સુરત સહિત રાજ્યના અન્ય બે હવાઈ મથકો માટે ગુજરાતના સાંસદો દ્વારા વધુ વિમાની સેવા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે કેન્દ્રના જવાબદાર વિભાગના અધિકારીઓ આ કામ માટે ગાળિયો કાઢતા હોવાનો આરોપ સુરતના સાંસદ દર્શના જરદોશે મૂક્યો છે.
લોકસભાના શિયાળુ સત્રમાં અલગ અલગ બિલ રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે જ કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૨૭, ૨૮ અને ૨૯ ડીસેમ્બરના રોજ લોકપાલ અને અન્ય બિલ માટે ખાસ સત્ર બોલાવાયું હતું. આ સત્રમાં ભાજપ અને ખાસ કરીને સુરત અને નવસારીના સાંસદો દ્વારા કયા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેની જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન સુરત સર્કીટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સુરતના સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે સુરત સહિતના ગુજરાતના અન્ય બે એરપોર્ટ અમદાવાદ અને કચ્છ ખાતે હવાઈ સેવા વધારવા માટે તેમના દ્વારા નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓને રજુઆતો કરાઈ હતી, જોકે વિભાગના અધિકારીઓ હંમેશ કોઈને કોઈ બહાનું કાઢી ગાળિયા કાઢતા હોય છે. તેમનો આક્ષેપ હતો કે ગુજરાતની હવાઈ સેવાની વાત જયારે પણ આવે છે, ત્યારે અધિકારીઓ ગાળિયા કાઢી સમય આપતા નથી. એ જ બતાવે છે કે ગુજરાત સાથે ઓરમાયું વર્તન થાય છે. અધિકારીઓની સંયુક્ત બેઠકમાં પણ અપૂરતી ફ્લાઈટ હોવાને કારણે સેવા મળી શકે તેમ નથી તેવું જણાવવામાં આવ્યું હતું.
Reader's Feedback: