રાજ્ય છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. છેલ્લા બે દિવસથી સૂર્યદેવના દર્શન દુર્લભ બની ગયા છે. મન થાય તો સૂર્યદેવ હાજરી આપીને ટૂંક સમયમાં અદ્રશ્ય થઈ જાય છે. કાશમીરમાં ભારે હિમપાતની અસર ગુજરાતનાં વિવિધ શહેરોમાં જોવા મળી રહી છે. અહી બર્ફિલા પવનને કારણે ભારે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. ગુજરાત સહિત જામનગરમાં એકાએક વાતાવરણ પલટાયું છે, કાતિલ શિયાળામાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા રોગચાળાનો ભય વધી ગયો છે.એવામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે. જામનગર સહીત જિલ્લાના વિવિધ વિસ્તારમાં માવઠાનો માહોલ સર્જાયો છે. જેને કારણે શહેરીજનો ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.
સવારથી વાદળ છાયાં વાતાવરણમાં કેટલાંક લોકો આ અહલાદક વાતાવરણનો લૂત્ફ પણ મજાથી ઉઠાવી રહ્યાં છે. 2014ના નૂતન વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યું છે. ઉત્તર-પૂર્વના બરફીલા પવનોએ જબરજસ્ત સપાટો બોલાવ્યો છે અને શિયાળાની મોસમની ઠંડીના તીવ્ર ચમકારાનો અનુભવ કરાવ્યો છે.છેલ્લા પાંચેક દિવસથી પ્રવર્તતા ઠંડીના મોજાએ આજે પરાકાષ્ટા ધારણ કરી હતી અને દિવસના સમયે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. સવારે અને બપોર બાદ આકાશમાં બરફીલા વાદળો છવાઇ જતાં કમોસમી વરસાદ પડે તેવું વાતાવરણ પણ સર્જાયું હતું અને રાત પડતાં ઠંડીએ ભારે જમાવટ કરી હતી.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. કાન ચીરી નાખે તેવા ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. અને દિવસ અને રાતના તાપમાનમાં સતત ઘટાડો થતાં ઠંડીનો તીવ્ર ચમકારો પ્રવર્તે છે.
ઠંડીમાં વૃધ્ધો અને બાળકો ઠુંઠવાઇ ન જાય તે માટે ખાસ તકેદારી લેવી પડી હતી. લોકોએ ગરમ વસ્ત્રો, ધાબળા, શાલ, જાકીટ, સ્વેટર, મફલર અને બુઢીયા ટોપી કે કાન-પટ્ટી પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું. શ્રમજીવી અને ગરીબોએ ઠંડીથી બચવા તાપણા પ્રગટાવ્યા હતાં.વહેલી પરોઢથી બપોર સુધી વાદળછાયા વાતાવરણમાં ઠંડીની કાતિલ અસરનો શહેરીજનોએ અનુભવ કર્યો હતો. સૂર્યના તેજ કિરણોની વેધકતા ઘટી ગઇ હતી. દિવસભર વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું હતું. રસ્તા પરથી પસાર થતાં કાન ચીરી નાંખે તેવા ઠંડા પવનોનો અનુભવ થયો હતો. લોકોએ ઘરના બારી-બારણાં બંધ રાખવા પડયા હતાં.બરફીલા પવનોના સપાટામાં શહેર સપડાઇ ગયું હતું. શહેરમાં આજે દિવસ દરમ્યાન તાપમાન 9.8 ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ઓછું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે 75 ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૬૨ ટકા નોંધાયું હતું. આજે દિવસ દરમ્યાન કલાકના 20-25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં 12 કલાક સુધી ઠંડીનું મોજુ ચાલુ રહેશે અને રાજ્યભરમાં નિમ્નસ્તરે ઉત્તરના પવનો ચાલુ રહેશે.
AI/RP
Reader's Feedback: