બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા દ્વારા ભાવનગર જિલ્લાના મહુવામાં પાંચ શિખરના ભવ્ય મંદિરનાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. આ પ્રસંગે ૧૦,૦૦૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. સોમવારે જે શિખરબદ્ધ બે માળનાં નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ તેની વિશેષતા એ પણ છે કે તેનાં બાંધકામમાં ક્યાંય સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
તા.૨૧થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન જામનગર ખાતે શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં પ્રથમ દિવસે મહાયજ્ઞ થશે, બીજા દિવસે શોભાયાત્રા અને ત્રીજા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થશે.
સોમવારે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે પાંચ શિખરના ભવ્ય મંદિરનાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે સદ્દગુરૂ સંતોના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, વૈદિક મંત્રગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ખાસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સભા પણ યોજાઇ હતી.
મહોત્સવમાં રાજકીય-સામાજિક સહિત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ આવા મંદિરોનું નિર્માણ કરી, મંદિરમાં ચાલતી સમાજોદ્ધારક કાર્યો દ્વારા સમાજની, રાષ્ટ્રની અદ્ભૂતત સેવા કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મહુવાનાં આ મંદિરની ખાતવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં વરદ હસ્તે પ્રસાદીભૂત થયેલી શિલાઓથી તા.૧૯મી ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ સદ્દગુરૂ સંતોનાં હસ્તે સંપન્ન થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં સંતો-હરિભક્તો ઉપસ્થિત હતા. માત્ર પાંચ જ વર્ષના સમયમાં આ મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે.
MP/RP
Reader's Feedback: