(ફાઇલ ફોટો)
જામનગર :સસ્તા અનાજની દુકાનોમાં આપવામાં આવતાં ઘઉંના જથ્થાની ફાળવણીમાં એકાએક કાપ કરી દેવામાં આવ્યો છે. આ કાપ 40 ટકા જેટલો કરવામાં આવ્યો છે. આમ, જો કોઈ સસ્તા અનાજની દુકાનમાં 100 કાર્ડધારકો હોય તો તેને 40 કાર્ડધારકોને મળે તેટલા જ જથ્થાની ફાળવણી કરવાનો સરકારી આદેશ આવ્યો છે. પહેલી માર્ચથી આ ઘટ પ્રમાણેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઇ રહ્યું છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે અચાનક જ સસ્તા અનાજની દુકાનો મારફતે કરવામાં આવતાં ઘઉંની ફાળવણીમાં મોટો ઘટાડો કરી નાખ્યો છે. પહેલી માર્ચથી ઘઉંના જથ્થાની ફાળવણી 40% કરી દેવામાં આવી છે. સસ્તા અનાજની દુકાનોમાં દરમહિને કાર્ડદીઠ વધુમાં વધુ 15 કિલો ઘઉં રૂ. 150 ના ભાવે આપવામાં આવે છે. આમ તો કાર્ડમાં નોંધાયેલી વ્યક્તિદીઠ 2.5 કિલો ઘઉં અપાય છે, જોકે મહતમ કાર્ડદીઠ 15 કિલોની મર્યાદા રખાઈ છે.
સરકારે વ્યક્તિદીઠ જથ્થો ઓછો કરવાના બદલે રાશનકાર્ડના દુકાનદારોને ફાળવાતા જથ્થામાં જ ઘટાડો કરી નાખ્યો છે. જેના પરિણામે દુકાનદારો હવે વહેલા તે પહેલાના ધોરણે ઘઉં આપતા થઇ ગયા છે. એટલે કે તેમને મળેલો જથ્થો પૂરો થઇ જતાં ઘઉંનું વિતરણ બંધ કરી દેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઘઉંના ભાવ બજારમાં રૂ 450 આસપાસ પહોંચી ગયા છે. એટલે મોટા ભાગના મધ્યમવર્ગના લોકો પણ સસ્તા અનાજની દુકાનેથી મળતાં ઘઉં લેતા હોય છે. તેવામાં સરકારી ફાળવણીમાં મુકાયેલા આ કાપથી સામાન્ય લોકોની હાલત વધુ કફોડી થઇ ગઈ છે. નાણાકીય વર્ષ 2013-14નો ક્વોટા આગામી મહિને જાહેર થશે ત્યારે આ સિસ્ટમ યથાવત્ રહેશે કે કેમ તે અંગે ચિંતા પ્રસરી છે .
AI/DT
Reader's Feedback: