Home» » » Ggn diary 24 04 14

વારાણસીમાં હર હર મોદી, જીવનનું અવતાર કૃત્ય અને સમાધી સમાન ઉન્માદ

Hridaynath | April 24, 2014, 05:35 PM IST

અમદાવાદ :

સિમ્બોલિઝમ ભાજપ પાસેથી શીખવા જેવું છે. વારાણસીમાં વિશાળ સંખ્યામાં લોકોને એકઠા કરવામાં આવ્યા અને તે સ્થળ છે બનારસ હિન્દુ યુનિવર્સિટી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મદન મોહન માલવીયની પ્રતીમાને હારતોરા કરીને પછી રોડ શો શરૂ થયો. પંડિત મદન મોહન માલવીય હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. કાશી વિશ્વવિદ્યાલયથી શરૂઆત કરીને બે કિમીનો રોડ શો કરવામાં આવ્યો. તેમાં વચ્ચે વિવેકાનંદની પ્રતીમા આવી ત્યારે એક નારીને ભારત માતાની વેશભૂષામાં રાષ્ટ્રધ્વજ સાથે ઊભી રાખવામાં આવી હતી. સરદાર પટેલને પણ યાદ કરાયા અને તેમની પ્રતીમાને પણ ફૂલહાર થયા.

નરેન્દ્ર મોદીએ મા ગંગાએ મને બોલાવ્યો એટલે હું વારાણસી આવ્યો છું એવું કહ્યું. તેમણે વારાણસી જતા પહેલાં પોતાનો બ્લોગ પણ લખ્યો અને તેમાં બનારસ સાથે સંકળાયેલા મહાનુભાવોને યાદ કર્યા. તેમણે રવિદાસને પણ યાદ કર્યા. રવિદાસ એટલે મોટા દલિત સંત. તેમણે ઉર્દુ શાયર ગાલીબ અને શહનાઈ વાદક બિસ્મિલ્લા ખાંને પણ યાદ કર્યા. ગંગા જમની તહજીબ એવો શબ્દ યુપીમાં વપરાય છે. ગંગા જમનાનો સંગમ થાય તેમ જુદી જુદી સંસ્કૃત્તિ, વિચારધારા અને પરંપરાનો પણ સંગમ થાય તે માટે આ શબ્દ વાપરવામાં આવે છે.

વારાણસી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે જ જબરદસ્ત રોડ શો કરીને નરેન્દ્ર મોદીએ કાશી માટેની કેમ્પેઈન શરૂ કરી છે. તેઓ અહીં વધારે દિવસ રહી શકશે નહીં અને રહેવાની જરૂર પણ નથી, પણ તેમણે કેમ્પેઈનનો શુભારંભ કરાવી દીધો છે.

વારાણસીમાં આજે છેલ્લો દિવસ હતો ઉમેદવારી કરવાનો. બીજી બાજુ મુંબઈની છ બેઠકો સહિત 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. રોડ શોને કારણે જે પ્રસિદ્ધિ મળે તેનો ફાયદો જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યાં લેવાની ગણતરી પણ હોઈ શકે. વડોદરામાં ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે પણ બીજા દિવસે 10 તારીખે બીજો મોટો તબક્કો યોજાયો હતો. એકથી વધારે તબક્કામાં મતદાન થવાનું હોય ત્યારે એક વિસ્તારની ઘટનાની અસર બીજા પર અટકાવી શકાય નહીં.

મુંબઈ સુધી તેની અસર થાય તેમ આપણે ધારીએ, પણ મુંબઈ પોતાની ચાલે ચાલી રહ્યું છે. બીજા રાજ્યોમાં આ વખતની પરંપરા પ્રમાણે સારું મતદાન થઈ રહ્યું છે, પણ મુંબઈમાં ટકાવારી ઓછી રહેશે એવું લાગે છે. 2009માં પણ ફક્ત 41.4 ટકા મતદાન થયું હતું અને આ વખતે પણ કદાચ સૌથી ઓછું મતદાન મુંબઈમાં જ હશે. મુંબઈમાં ગત વખતે છએ છ બેઠકો કોંગ્રેસ-એનસીપીને મળી ગઈ હતી. રાજ ઠાકરેએ ખેલ બગાડ્યો હતો. આ વખતે રાજ ઠાકરેએ ફક્ત ત્રણ બેઠકો પર, ભાજપ સામે નહીં પણ શીવ સેના સામે ત્રણ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. તેથી ત્રણ બેઠકો માટે કોંગ્રેસને નિરાંત થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશમાં આ વખતે પણ 10 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં ગત તબક્કા કરતાં વધારે મતદાન થાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે, કેમ કે મધ્ય પ્રદેશમાં ધારણા કરતાં ઓછું મતદાન ત્રીજા તબક્કામાં થયું હતું. વિધાનસભા વખતે જંગી મતદાન થયું હતું ત્યાં સુધી મતદાન પહોંચ્યું નથી.

તામિલનાડુની બધી જ બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. તામિલનાડુનું મહત્ત્વ આ વખતે રહેવાનું છે. ડીએમકેમાં બે ભાઈઓ બાખડ્યા છે અને જયલલિતા જોરમાં છે. ભાજપને નાના નાના પાંચ પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. પોતે આઠ બેઠકો લડી રહ્યું છે. તેમાં કોઈ ફાયદો થાય કે ના થાય, સાથી પક્ષોને ફાયદો થાય તે ભાજપ માટે બોનસ જ છે.

વારાણસીમાં એક તરફ નરેન્દ્ર મોદી માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સુરક્ષાના નામે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અરવિંદ કેજરીવાલે આજે સવારે જ આ બાબતનો વિરોધ કર્યો હતો. જાણે કોઈ રાજા આવવાનો હોય તે રીતે આખું વારાણસી તમે બંધ કરી દો તે કેમ ચાલે એવો વિરોધ તેમણે કર્યો છે. તેમણે ગઈ કાલે પોતે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે કહ્યું હતું કે મારી પાસે ખિસ્સામાં 500 રૂપિયા છે અને એક જીપ છે. આટલાથી હું લડવા આવ્યો છું. તેની સામે પોતાના હરિફો દ્વારા ચાલી રહેલા હેલિકોપ્ટર રાજકારણની તેમણે ટીકા કરી હતી. આ ઉપરાંત કેજરીવાલ અને તેમના સાથીઓ પર ભાજપના ટેકેદારો દ્વારા વારંવાર વિરોધ પણ થઈ રહ્યો છે, હુમલા પણ થઈ રહ્યા છે. આ ચિંતાજનક છે. લોકશાહીમાં વિરોધ કરનાર સામે હિંસા આચરવાની વાત ખતરનાક છે. બીજો એક ખતરનાક ટ્રેન્ડ નરેન્દ્ર મોદીના ભક્તો ઊભા કરી રહ્યા છે તે પણ ખતરનાક છે. નરેન્દ્ર મોદીના ભક્તો જાણે કોઈ અવતાર આવી ગયો તેવી રીતે ફ્રેન્ઝી દેખાડી રહ્યા છે. ફ્રેન્ઝી એટલે ઉન્માદ. વળગાડ થયો હોય ત્યારે પણ ઉન્માદ આવી જાય. ઉન્માદ સમાધી જેવો હોવો જોઈએ, જેમાં સ્વને શાંતિ મળે, સર્વને શાંતિ મળી.

આ ઉન્માદને ભાજપના નેતાઓ, નરેન્દ્ર મોદીના કેમ્પેઈન મેનેજરો અને પ્રચાર તંત્ર પ્રબળ બનાવી રહ્યા છે. જાણ્યે અજાણ્યે નરેન્દ્ર મોદી પણ આ ઉન્માદને ઉત્તેજન આપી રહ્યા છે. તેમણે હર હર મોદીનો નારો ના લગાવવા ફક્ત હળવી, નાનકડી ફૂલની પંખુડી જેટલી નાજુક વિનંતડી જ કરી છે. તેમણે જરા કડક અવાજમાં એવું નહોતું કહ્યું કે આવા નારા લગાવવાનું બંધ કરો. એટલું જ નહીં, હાલમાં જ તેમણે એવું પણ કહી નાખ્યું છે કે મને ઈશ્વરે આ દેશની સેવા કરવા માટે પસંદ કર્યો છે. ઈશ્વર ક્યારેક વ્યક્તિને અમુક કાર્ય માટે પસંદ કરતો હોય છે. મને પણ ઈશ્વરે પસંદ કર્યો છે. તો શું આપણે બાકીના બધા, જેઓ પોતપોતાના જીવન કર્મ કરી રહ્યા છે તે ઈશ્વરની પસંદગી પ્રમાણે નથી? - આવો સવાલ આસ્તિકોએ પૂછવો જોઈએ.

અમે તો એટલા માટે આવો સવાલ નથી પૂછતા, કેમ કે અમે તો અમારા જીવન કાર્યને ઘણી વાર અમારું અવતાર કૃત્ય એ રીતે વર્ણવતા હોઈએ છીએ. આપણા જીવનનો જે ધ્યેય હોય તે આપણું અવતાર કૃત્ય. આ દેશમાં ચારે બાજુ અવતારો ગમે ત્યારે પ્રગટ થઈ શકતા હોય ત્યાં અવતાર શબ્દ છૂટથી વાપરી શકાય છે. પણ આ દેશમાં અવતાર જેટલા જલદી આવે છે એટલી જ જલદી ધાર્મિક લાગણી પણ દુભાઈ જાય છે. તેથી નરેન્દ્ર મોદીએ હવે કહ્યું છે કે પોતે ઈશ્વરે પસંદ કરેલી વ્યક્તિ છે ત્યારે કેટલાક આસ્તિકો અને કેટલા ધાર્મિક લાગણીવાળા લોકો તેમનો વિરોધ પણ કરશે. પણ આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું. ઉન્માદ પણ અનુભવવો, પરંતુ પેલો સમાધીવાળો, જેમાં સ્વને શાંતિ થાય, સર્વેને શાંતિ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ....

DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %