બે વર્ષ અગાઉ યોજાયેલી વડોદરા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી ) ની ચૂંટણી માં ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત પેનેલ સિવાય અપક્ષ ઉમેદવાર શૈલેષ પટેલ ને 3 સીટો મળી હતી. ત્યારથી જ શૈલેષ પટેલના મતોનું મહત્વ વધી ગયું હતું. કોઈ પણ બોર્ડ બનાવે પરંતુ શૈલેષ પટેલનું સમર્થન લેવાની જરૂર પડતી હતી. પરંતુ તે વખતે કોંગ્રેસે શૈલેષ પટેલને પ્રમુખ બનાવી તેમનું સમર્થન લઈ લીધું હતું. અને ડેરીમાં કોંગ્રેસ બોર્ડ બની ગયું હતું.
જોકે બે વર્ષ પછી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ડિરેક્ટરોએ શૈલેષ પટેલને પોતાના તરફી લાવી દીધાં અને મતદાન કરાવ્યું .અને પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં 17 દિવસ આજે હાઈકોર્ટે વોટ ગણતરી થતાં ભાજપને 9 અને કોંગ્રેસને 4 વોટ મળ્યાં હતાં . આ વખતે બોર્ડ ભાજપનું બન્યું છે.
જેમાં ભાજપના કરજણ બેઠકથી ધારાસભ્ય સતિષ પટેલ પ્રમુખ તરીકે અને શૈલેષ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.લોકસભાની ચૂંટણી પહેલા ડેરીમાં બનેલા ભાજપના બોર્ડથી વડોદરા જીલ્લા ભાજપને ફાયદો થશે તેમ મનાઈ રહ્યું છે.
નોંધનીય છેકે બરોડા ડેરીના પ્રમુખ – ઉપપ્રમુખ પદ માટે 13મી જાન્યુઆરીના રોજ મતદાન થયું હતું. ડેરીમાં ભાજપનું બોર્ડ બને તે માટે બે સભ્યોને ગેરલાયક ઠેરવવા અને બે મહિલા સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ કરવા સામે કોંગ્રેસના ડિરેક્ટર જી.બી.સોલંકીએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી.
જોકે ચૂંટણીના 17 દિવસ બાદ આજે હાઈકોર્ટમાં જાહેર કરાયેલા પરિણામ મુજબ પ્રમુખ પદે ભાજપના સતિષ પટેલ અને ઉપપ્રમુખ પદે ભાજપના શૈલેષ પટેલને વિજયી જાહેર કરાયા છે.
કોર્ટના આદેશ મુજબ અંતર્ગત ચૂંટણી અધિકારી-નાયબ કલેકટર રાકેશ વ્યાસે તા.28મીએ મતગણતરી પૂરી કરી પરિણામપત્રક સિલ બંધ કવરમાં કોર્ટમાં રજૂ કર્યું હતું. કોર્ટ દ્વારા આજે સિલબંધ કવર ખોલીને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોને 9-9 મત જ્યારે કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ પદના ઉમેદવારને 4-4 ૪ મત મળ્યા હોવાનું જાહેર કર્યું હતું.
ચૂંટણીમાં બે સરકારી પ્રતિનિધિઓના મતની ગણતરી કરાઇ નહોતી. બરોડા ડેરીમાં ભાજપનો ભગવો લહેરાતાં પક્ષના કાર્યકરો-આગેવાનોએ પ્રમુખ-ઉપપ્રમુખના વિજેતા ઉમેદવારોનું હારતોરાથી સ્વાગત કર્યું હતું.
પહેલી વખત બંન્ને હોદ્દા પર પટેલ હોદ્દેદારો
બરોડા ડેરીના 55 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી એક હોદા પર પટેલ તો બીજા હોદા પર ક્ષત્રિયની વરણી થતી હતી. આ પ્રથા વર્ષો સુધી ચાલી હતી. પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. જેમાં ડેરીના ઇતિહાસમાં પહેલી વખત પ્રમુખ-ઉપપ્રમુખના હોદ્દા પર પટેલ જ્ઞાતિના ઉમેદવારો ચૂંટાયા છે. અત્યાર સુધી ડેરીના આ બંને હોદ્દા માટે પટેલ-ક્ષત્રિય જ્ઞાતિને પ્રાધાન્ય અપાતું હતું. પરંતુ ભાજપે સત્તા માટે પહેલી વખત ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પટેલ ઉમેદવોરોને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપની યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવાની આ નીતિની ભાજપમાં ટીકા પણ થઇ રહી છે.બંને ઉમેદવાર એક જ જ્ઞાતિના ચૂંટાતા ડિરેકટરમાં પણ છૂપો અસંતોષ જોવા મળ્યો હતો.
MS/RP
Reader's Feedback: