ભાજપને આ વખતે મળી શકે છે.

હવે મજાની વાત એ છે કે સંઘના સર્વેએ પણ સ્વીકાર્યું કે દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીનું નામ હજી પણ જાણીતું છે. દક્ષિણ ભારતમાં પણ મોદીની સભાઓ સારી ગઈ છે અને કર્ણાટકમાં યેદીયુરપ્પાના આગમન પછી આમ તો ભાજપને ફાયદો થવો જોઈએ. પણ નથી થઈ રહ્યો, કેમ કે તામિલનાડુ અને કેરળમાં હજી કશું થઈ શક્યું નથી અને આંધ્ર પ્રદેશમાં પણ આજે સોમવાર સુધીમાં નાયડુ સાથે અને ચિરંજીવીના ભાઈ પવન કલ્યાણ સાથે સમજૂતિ થઈ શકી નથી. તેથી ત્યાં પણ ખાસ ફાયદો ના મળે તેમ બને. અગાઉ કેટલાક સર્વે થયા તેમાં દક્ષિણ ભારતના યુવાનોમાં મોદી બહુ લોકપ્રિય છે તેવું જણાવાયેલું. એ જૂના સર્વે મોદીભક્તોએ ખરીદેલા હતા એટલે તેમાં મોદીની લોકપ્રિયતા બતાવતા હતા - આવો આક્ષેપ કરી શકાય તેમ છે, પણ સાથેસાથે તેમાં લોજિક પણ જોઈ શકાય છે. દક્ષિણ ભારતમાં મોદીની લોકપ્રિયતા હોઈ શકે છે, કેમ કે હૈદરાબાદ અને બેંગલોર ઉપરાંત મૈસુર જેવા શહેરોમાં પણ આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં લાખો યુવાનો કામ કરે છે. તેમાં દેશભરના યુવાનો હોય છે. સોશિયલ મિડિયાનો સૌથી વધારે ઉપયોગ આ યુવાવર્ગ કરે છે અને મોદીનો સૌથી વધારે પ્રચાર સોશિયલ મિડિયા પર થાય છે. એટલે તાળો મળ્યોને... કે મોદી તેમાં લોકપ્રિય હોઈ શકે છે. સોશિયલ મિડિયામાં પણ પૈસા આપીને લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવામાં આવે છે, તે જુદી સ્ટોરી છે. ઇન્ડિયા વર્લ્ડ કંપની 499 કરોડમાં સત્યમને વેચીને નવરા થઈ ગયેલા રાજેશ જૈન અત્યારે મોદી માટે નેટ પ્રચારના બિઝનેસમાં વ્યસ્ત છે. તે વાત અત્યારે છોડો.

મૂળ વાત પર આવીએ કે દક્ષિણ ભારતમાં મોદી યુવાનોમાં લોકપ્રિય ખરા, પણ બાકીના મતદારોમાં રાહુલ ગાંધીનું નામ જાણીતું છે તેનું લોજિક બેસે એવું છે. ભાષાને કારણે એ લોજિક બેસે. દક્ષિણમાં હિન્દી કોઈ સમજતું નથી. નરેન્દ્ર મોદીનું જોરદાર ભાષણ હિન્દીમાં હોય છે. તે સાંભળીને મતદાર પ્રભાવિત થઈ શકે છે. દક્ષિણ ભારતમાં ભાષણનો એ પ્રભાવ જામતો નથી. સોશિયલ મિડિયામાં અંગ્રેજીમાં પ્રચાર થતો રહે છે તેથી મોદી ત્યાં ફાવે છે.

હવે એ વાત તો જાણીતી છે કે નરેન્દ્ર મોદીને ભાષણ આપવાનું જ ફાવે છે, સંભાષણ કરવાનું ફાવતું નથી. આમ છતાં તેઓ વચ્ચે વચ્ચે અખતરો કરી લે છે અને માનીતા તથા પાળીતા પત્રકારોને ઈન્ટરવ્યૂ આપે છે. રાહુલ ગાંધીએ અર્ણવ ગૌસ્વામીને ઈન્ટરવ્યૂ આપ્યો અને બિચારા ફસાઈ ગયા. ભારે ફજેતી થયેલી. નરેન્દ્ર મોદીએ હાલમાં મધુ કિશ્વરને આ ચૂંટણીનો, લોકસભા 2014નો પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો. તેની પણ ભારે મજાક થઈ રહી છે. આખો ઈન્ટરવ્યૂ એક પક્ષી, એક તરફી, ભાષણબાજી જેવો થયો છે. મધુબહેન બિચારા કશું બોલતા જ નથી. બોલે છે માત્ર મોદી. ભાષણમાં જેમ છવાઈ ગયા તેવી ભાષણની સ્ટાઈલમાં જ ઈન્ટરવ્યૂ થયો એટલે કોઈએ ગંભીરતાથી લીધો નથી અને રાહુલ ગાંધીના ઈન્ટરવ્યૂની જેમ જ નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યૂનો પણ ફિયાસ્કો થયો છે એમ કહેવાય. હી, હી, હી, મજા આવી ગઈ. બંને મુખ્ય નેતાઓ ઈન્ટરવ્યૂમાં બાઘા સાબિત થયા. ઈન્ટરવ્યૂ તો બોસ પેલા અરવિંદ કેજરીવાલનો, કકળાટ કરે ઈન્ટરવ્યૂમાં, એક નો એક કકળાટ યાર, પણ મનોરંજન ભારે થાય અને પેલા એન્કરની હાલત ખરાબ થઈ જાય. જુઓ, જુઓ નેટ પર એવા ઈન્ટરવ્યૂ છે, હસવું હોય તો જો જો.

હજી એક રિજનલ ચેનલના માસ્ટર ફિક્સરે પણ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ કર્યો છે અને આ અઠવાડિયે પ્રગટ થશે તેમ લાગે છે. આ માસ્ટર ફિક્સર તો એવા છે કે સત્તા પરિવર્તન થાય ત્યારે એક દિવસ પણ રાહ નથી જોતા, એક કલાકમાં જ પાટીયું ફેરવી નાખે છે. રાજસ્થાનમાં પાંચ વર્ષ પહેલાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે વસુંધરા રાજેની ચોવીસે કલાક આરતી આ ચેનલ ઉતારતી હતી. પણ ચૂંટણીમાં જીતી ગયા ગેહલોત. આ માસ્ટર ફિક્સરનું દિમાગ બહુ કાતિલ છે. બહુ તેજ. સાડા બારે પરિણામો સ્પષ્ટ થઈ ગયા અને અઢી વાગ્યે આ કાતિલ દિમાગના માસ્ટર ફિક્સરે અશોક ગેહલોતને અભિનંદન આપતા હોર્ડિંગ્સ પણ મૂકી દીધેલા. કાતિલની બિઝનેસ સેન્સ પણ કાતિલ છે એટલે એક ડઝન ચેનલોમાં નરેન્દ્ર મોદીનો સામુહિક રીતે ઈન્ટરવ્યૂ ચલાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. તે ઈન્ટરવ્યૂ પણ જરૂર જોજો, હી, હી, હી.... મજા આવશે હોં.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.47 %
નાં. હારી જશે. 20.90 %
કહીં ન શકાય. 0.63 %