Home» » » Ggn diary 28 04 14

હવે કસૌટી ગુજરાત કી, ગુજરાતના પરિણામો સૌથી અગત્યના સાબિત થવાના છે

Hridaynath | April 28, 2014, 11:49 AM IST

અમદાવાદ :

હવે કસૌટી ગુજરાત કી છે. ગુજરાતમાં આજે સાંજે પ્રચારના પડઘમ શમી જશે. ત્યાર પછી ડોર ટુ ડોર ઉમેદવારો ફરશે, છેલ્લી ઘડીની ગોઠવણો થશે, બાકી રહી ગયા હશે તે અપક્ષોને સાધી લેવાશે અને હા દારૂની મહેફિલો પણ ખૂબ થશે. દેશભરમાં ભાજપ મોદીની લહેરના આધારે વધારે બેઠકો મેળવવા માટે આશાવાન છે, પરંતુ સૌથી અગત્યનું રાજ્ય ગુજરાત છે, કેમ કે ગુજરાતમાં પણ વધારે બેઠકો મેળવવી પડે. 2009ની 15 બેઠકો કરતાં પણ વધુ અને અગાઉ મળેલી 21 બેઠકો કરતાં પણ વધુ.

પેટાચૂંટણીમાં બનાસકાઠા અને પોરબંદર બેઠકો પણ ભાજપને મળી ગઈ છે એ બેઠકો પણ જાળવી રાખવાની છે અને ગયા વખતે થોડા મતોથી ગુમાવેલી ખેડા જેવી બેઠકો મેળવવાની ગણતરી પણ ભાજપની છે. રાબેતા મુજબ ભાજપ આત્મવિશ્વાસ સાથે છવ્વીસે છવ્વીસ બેઠકો મેળવવા માટે દાવો કરે છે. બરાબર છેને, દાવો કરવામાં શા માટે મોળા રહેવું. દાવો હંમેશા સો ટકાનો જ કરવો. એકસોને એક, મિત્ર, એક્સોને માથે એક.

કોંગ્રેસ આ બાબતમાં કાયમ મોડેસ્ટ. આ વખતે પણ કોંગ્રેસના કેટલાક મિત્રો દાવો કરી રહ્યા છે કે અમે 13 બેઠકો તો જીતી જ જવાના છીએ. કોંગ્રેસના વખાણ પણ કરી શકાય કે કોંગ્રેસ વધારે વાસ્તવિક ભૂમિ પર રહે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે કોંગ્રેસને શાસન વિરોધી મૂડ થોડો નડી રહ્યો છે. લોકો પોતાની સમસ્યા માટે શાસક પક્ષને જવાબદાર ગણે તે સ્વાભાવિક છે. આ વાસ્તવિકતા સ્વીકારીને કોંગ્રેસના નેતાઓ કબૂલી રહ્યા છે કે ગત વખત કરતાં ઓછી બેઠકો મળશે, પણ કોંગ્રેસ મુક્ત ભારતની વાત ભાજપ કરે છે તેવું અમે નહીં થવા દઈએ એમ પણ કોંગ્રેસના મિત્રો કહે છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસ 13 બેઠકોનો દાવો કરે છે, પણ ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી આ વખતે કોંગ્રેસને 13 બેઠકો આપી શકે નહીં. ગત વખતની 11 બેઠકો કરતાં વધારે બેઠકો આપી શકે નહીં, કેમ કે દેશભરમાં બેઠકોની સંખ્યા વધારવાની વાત હોય ત્યારે ગુજરાતમાં બેઠકોની સંખ્યા વધારવી જરૂરી છે. છવ્વીસનો દાવો જવા દઈએ તો પણ ભાજપની વાસ્તવિક ગણતરી 20થી 22 બેઠકોની છે. 22 બેઠકો ભાજપ માટે અને નરેન્દ્ર મોદી ઘણું સારું પરિણામ ગણાય. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે ટકા મતો ઓછા થયા હતા અને બે બેઠકો પણ ઓછી થઈ હતી. તે સંજોગોમાં આ વખતે લોકસભામાં અગાઉ કરતાં વધારે બેઠકો મળે તે સારું જ પરફોરમન્સ ગણાય. 20 બેઠકો સુધીનું પરિણામ પણ સારું જ ગણવું રહ્યું, કેમ કે રાજકીય વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત થઈ શકાય તેવું નથી. ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ નથી કે લોકો તેને પસંદ કરે અને ગુજરાતને ત્રીજા સ્થાને ધકેલી દે.

પરંતુ ભાજપને 18 કે તેથી ઓછી બેઠકો મળે તે સંજોગોમાં નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રીય સ્તરે જવાબ આપવા જેવું થાય. દેશભરમાં બેઠકો વધે ત્યારે ગુજરાતમાં કેમ સપાટો ના બોલ્યો તેવું કહેવામાં આવશે. તેને ધ્યાનમાં લઈને જ નરેન્દ્ર મોદીએ છેલ્લા ચારેક દિવસથી ગુજરાતના કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરતાના જુદા જુદા વિસ્તારોમાં તેમની સભાઓ યોજાઈ રહી છે. આ ઉપરાંત ઇમોશનલ અપિલ પણ કરવામાં આવી રહી છે કે એક ગુજરાતીને વડાપ્રધાન બનાવવા માટે જંગી મતદાન કરો અને ભાજપ માટે કરો. વિધાનસભાની ચૂંટણી વખતે પણ આડકતરી રીતે નરેન્દ્ર મોદીએ આ થીમ ચલાવી હતી. વિધાનસભામાં ફરી એક વાર ભાજપને વિજય મળશે તો ભવિષ્યમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે ચમકી શકશે તેવો મેસેજ ચલાવાયો હતો. આ વખતે સ્પષ્ટપણે આ મેસેજ ચલાવવામાં આવી રહ્યો છે. તેની અસર થઈ પણ શકે છે. તેથી જ ઉમેદવાર કે પક્ષ માટે નહીં, પણ નરેન્દ્ર મોદી પોતાના નામ પર મતો માગી રહ્યા છે. ગુજરાતીઓ બીજા લોકો કરતા ઓછા પ્રાંતવાદી છે. ગુજરાતીઓ વ્યવહારુ છે અને ઓછા વેવલા છે. આમ છતાં ગુજરાતી વડાપ્રધાન બનતો હોય તો પેઢીઓથી ચુસ્ત કોંગ્રેસી ના હોય તેવો મતદાર આ વખતે ભાજપને મત આપી શકે છે. પેઢીઓથી ચુસ્ત કોંગ્રેસી મતદારો કોંગ્રેસ જાળવી શકી છે. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે નવા મતદારોને આકર્ષી શકી છે.

તેથી આ વખતે નરેન્દ્ર મોદીની ખરી કસોટી ગુજરાતમાં છે. કસૌટી ગુજરાત કી. દેશભરમાં ગુજરાત મોડેલને વેચી શકાય છે. ગુજરાતમાં વિકાસ મોડેલની વાત ફરી ફરીને કહેવાનો અર્થ નથી. ગુજરાતનો વિકાસ લોકોએ જોયો છે અને તેની ખામીઓ પણ ગુજરાતના લોકોએ અનુભવી છે. તે ખામીઓના કારણે જ ગુજરાતમાં ભાજપના મતોની ટકાવારી 50 ટકાથી ઓછી રહી છે, 50 ટકાથી વધીને 60 ટકાની નજીક સુધી પહોંચી શકી નથી.

આ વખતે મતદાનની ટકાવારી જોકે વધશે. ગુજરાતમાં પણ વધશે. વિધાનસભાની ચૂંટણીમાં 72 ટકાનું રેકર્ડ બ્રેક મતદાન થયું હતું. ગુજરાતમાં લોકસભામાં પણ રેકર્ડબ્રેક મતદાન થશે. ભાજપ તે પોતાના તરફી ગણાવશે તે સહજ છે, પણ વધારાનું બધું જ મતદાન ભાજપ તરફ જવાનું નથી. મતદાનની ટકાવારી વધી છે તેનું કારણ ચૂંટણી પંચના પ્રયાસો છે, ચૂંટણી પ્રક્રિયા વધારે સરળ બની છે તે છે. સરેરાશ 10 ટકા તેને આપવાના. 10 ટકાથી વધારે જ મતદાન થાય તેનો ફાયદો કદાચ ભાજપને થઈ શકે.

જોકે રવિવારથી ગુજરાતમાં ગરમી વધી છે. ગઈ કાલે રજાનો દિવસ હતો એટલે સૌ ઘરમાં ભરાઈને રહ્યા હતા એટલે ગરમીનો અનુભવ ઓછો થયો હશે, પણ આજે સોમવારે કામે નીકળેલા લોકોને સવારથી જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ ત્રણેક દિવસ 42 ટકાની આસપાસ ગરમી રહેવાની છે. ગરમી મતદાનની ટકાવારી પર અસર કરી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં 40 ટકા ઉપર પારો જાય ત્યારે ગરમી અસહ્ય બનશે. તેથી જ નરેન્દ્ર મોદી ગુજરાતના મતદારોને માત્ર ગુજરાતી માણસને પીએમ બનાવવા અપિલ નથી કરી રહ્યા, પણ વધારેમાં વધારે મતદાન થાય તે માટે અપિલો પણ કરી રહ્યા છે.

આપણે પણ અપિલ કરીએ કે વધારેમાં વધારે મતદાન થાય. ગરમી ટાળવા માટે વહેલી સવારે જઈને મતદાન કરી આવો. અથવા તો સાંજે પાંચ વાગ્યા પછી જઈને લાઈનમાં ઊભા રહી જાવ, જેથી રાતના મોડે સુધી મતદાન ચાલે અને ટાઢો છાંયો થઈ જાય પછી પણ તમે મતદાન કરી શકો. બસ મતદાન કરજો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %