Home» Opinion» Politics» Chidambaram is nobody to ridicule modi

ચિદમ્બરમની હેસિયત નથી મોદીનો ઉપહાસ કરવાની

Virendra Parekh | February 04, 2014, 11:38 AM IST

મુંબઇ :

પાલાનીઅપ્પન ચિદમ્બરમ અહંકાર અને તોછડાઈ માટે નામચીન છે.  ચિદમ્બરમે તેમના લાક્ષણિક ઘમંડ સાથે કહ્યું છે કે નરેન્દ્ર મોદીનું અર્થશાસ્ત્રનું જ્ઞાન ટપાલ ટિકિટની પાછળ લખી શકાય એટલું (નજીવું) છે.  મોદી અર્થશાસ્ત્રના પંડિત નહિ હોય, પણ ગુજરાતને તેમણે અપ્રતિમ આર્થિક ઊંચાઈએ પહોંચાડ્યું એ તો દુનિયાએ જોયું. મદ્રાસી બ્રાહ્મણ પોતાને સવાયા અર્થશાસ્ત્રી અને સુપર ફાઈનાન્સ મિનિસ્ટર સમજે છે, પણ તેમની નિગેહબાનીમાં આર્થિક વિકાસ અડધો  થઇ ગયો, મોંઘવારીએ માઝા મૂકી અને દેશનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ થવાની નોબત આવી ગઈ. તેમના કહેવાતા ડ્રીમ બજેટો વ્યવહારમાં દુ:સ્વપ્ન જેવાં સાબિત થયાં છે. દેશને પોથીપંડિતોની નહિ, દ્રષ્ટિવંત અને કર્મનિષ્ઠ નેતૃત્વની જરૂર છે. મોદીએ આર્થિક કામગીરીના જોરે પોતાના પક્ષને ત્રણ ત્રણ વાર સત્તા અપાવી છે, ચિદમ્બરમ પોતાને માટે સલામત બેઠક શોધવા ફાંફાં મારે છે. મોદીનો ઉપહાસ કરવાની ચિદમ્બરમની હેસિયત નથી.


ચિદમ્બરમનો રેકોર્ડ બતાવે છે કે તેમની હોંશિયારી નક્કર સિદ્ધિઓ નહિ પણ પણ જાદુગર કે. લાલની માયાજાળને આંટી જાય તેવી આંકડાની ઈન્દ્રજાળ અને ગેરરજૂઆતમાં સમાઈ જાય છે. તે જો કોઈ કંપનીના હિસાબો સંભાળતા હોત તો ગરબડ ગોટાળા કરીને ખોટા ચોપડા બનાવવા બદલ તેમના પર તવાઈ આવત. કોઈ પણ ભોગે સરકારી તિજોરીની ખાધને અંકુશમાં રાખવા તે મરણિયા થયા છે. જોહુકમી, હાથચાલાકી, ફરેબ અને ગોબાજાળીનો તેમને છોછ નથી જો જાદુઈ આંકડો હાથમાં આવતો હોય તો.   


છેલ્લા બજેટમાં ચિદમ્બરમે અંદાજપત્રની ખાધ કુલ રાષ્ટ્રીય આવકના ૪.૮ ટકા સુધી સીમિત રાખવાની ઘોષણા કરી હતી. ત્યાર પછી તેમણે અનેક વાર કહ્યું છે અને હજી પણ કહે છે કે ૪.૮ ટકાની લક્ષ્મણરેખાને તે ઓળંગશે નહિ.     

 

ચિદમ્બરમ માટે રાત થોડી અને વેશ ઝાઝા છે. ઘણું કરીને ૧૭ ફેબ્રુઆરીએ સંસદમાં સરકાર વોટ ઓન એકાઉન્ટ રજૂ કરશે, જેમાં ચાલુ નાણાકીય વર્ષનું કાચું સરવૈયું અપાશે. દેશી વિદેશી રોકાણકારો અને ખાસ તો રેટિંગ એજન્સીઓ સરકારના હિસાબો પર બાજનજર રાખીને બેઠી છે.ચિદમ્બરમ જાણે છે કે આજની તારીખે જે સ્થિતિ છે તેમાં સીધે રસ્તે ખાધને અંકુશમાં રાખવી અશક્ય છે.


પોણું વર્ષ પસાર થઇ ગયું છે અને કરવેરાની આવક ધાર્યા કરતા ઘણી નીચી રહી છે. આડકતરા કરવેરા (એક્સાઈઝ, કસ્ટમ અને સર્વિસ ટેક્સ) મારફતે સરકાર આ વર્ષે રૂ. ૫.૬૫ લાખ કરોડ ઉભા કરવા  ઈચ્છે છે, પણ ડીસેમ્બર સુધીમાં માત્ર ૩.૫૫ લાખ કરોડ જ એકઠા થયા છે. સીધા કરવેરા દ્વારા રૂ. ૬.૭ લાખ કરોડના લક્ષ્યાંક સામે રૂ.૪.૧૫ લાખ કરોડ મળ્યા છે. પરિણામે આખા વરસ માટે રૂ.૫.૪૨ લાખ કરોડ જેટલી ખાધની જોગવાઈ રાખી હતી તેના ૯૪ ટકા તો નવેમ્બર સુધીમાં જ થઇ ગઈ છે. સામાન્ય ઉપાયો દ્વારા ખાધ અંકુશમાં રખાય એમ નથી એ સમજાઈ ગયા પછી નાણાપ્રધાને આડાઅવળા ઉપાયો તરફ નજર દોડાવી છે.


પહેલો દાવ જાહેર ક્ષેત્રની માલદાર કંપનીઓને ખંખેરવાનો છે. ૯૦ ટકા સરકારી શેરહોલ્ડીંગ ધરાવતી કોલ ઇન્ડિયાએ ૨૦૧૩-૧૪ માટે શેર દીઠ રૂ. ૨૯નું અર્થાત ૨૯૦ ટકા વચગાળાનું ડિવીડંડ જાહેર કર્યું છે. ડિવીડંડ પેટે કોલ ઇન્ડિયા કુલ રૂ. ૧૮,૩૧૭ કરોડ ચૂકવશે જેમાંથી રૂ. ૧૬,૪૮૯ કરોડ સરકારી તિજોરીમાં જશે. ડિવીડંડ ટેક્સના રૂ. ૩૧૦૦ કરોડ જુદા. સૌથી મોટા શેરહોલ્ડર તરીકે સરકારને ડિવીડંડનું પ્રમાણ નક્કી કર્વાસનો હક્ક છે અને ડિવીડંડનો લાભ નાના શેરહોલ્ડરોને પણ મળશે. પરંતુ આ ટૂંકી દ્રષ્ટિનો અને અવિચારી નિર્ણય કોલ ઇન્ડિયાના લાભમાં નથી.


કોલ ઇન્ડિયાનું ખરું કામ કોલસાનું ઉત્પાદન વધારવાનું અને ઉત્પાદનખર્ચ અંકુશમાં રાખવાનું છે. તે માટે નવી ખાણો ખોળવી પડે અને નવી ટેકનોલોજીમાં રોકાણ કરવું પડે. એ કામ થતું નથી એટલે કોલ ઇન્ડિયા પાસે રોકડ નાણું વપરાયા વગરનું પડ્યું છે. આપણી પાસે બસો વર્ષ ચાલે એટલો કોલસો હોવા છતાં આજે કોલસાની ભારે અછત છે. મોંઘા ભાવે આયાત કરવી પડે છે. કોલસાના અભાવે વીજળીનું ઉત્પાદન ખોડંગાય છે અને ઔદ્યોગિક વિકાસ ધીમો પડી ગયો છે. પરંતુ સરકારને કોલસાનું ઉત્પાદન વધારવા કરતા કોલ ઇન્ડિયાને ખંખેરી લેવામાં વધારે રસ છે.


આના કરતા પણ વધુ ટીકાપાત્ર નિર્ણય ઇન્ડિયન ઓઇલના ૧૦ ટકા શેર ઓએનજીસી અને ઓઈલ ઇન્ડિયાને વેચવાનો છે. ત્રણે કંપનીઓ સરકારી માલિકીની છે. એટલે આ કહેવાતા વિનિવેશથી ઓએનજીસી અને ઓઈલ ઇન્ડિયા પાસેથી રૂ. ૫૦૦૦ કરોડ નિચોવી  લેવા સિવાય બીજો કોઈ હેતુ સરવાનો નથી. જે નાણા સરકાર મહેસૂલ તરીકે દેખાડશે તે ઓએનજીસી અને ઓઈલ ઇન્ડિયા મૂડીરોકાણ તરીકે બતાવશે. આ તો એક ખિસ્સામાંથી નોટ ઉપાડીને બીજા ખિસ્સામાં મૂકવા જેવું થયું. વિનિવેશનો  ખરો હેતુ એ કે સરકારી કંપનીઓમાં ખાનગી મૂડી આવે તો તેમની કામગીરી સુધરે, સ્પર્ધાત્મકતા વધે અને સંચાલકો વધુ જવાબદારીથી વર્તે. સરકારને આવક થાય તે હેતુ ગૌણ હતો, પણ હવે એ જ એક માત્ર હેતુ રહી ગયો છે, અને આ કિસ્સામાં તો એ પણ સરતો નથી.


નાણાખાતાના અધિકારીઓ કંપનીઓને કહી રહ્યા છે કે આ વર્ષે એડવાન્સ ટેક્સ વધારે ભરી દો; આવતા વર્ષે રિફંડ માગી લેજો. નાણા મંત્રાલય બળતણ સબસિડીમાંથી રૂ. ૬૦,૦૦૦ કરોડનું ચૂકવણું આવતા વર્ષ પર ઠેલવા ઈચ્છે છે. ધનાઢ્ય કરદાતાઓ અને મોટી કંપનીઓને આપવાના આવકવેરાના રિફંડની ચૂકવણી પણ બાકી રખાશે, જેથી આ વર્ષે ખાધ ઓછી બતાવી શકાય અને આવતે વર્ષે આપોઆપ એટલો વધારાનો ખર્ચ નવી સરકારના ગળામાં આવી જાય.


જે આવક આવતા વર્ષે થવાની હોય (દા. ત. કોલ ઇન્ડિયાનું ડિવીડંડ) તે આ વરસમાં ખેંચી લેવી, જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેના નાણા જે તેમના વિકાસમાં વાપરવા જોઈએ તે સરકારી તિજોરીમાં ખેંચી લેવા અને જે ખર્ચ આ વર્ષે કરવાનો હોય તે આવતા વરસ પર ઠેલી દેવો તે ફરેબ અને હાથચાલાકી નથી તો બીજું શું છે?


આવું જ કૈંક ખર્ચના મોરચે થઇ રહ્યું છે. નાણાખાતાએ  બીજા અનેક મંત્રાલયોના ખર્ચ પર કાપ મૂકવાની જાહેરાત કરી છે. કરકસરના નામે વિકાસખર્ચ પર કુહાડી ઉગામાઈ છે. ગ્રામવિકાસ, વીજળી, શિક્ષણ, પાણી અને વિદેશ વેપાર પર હવે ઓછો ખર્ચ થશે. બજેટમાં રૂ. ૫.૫ લાખ કરોડનો વિકાસખર્ચ બતાવાયો હતો. તેમાં રૂ. ૧ લાખ કરોડનો કાપ મૂકવાની હિલચાલ છે. આની સીધી અસર આર્થિક વિકાસ પર પડશે. ગયે વર્ષે પણ વિકાસ ખર્ચ પર છેલ્લા મહિનાઓમાં કાપ મૂક્યો હતો; અને આ વર્ષે આર્થિક વિકાસ ગયા વર્ષ કરતા પણ ઓછો રહેવાનો સંભવ છે.


જાદુગર કે. લાલની માયાજાળ જેવી આ આંકડાની ઈન્દ્રજાળથી કોઈ ભરમાવાનું નથી. ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનું હશે તો તે આવી ચાલાકીથી અટકાવી શકાશે નહિ.  


પરંતુ ચિદમ્બરમના પાગલપણામાં પદ્ધતિ છે. જતાં જતાં એટલું નુકશાન કરી જવું કે આવનારને નવ નેજાં પાણી ઉતરે. પોતાનું સારું દેખાય એટલે બસ. આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા. એમની ફિલસૂફીમાં કદાચ એને જ બ્રહ્મજ્ઞાન કહેવાતું હશે.

 

VP/RP

Virendra Parekh

Virendra Parekh

(વીરેન્દ્ર પારેખ મુંબઈથી પ્રકાશિત થતા એક અંગ્રેજી આર્થિક પાક્ષિક 'કોર્પોરેટ ઇન્ડિયા'ના એકઝીક્યુટીવ એડિટર છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %