સત્તા માણસને ભ્રષ્ટ કરી નાંખે છે અને સત્તાની લાલસા માણસને મહાભ્રષ્ટ કરી નાખે છે. છેલ્લા એક અઠવાડિયામાં ભાજપમાં ભજવાયેલી ભવાઈએ આ વાત સાબિત કરી નાંખી. લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે ભાજપ આ જંગ જીતવા એટલો ઘાંઘો થયો છે કે તેણે જે આવે એ ખપે કરીને એવા એવા નમૂનાઓને પક્ષમાં લેવા માંડ્યા છે કે જેમનો પડછાયો સુધ્ધાં લેવા માટે લોકો રાજી નથી. આવા બે નમૂનાઓ પૈકી પ્રમોદ મુથાલિક અન સાબિર અલી નામના બે નમૂનાઓના કારણે ભાજપમાં જ ભારે ઘમાસાણ થયું અને છેવટે ભાજપે નાકલીટી તાણીને બંને પક્ષમાં લેવાનો વિચાર માંડી વાળવો પડ્યો. જો કે તેના કારણે ભાજપનું પાપ ધોવાઈ જતું નથી અને ભાજપ રાષ્ટ્રવાદ કે સેક્યુલારિઝમના નામે જે દંભ કરે છે તે પણ ખુલ્લુ પડી ગયું.
બિહારના મુસ્લિમ નેતા સાબિર અલી છાપેલું કાટલુ છે. બિહારમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાબિર અલીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા બદલે થોડાક સમય પહેલાં નિતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડમાંથી લાત મારીને તગેડી મૂકાયા હતા. એ પછી સાબિર અલી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વચ્ચે ખાનગીમાં મુલાકાત થઈ ને મોદીના ફરમાનથી ભાજપે સાબિરઅલીને ભાજપમાં પ્રવેશ આપી દીધો. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં સાબિરઅલીને વાજતેગાજતે પ્રવેશ અપાયો ને લીલા તોરણે પોંખાયા. સાબિર અલીની ભાજપમાં એન્ટ્રી સામે ભાજપના નેતાઓ જ ભડક્યા. ભાજપનો મુસ્લિમ ચહેરો ગણાતા મુખ્તાર અબ્બાસ નકવીએ તો ટ્વિટ કરી કે, આતંકવાદી ભટકલના મિત્રનો ભાજપમાં પ્રવેશ. બહુ જલદી દાઉદ ઈબ્રાહીમને પણ આવકાર.
સાબિર અલીના ભાજપમાં પ્રવેશ સામે આટલો આક્રોશ ઠલવાયો તેનું કારણ એ છે કે સાબિર અલીનો ભૂતકાળ ખરડાયેલો છે. એક વાત એવી છે કે ઈન્ડિયન મુઝાહિદ્દીનનનો સર્વેસર્વા એવો ખૂંખાર આતંકવાદી યાસિન ભટકલ સાબિરઅલીના ઘરમાંથી ઝડપાયો હતો. સાબિરનો મુંબઈમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે અને તેના છેડા દુબઈ લગી ને પાકિસ્તાન લગી પહોંચે છે તેવી પણ વાતો થાય છે.
સાબિરે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાના હત્યારાઓને ભારતથી ભગાડવામાં મદદ કરી હતી તેવા અહેવાલ પણ છે. આ બધી વાતોને સત્તાવાર સમર્થન નથી પણ જે માણસનો ભૂતકાળ આવો ખરડાયેલો હોય એ માણસને ભાજપ હેતથી આવકારે તેનો અર્થ શો ? એ જ કે ભાજપને આવા નમૂના સામે વાંધો નથી. અને આ વાંધો કેમ નથી તે કહેવાની જરૂર નથી. સાબિરઅલી મુસ્લિમ છે, બિહારી છે અને ભાજપને મુસ્લિમોને પોતાની તરફ વાળવા માટે સાબિર જેવા નમૂનાઓની જરૂર છે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં સત્તા મેળવવામાં મદદરૂપ થાય એવા બધા માણસો તેને ખપે છે અને તેમનો ભૂતકળ કે વર્તમાન ગમે તેવો ખરડાયેલો હોય તો પણ તેને તેની પરવા નથી. સાબિર અલી જનતા દળમાં હતા ત્યારે તેમણે નરેન્દ્ર મોદી માટે મુસ્લિમોના હત્યારા જેવા શબ્દો વાપર્યા છે. ભાજપના નેતાઓમાં એટલુ આત્મગૌરવ પણ નથી કે જે પોતાને ભાંડતો હોય તેને ભેટાય નહીં.
ભાજપ એક સમયે કોંગ્રેસ અને બીજા પક્ષો પર દંભી સેક્યુલારિઝમ અને મુસ્લિમોના તુષ્ટિકરણના આક્ષેપો કરતો. ભાજપે જે કર્યું તેને શું કહેશો ? કોંગ્રેસે સત્તા ટકાવવા માટે મુસ્લિમ મતોના ઠેકેદાર ઉભા કર્યા પણ એ બધા રાજકારણી હતા. મુલાયમ, માયાવતી અને લાલુપ્રસાદ જેવા એક કદમ આગળ વધ્યા. તેમણે મુસ્લિમોમાં જે માથાભારે છે ને ગુંડાગીરી કરી ખાય છે તેવા લોકોને પકડ્યા ને પોતાની દુકાન ચલાવી. ભાજપ એ બધા કરતાં પણ હલકો સાબિત થયો ને તેણે દેશદ્રોહીઓને મુસ્લિમોના પ્રતિનિધી સ્થાપિત કરવાનો ખેલ માંડી દીધો.
સાબિરથી બિલકુલ સામા છેડાનો માણસ એટલે પ્રમોદ મુથાલિક. અને મુથાલિકના મામલે જે ભવાઈ ભજવાઈ તે પણ ભાજપના દંભને ખુલ્લો કરનારી છે. મુથાલિક મૂળ બજરંગ દળનો માણસ છે પણ તેની મહત્વાકાંક્ષા વધારે એટલે બજરંગ દળે તેને બાજુએ મૂકી દીધો હતો. મુથાલિક એ પછી હિન્દુ સેના ને શ્રી રામસેનાના નામે નવો તંબૂ તાણીને બેસી ગયેલો. આ દેશમાં હિન્દુ સંસ્કૃતિના રક્ષણના નામે જુવાન છોકરાં-છોકરીઓ પર દાદાગીરી ને તેમની મારઝૂડ કરવાની ફેશન શિવસેના ને વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ જેવાં અઢારમી સદીની માનસિકતા ધરાવતાં સંગઠનોએ શરૂ કરી છે. મુથાલિકે એ ફેશનને અપનાવી અને નવો બાવો બે ચિપીયા વધારે ખખડાવે એ હિસાબે તે વદારે ઝનૂનથી મચી પડ્યો. 2009માં મેંગલોરના એક પબમાં ઘૂસીને તેના ચેલકાઓએ હિન્દુત્વના નામે જે કંઈ કર્યુ તે આ દેશ માટે કલંકરૂપ હતું. કોલેજીયન છોકરીઓના વાળ પકડીને ઢસડવામાં આવી ને બેરહેમીથી ફટકારવામાં આવી.
હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીને માતા ગણવામાં આવી છે ને આ ક્યા પ્રકારનું હિન્દુત્વ છે તે ખબર નથી પણ ભાજપે આવા હલકટાઈ કરનાર મુથાલિકને પક્ષમાં લઈ લીધો. તેનું કારણ પણ સમજવા જેવું છે. મુથાલિકે કર્ણાટકના ધારવાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરેલી. આ બેઠક પરથી 2009માં કર્ણાટક ભાજપના પ્રમુખ પ્રહલાદ જોશી જીતેલા. મુથાલિક ઉભો રહ્યો એટલે જોશીને હારવાની બિક લાગી તેથી તે જોશીને ભાજપમાં લઈ આવ્યા. એ તો હોહા થઈ એટલે ભાજપે નાકલીટી તાણી, બાકી મુથાલિક ભાજપનો ઉમેદવાર પણ બની ગયો હોત.
મુથાલિક જેવા સાવ પછાતપણામાં જીવતા અને હિન્દુ સંસ્કૃતિના રક્ષણના નામે સ્ત્રીઓની મારઝૂડ કરીને મરદ હાવોન ભ્રમ પાળનારા લોકોને ટૂંકા સ્વાર્થ માટે પોંખીને ભાજપે સાબિત કર્યું કે તેનો સુધારાવાદી ચહેરો દંભ છે. તેને મુથાલિક જેવા લોકોને નાથવામાં કે રોકવામાં રસ નથી પણ તેમનો ઉપયોગ સત્તા માટે કરવામાં રસ છે.
સાબિર અલી અને મુથાલિક ભાજપને ચૂંટણીમાં શું ફાયદો કરાવી શક્યા હોત તે ખબર નથી પણ તેમના કારણે ભાજપનો અસલી ચહેરો લોકો સામે આવ્યો ખરો. ને ભાજપનો સત્તા માટેનો રઘવાટ પણ ખુલ્લો પડ્યો.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: