ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો તખ્તો તૈયાર છે અને ભાજપે તમામ 26 બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 21 બેઠકો માટેના ઉમેદવારો જાહેર કર્યા છે અને પાંચ બેઠકો બાકી રાખી છે. આ પાંચમાંથી ચાર બેઠકો પર કોંગ્રેસ લડશે ને બાકીની એક એટલે કે પોરબંદર બેઠક પરથી શરદ પવારની એનસીપી લડશે તેવી વાત છે. પોરબંદર બેઠક પરથી એનસીપી લડે તો એ ગોડમધર સંતોકબા જાડેજાના સપૂત કાંધલ જાડેજાને ઉતારશે એ લગભગ નક્કી છે પણ કોંગ્રેસ અમદાવાદ-પૂર્વ, સુરત, નવસારી અને ભરૂચ એ બાકીની ચાર બેઠકો પર કોને ઉતારશે એ નક્કી નથી. જો કે કોંગ્રેસ ગમે તેને ઉતારે, ઝાઝો ફરક પડતો નથી. આ ચારેય બેઠકો એવી છે કે ભાજપ ઠૂંઠાને ઉભો રાખે તોય જીતી જાય ને કોંગ્રેસનો ગમે તેવો ચમરબંધી ભોંયભેગો થઈ જાય. એટલે આ ચાર ઉમેદવારોની જાહેરાત વિના પણ ગુજરાતમાં ચૂંટણીનો તખ્તો તૈયાર છે.
ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા એ પછી લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે મિશન 272 પ્લસ નક્કી કર્યું છે. આ મિશન 272 પ્લસમાં બિહાર અને ઉત્તર પ્રદેશ કેન્દ્રસ્થાને છે કેમ કે ત્યાં ભાજપ જેટલું વધારે જોર કરશે એટલો એ 272ની વધારે નજીક પહોંચશે. આ બંને રાજ્યો સિવાય ભાજપ માટે બીજાં જે રાજ્યો મહત્વનાં છે તેમાં એક ગુજરાત પણ છે. એ માટે કારણો પણ છે. ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ વિરોધી વલણ દરેક ચૂંટણીમાં બતાવે છે અને છેલ્લા બે દાયકાથી ભાજપનો ગઢ છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપ કોંગ્રેસને પછાડતો રહ્યો છે. બીજું કારણ એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી આ વખતે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર છે. આ બંને કારણોસર ગુજરાતમાં ભાજપ શું ધોળશે અને કેટલી બેઠકો જીતશે એ સવાલ પૂછાયા કરે એ સ્વાભાવિક છે.
ભાજપે જે રીતે લોકસભાની ચૂંટણી માટે મિશન ઈમ્પોસિબલ જેલું વાગતું મિશન 272 પ્લસ નક્કી કર્યું છે એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપે તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાતમાં મોદી છવાયેલા છે અને છેલ્લાં ત્રણ ટર્મથી એ વિધાનસભાની ચૂંટણી જીતે છે તે જોતાં બહારના લોકોને લાગે કે ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી શકે છે પણ ગુજરાતના રાજકારણની તાસીર અને અત્યાર લગીનાં ચૂંટણી પરિણામોને જે બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે તેની સાથે જોડીને જોઈએ તો લાગે કે કમ સે કમ આ મિશન તો ભાજપ માટે મિશન ઈમ્પોસિબલ જ છે.
ગુજરાતમાં કોઈ એક પક્ષે સૌથી વધારે બેઠકો જીતી હોય એવું 1980ની લોકસભા ચૂંટણી વખતે બનેલું. એ વખતે કોંગ્રેસે 26માંથી 25 બેઠકો જીતી હતી અને જનતા પાર્ટીના મોતીભાઈ ચૌધરીએ મહેસાણા બેઠક જીતીને કોંગ્રેસને ક્લીન સ્વીપ નહોતી કરવા દીધી. 1984માં કોંગ્રેસે 26માંથી 24 બેઠકો જીતી હતી. એ વખતે મહેસાણાએ ભાજપના ડો. એ.કે. પટેલને જીતાડેલા ને સાબરકાંઠાએ જનતા પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ નાણાં પ્રધાન એચ. એમ. પટેલને જીતાડેલા.
ભાજપનો અત્યાર લગીનો શ્રેષ્ઠ દેખાવ 1991માં થયેલો. એ વખતે ભાજપે લોકસભાની 26 બેઠકોમાંથી 20 જીતી હતી. સામે ચીમનભાઈ પટેલનો જનતા દળ ગુજરાત અને કોંગ્રેસ હતાં ને બંને 3-3 બેઠકો જીતેલાં. એ પછી ચીમનભાઈ સમજી ગયા ને તેમણે પોતાના પ્રાદેશિક પક્ષને કોંગ્રેસમાં ભેળવી દઈને તંબૂ સંકેલી લીધેલો. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ભાજપના ખિલા ઠોકી દીધા ને કોઈ તેમને ઉખેડી જ ના શકે તેવી હાલત કરી નાંખી તેનો ઈન્કાર ના થઈ શકે પણ લોકસભની ચૂંટણીમાં મોદી પણ ઝાઝું કંઈ ઉકાળી શક્યા નથી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપને રેકોર્ડ બ્રેક 127 બેઠકો અપાવેલી પણ 2004ની લોકસભા ચૂંટણીમાં એ ભાજપને 14 બેઠકો જ જીતાડી શકેલા. કોંગ્રેસ 12 બેઠકો મારી ગયેલી. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતેલી ને ભાજપે 15 બેઠકો જીતેલી. આમ ભાજપના દેખાવમાં હરખાવા જેવો ઝાઝો સુધારો થયો નહોતો. સામે કોંગ્રેસના દેખાવની વાત કરીએ તો કોંગ્રેસે પણ અત્યાર લગી એક પણ ચૂંટણીમાં એવો દેખાવ તો કર્યો જ નતી કે તે સાવ પતી ગઈ હોય. ગુજરાતમાં કોંગ્રેસનો સૌથી ખરાબ દેખાવ 1989માં રહ્યો હતો. એ વખતે ચીમનભાઈ પટેલ વી.પી. સિંહના જનતા દળમાં હતા ને જનતા દળ અને ભાજપ સાથે રહીને ચૂંટણી લડ્યાં હતાં. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી જનતા દળને 14 અને ભાજપને 12 બેઠકો ફાળવાઈ હતી. ભાજપે બધી 12 બેઠકો જીતીને છાકો પાડી દીધો હતો જ્યારે જનતા દળ 11 બેઠકો જીતેલું. એ વખતે કોંગ્રેસે માંડવી, છોટા ઉદેપુર અને દાહોદ એ આદિવાસી પટ્ટાની ત્રણ બેઠકો જીતેલી. ભાજપ માટે આદિવાસી પટ્ટાની આ બેઠકો આજેય માથાનો દુઃખાવો છે જ એ કબૂલવું પડે. એ સિવાય આણંદ ને ખેડા ને સુરેન્દ્રનગર ને સાબરકાંઠા એવી ચારેક બેઠકો પાછી એવી ઉમેરાઈ છે કે જે ભાજપનો માથાનો દુઃખાવો વધારે. આણંદમાંથી ભરતસિંહ સોલંકી. સુરેન્દ્રનગરમાંથી સોમા ગાંડા પટેલ, ખેડામાંથી દિનશા પટેલ ને સાબરકાંઠામાંથી શંકરહસિંહ વાઘેલા ચૂંટણી લડે છે.
કોંગ્રેસે આ વખતે જે ઉમેદવારો જાહેર કર્યા છે તે અને સામે ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેમની સરખામણી કરીએ તો 2009ની સરખામણીમાં ભાજપ બહુ જોર કરીને પાંચેક બેઠકો વધારે લઈ જાય. મતલબ કે ભાજપ વીસેક બેઠકો પર પહોંચે ને બહુ જોર કરે તો બાવીસેક બેઠકો લઈ જાય પણ બધી છવ્વીસ બેઠકો જીતવું કપરૂ છે. જો કે રાજકારણમાં ક્યારે કેવી લહેર ચાલી જાય તે નક્કી નથી હોતું. મોદીની એવી લહેર ચાલે તો મિશન ઈમ્પોસિબલ લાગતું આ મિશન પોસિબલ પણ થઈ જાય.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: