Home» » » Ggn diary 30 04 14 gujarat voting

ગુજરાતમાં મતદાન વધશે, પણ રેકર્ડ બ્રેક થશે કે કેમ?

Hridaynath | April 30, 2014, 01:32 PM IST

અમદાવાદ :

ગુજરાતમાં સવારથી મતદાન શરૂ થઈ ગયું છે અને મોટા ભાગના લોકોનો અનુભવ છે કે સવારે સાત વાગ્યે જ લાઈન લાગી ગઈ હતી. કેશુભાઈ પટેલ રાજકોટમાં સાત વાગ્યે સૌથી પહેલાં મતદાન કરવા પહોંચ્યા, પરંતુ તેમની પહેલાં પણ કેટલાક લોકો આવી ગયા હતા. મારી પહેલાં પણ લોકો આવી ગયા હતા એમ કેશુભાઈ પટેલે કહ્યું.

કેશુભાઈએ એમ પણ કહ્યું કે મોદીની લહેર છે. બિચારા એક બાપને પોતાના પુત્રને સેટ કરવા માટે શું શું સહન કરવું પડે છે. કેશુભાઈએ પોતે વિસાવદરની બેઠક ખાલી કરી આપી છે અને બેઠક પર ભાજપે તેમના પુત્ર ભરત પટેલને ટિકિટ આપી છે. પુત્ર ભરત પટેલને સેટ કરવા માટે કેશુભાઈએ અપમાનો ગળી જઈને નરેન્દ્ર મોદીને પેંડા ખવરાવવા પડ્યા છે. કેશુભાઈ એક વડિલ નેતાના બદલે જોકર જેવા વધારે બની ગયા છે. તેમણે મહાગુજરાત જનતા પાર્ટીને વિખેરી નાખીને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરાવી. ગોરધન ઝડફીયા તેમાં વિના કારણે ઝડપાઈ ગયા અને કરુણ રીતે તેમનો રકાસ થયો. સૌથી શરમજનક વાત એ છે કે નીચી મુંડી કરીને કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફીયાએ નરેન્દ્ર મોદી નમો નમઃ કરવું પડ્યું. એટલું જ નરેન્દ્ર મોદી ભણાવે એટલો જ પાઠ ભણવો પડ્યો છે અને એટલું જ બોલી શકે છે જે નરેન્દ્ર મોદી ક્લિયર કરી આપે. ગોરધનભાઈએ સૌની જેમ રાગ આલાપવો પડ્યો કે તેમને પીએમ બનાવવા માટે અમે ભાજપમાં આવી રહ્યા છે. કેશુભાઈ પટેલ પર આધાર રાખીને, તેમનો વિશ્વાસ કરીને વિરોધ કરવા ગયેલા બધાની હાલત બુરી થઈ છે.

પણ આ જમાનામાં રાજકારણીઓ પાસેથી ડિસન્સીની અપેક્ષા રાખવી વધારે પડતી છે. આચારસંહિતામાંથી છીંડા શોધીને તેનો બિન્ધાસ્ત ઉપયોગ કરવામાં આવે છે. આચારસંહિતાના ભંગની ફરિયાદ થઈ તેવા સમાચારને મને લાગે છે કે હવે સમાચાર જ ગણવા જોઈએ નહીં. એક પણ આચારસંહિતાની ભંગની ફરિયાદમાં કોઈને કદી કોઈ સજા થયાનું સાંભળ્યું નથી. અરે મિત્ર, તમે સાંભળ્યું હોય તો સંભળાવોને, અમે ક્યાં ના પાડીએ છીએ.

આ જુઓ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનો ભંગ કર્યો તેવી ફરિયાદ થઈ તેમાં શું થવાનું છે? તેમણે બે આંગળીઓ વચ્ચે, બાળક રમકડું પકડી રાખે તે રીતે કમળનું નાનકડું રમકડું પકડી રાખ્યું હતું. હવે નિયમ એવું કહે છે કે મતદાન મથકથી 100 મીટર સુધીમાં પક્ષનું ચિહ્ન કે પ્રચારના કોઈ સાધન-સામગ્રીનું પ્રદર્શન થવું જોઈએ નહીં. 101 એક મીટર પછી નિયમ પૂરો થઈ જાય છે. એથી નિયમ ભંગ થયો કે કેમ તે હવે તપાસ કરનાર નક્કી કરશે. કોંગ્રેસે આ વિશે ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે, પણ એક વાત એ છે કે આખું દૃશ્ય બહુ ડિસન્ટ લાગતું નહોતું. મતદાન કર્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાની સામે કમળ રાખીને મોબાઈલ ફોનથી ફોટો પાડ્યો ત્યાં સુધી બરાબર છે. આ એક નવો ટ્રેન્ડ છે. તેને સેલ્ફી કહેવામાં આવે છે. સેલ્ફી એટલે મોબાઈલ ફોનથી પાડેલો પોતાનો જ ફોટો. સેલ્ફી પાડીને, સેલ્ફ તસવીર પાડીને પોતાના એકાઉન્ટમાં મૂકવાની નવી ચાલ ચાલી છે. નરેન્દ્ર મોદી હંમેશા સોશિયલ મિડિયાના લેટેસ્ટ ટ્રેન્ડ સાથે ચાલે છે. તેથી તેમની આ સેલ્ફી ટ્વીટર પર વાઈરલ થશે તેમ સૌએ માની લીધું છે. પરંતુ તે પછી પ્રેસ  સાથે વાત કરતી વખતે પણ તેમણે બે આંગળીઓ વચ્ચે કમળ દબાવીને તેને દેખાડતા રહ્યા, લહેરાવતા રહ્યા... હં.... તે થોડું.... જરાક અમસ્થું, ઓછું શોભતું હતું.... જરાક....

નરેન્દ્ર મોદીને પૂરા માર્કે આપવા પડે કે તેઓ દરેક પ્રસંગને ઉજવી જાણે છે અને ઉચિત સંદેશ આપતા હોય છે. હવે માત્ર તેમને દોષ દેવાની જરૂર નથી, કેમ કે મિડિયા તો દરેકને તક આપે છે. દરેક પક્ષના મોટા નેતાને મતદાન આપીને આવ્યા પછી થોડું બોલવાની તક આપવામાં આવે છે. શંકરસિંહ વાઘેલાને પણ તક મળી હતી અને મધુસુદન મિસ્ત્રીને પણ તક મળી હતી. એટલું જ નહીં દીનશા પટેલને પણ તક મળી હતી. આ નેતાઓએ પણ પોતાને મળેલી તકનો સારો ઉપયોગ કરીને સારો મેસેજ પોતાના આપી શકે છે. જમાના સાથે બદલવું રહ્યું, બદલાતા ટ્રેન્ડ સાથે બદલાવું રહ્યું.

ઓકે, ના બદલાવ. તમારો અસલી મિજાજ જાળવી રાખો. માણસે પોતાની અસલી ઓળખ ખોઈ નાખવી ના જોઈએ તે વાત સાચી પણ, પણ જૂનો મિજાજ પણ અદ્દલ દેખાઈ એવું કરો. સેલ્ફી ના પાડો, પણ બે સારા વાક્યમાં નિવેદન તો આપો. આટલા વર્ષના અનુભવ પછી ખ્યાલ હોવો જોઈએ કે મિડિયા તમારી સામે આવશે. દીકરીનો માંડવો નાખ્યો હોય ત્યારે જાન આવવાની છે તે ખબર જ હોય છે. વેવાઈવેલાને કેમ આવકારીશું તેની થોડીક તો તૈયારી હોય... પણ એક કે બે નેતાને હિન્દી બોલતા સાંભળીને એમ થાય કે જાવા દ્યોને, ગુજરાતીઓને બાવા હિન્દી જ ફાવે....

આ નેતાઓની વાતમાં આપણે આડે પાટે ચડી ગયા. મૂળ વાત એ છે કે ગુજરાતમાં જંગી મતદાન થશે કે કેમ. ખાસ કરીને એટલા માટે કે આજે મતદાનના દિવસે 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે કેટલા લોકો બહાર નીકળશે તેની અટળકો ચાલી રહી છે. ગરમીને ધ્યાનમાં રાખીને વહેલા મતદાન કરી આવજો એવા મેસેજ સૌએ આપ્યા છે. તે પ્રમાણે વહેલી સવારે સારી લાઈનો પણ જોવા મળી છે અને કેટલીક જગ્યાએ સારું મતદાન પણ થયું છે.

બપોરે બાર વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન 32 ટકા જેટલું વડોદરામાં થયું છે. તેને સ્વાભાવિક ગણવું જોઈએ, કેમ કે નરેન્દ્ર મોદી માટે ખાસ્સા ઉત્સાહથી ભાજપના કાર્યકરોએ કામ કર્યું છે. તેની સામે કચ્છમાં સૌથી ઓછું મતદાન થયું છે. કચ્છમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ લડી રહ્યા છે. અબડાસાથી તેમને જીતવાની આશા છે અને સાથોસાથ રાપરની બેઠક પર પણ તેની અસર પડે અને તે બેઠક પણ પાછી ફરે તેવી આશા કોંગ્રેસને છે ત્યારે કચ્છમાં ઓછું મતદાન ધ્યાન ખેંચે તેવું છે.

બીજું બપોર સુધીમાં સરેરાશ મતદાન 24 ટકા થયું છે. પાંચ કલાકમાં 24 ટકા તેનો અર્થ કે સરેરાશ કલાકના પાંચ ટકા થયા. આ થોડું ઓછું કહેવાય. જો છ વાગ્યાના બદલે આઠ વાગ્યા સુધી મતદાન ચાલે તો 12 કલાકમાં 60 ટકા સુધી થાય. બીજું સવારે જ વધારે મતદાન થવાની અપેક્ષા હતી, બપોરે થોડું ઓછું થાય અને વળી સાંજે ફરી મતદાન વધે તેવી અપેક્ષા હતી. તેથી 60 ટકાથી વધીને થોડું મતદાન થયા તેમ અત્યારે લાગે છે.

પણ એક મિનિટ, એક મિનિટ, હાં કાકા, એ જ સ્પષ્ટતા કરું છું....આ પ્રાથમિક આંકડા છે અને અડધા કરતા ઓછો દિવસ વીત્યો ત્યારના છે. તેથી આ ફાઈનલ આંકડાં અલગ હોઈ શકે છે. આપણે આશા રાખીએ કે સાંજે વધારે મતદાન થાય. બીજું હિટ વેવ દક્ષિણ ગુજરાતમાં ઓછો છે તેથી ત્યાં વધારે મતદાન થઈ શકે છે અને સરેરાશ વધી શકે છે. બપોરના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં વધારે મતદાન થઈ શકે છે. આ બધું જોતા મતદાન સારું થાય તેવી જ આશા વ્યક્ત કરીએ, પણ રેકર્ડ બ્રેકિંગ 70 ટકાથી ઉપર જવાશે કે કેમ... હં... થોડું મુશ્કેલ લાગે છે. થોડું જોખમ લઈને આ કહી રહ્યો છું, પણ તમે તેને ગંભીરતાથી લઈને, મતદાન ના કર્યું હોય તો અત્યારે તડકામાં જ જઈને પણ કરી આવો, પ્લીઝ. જાવ, જાવ, આવીને ગ્લોબલ ગુજરાત ન્યુઝ વાંચી લેજો, તમને બધી જ લેટેસ્ટ માહિતી મળી જશે, પણ અત્યારે પ્લીઝ જઈને વોટ કરી આપો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %