દૂરંદેશી, પ્રજાવત્સલ અને ધર્મપરાયણ રાજવી સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સમગ્ર વડોદરા લીન છે. મહારાજા સયાજીરાવના સુધારાવાદી પગલાઓ અંગે જાણીતા કવિ મકરંદ મુસળે દ્વારા લિખિત નાટક ગોપાલ અને સયાજીરાવ ડિસેમ્બર મહિનામાં ત્રણ દિવસ માટે જુદાં જુદાં નાટ્યગૃહોમાં ભજવાશે.
વડોદરા નગરના સર્વાંગી વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડ દ્વારા લેવાયેલાં પગલાં આજે પણ નગરજનો મનભરીને માણે છે. પી.એસ.ચારી દ્વારા દિગ્દર્શિત આ નાટકનું સંશોધનકાર્ય લગભગ 9 મહિના ચાલ્યું હતું અને સૌથી અચરજની વાત એ છે કે આ નાટકમાં ભાગ લેનારા તમામ કલાકારો માટે એ પ્રથમ અનુભવ છે.
ઉલ્લેખનીય છે કે આ નાટકમાં મરાઠા રાજવીઓનો ઈતિહાસ, પ્રજા સાથેની સંવાદિતાને રંગમંચ ઉપર જીવંત કરાશે એટલું જ નહિ પરંતુ મલ્હારરાવ પીલાજીરાવ ગાયકવાડના કાર્યકાળથી શરૂ થયેલા ગાયકવાડી શાસન અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.
ગોપાલ અને સયાજીરાવ નાટકને વધુ લોકભોગ્ય બનાવવા માટે તેમાં મોટા પ્રમાણમાં સંગીત પણ પિરસવામાં આવશે જેને ગુજરાતના નામી સંગીતકાર રવિન નાયક દ્વારા રજૂ કરાશે. નાટકમાં સયાજીરાવનું બાળપણ પણ દર્શાવાશે જ્યાં તેઓ ગોપાલ તરીકે જાણીતા હતા.
તેઓના બાળપણથી માંડીને રાજવી સુધીની સફરને અદ્દભુત રીતે લોકો સમક્ષ લાવવાનો આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે. વડોદરાના નગરજનો માટે તા. 27, 28 અને 29મી ડિસેમ્બરના રોજ આ નાટક પ્રસ્તુત થશે. આ નાટકના માધ્યમ થકી ફરી એકવાર રાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડને જીવંત સ્વરૂપે જોવાનો મોકો પણ સંસ્કારપ્રેમી વડોદરાવાસીઓને પ્રાપ્ત થશે.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: