
લોકસભાની ચૂંટણી માટેનો ખરી જંગ શરૂ થઈ ગયો છે અને ચૂંટણી પ્રક્રિયા સમાપન તરફ આગળ વધતી જાય છે તેમ તેમ ઉત્તેજના વધતી જાય છે. અત્યારે જે હવા જામેલી છે તે જોતાં આ ચૂંટણીમાં ભાજપ જોરમાં છે એવું લાગે છે. આ ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે ને સાથે સાથે દેશના મીડિયાની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે કેમ કે મીડિયાએ એવી હવા જમાવી દીધી છે કે મોદી ભાજપને બહુમતી અપાવીને કેન્દ્રમાં સરકાર રચશે જ. મીડિયા દ્વારા જે ઓપિનિયન પોલ કરાય છે તેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તેવી આગાહી થઈ રહી છે. છ મહિના પહેલાં આ પોલ શરૂ થયા ત્યારે એનડીએને 180ની આસપાસ બેઠકો મળશે તેવી આગાહીઓ થતી હતી ને છ મહિનામાં બેઠકોનો આંકડો વધીને 272ને પાર કરી ગયો છે તેના કારણે આ બધા પોલ સામે પણ સવાલો ઉઠવા માંડ્યા છે. અ સવાલો ઉઠવા પાછળનું મુખ્ય કારણ એ છે કે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં મીડિયા દ્વારા કરાતા આવા પોલ સદંતર ખોટા પડ્યા હતા ને આ પોલ કરનારા ઉંધા માથે પછડાયા હતા.
2004ની લોકસભા ચૂંટણી વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએનું શાસન હતું અને ભાજપે એ વખતે ઈન્ડિયા શાઈનિંગ સૂત્ર રમતુ મૂકીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. નરેન્દ્ર મોદી જેમ પ્રચારના ચેમ્પિયન છે તેમ પ્રમોદ મહાજન પણ પ્રચારના ચેમ્પિયન હતા. મોદીની જેમ એ પણ કોર્પોરેટ કંપનીઓના અને ઉદ્યોગપતિઓના લાડકા હતા. તેમણે ભાજપના પ્રચારને એકદમ હાઈ-ટેક બનાવી દીધેલો ને ભાજપ જ ભાજપ બધે દેખાય તેવો માહોલ કરી દીધેલો.
એ વખતે મીડિયા પણ આ ઈન્ડિયા શાઈનિંગની ચકાચૌંધથી અંજાઈ ગયેલું. મીડિયા દ્વારા જે ઓપિનિયન પોલ થતા હતા તે બધા એનડીએને 250ની આસપાસ બેઠકો મળશે તેવી આગાહી કરતા હતા. આજતક-ઓઆરજી-માર્ગના સર્વેમાં એનડીએને 248 અને કોંગ્રેસ-સાથી પક્ષોને 190 બેઠકો મળશે તેવી આગાહી થયેલી તો સ્ટાર ન્યુઝ-સી વોટરવાળ વધારે પડતા ઉત્સાહમાં આવી ગયેલા. તેમના સર્વેમાં 275 બેઠકો એનડીએને તથા કોંગ્રેસને-સાથી પક્ષોને 181 સુધી બેઠકો મળશે તેવી આગાહી કરાયેલી. ઝી ન્યુઝ -તાલીમના સર્વેમાં એનડીએને 249 અને કોંગ્રેસ-સાથી પક્ષોને 176 બેઠકો મળશે તેવી આગાહી થયેલી તો સહારા-ડીઆરએસના સર્વેમાં 278 બેઠકો એનડીએને તથા કોંગ્રેસને-સાથી પક્ષોને 186 સુધી બેઠકો મળશે તેવી આગાહી કરાયેલી. એનડીટીવી-એસી નિલસનના સર્વેમાં એનડીએને 230થી 250 અને કોંગ્રેસ-સાથી પક્ષોને 190થી 205 બેઠકો મળવાની આગાહી થઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસે એ.સી. નિલ્સન પાસે કરાવેલા સર્વેમાં તો એનડીએને 307 બેઠકો આપી દેવાયેલી.
ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે બધાનાં મોં કાળાંમેંશ થઈ ગયેલાં કેમ કે એનડીએને 187 બેઠકો મળેલી જે આગારી કરતાં લગભગ 70 જેટલી ઓછી હતી.
2009ની લોકસભા ચૂંટણી વખતે ફરી એ જ સીનેરિયો થઈ ગયો. એ વખતે મોટા ભાગના સર્વે કોંગ્રેસને 150ની આસપાસ બેઠકો મળશે તેવી આગાહી કરતા હતા. સીએનએન-આઈબીએનના સર્વેમાં કોંગ્રેસને 160 બેઠકોની આગાહી કરાયેલી તો સ્ટાર-નીલસનના સર્વેમાં પહેલાં કોંગ્રેસને 144 બેઠકો અને પછી 155 બેઠકો મળશે તેવો વર્તારો હતો.
લોકસભાની આ ચૂંટણી નરેન્દ્ર મોદી માટે પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે તેમણે લોકોમાં એક અપેક્ષા ઉભી કરી છે. મોદીએ આક્રમક પ્રચાર દ્વારા અને પાણીની જેમ રૂપિયા ખર્ચીને ચૂંટણીમાં પોતાની આબરૂને દાવ પર લગાવી દીધી છે. સી વોટર-વીકના સર્વેમાં કોંગ્રેસને 144 બેઠકો અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સર્વેમાં કોંગ્રેસને 146 બેઠકો મળવાની આગાહી કરાયેલી. આ બધા જ સર્વે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 185થી 200 બેઠકો મળશે તેવી આગાહી કરતા હતા.
ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે ફરી 2004 જેવી જ હાલત હતી. યુપીએને 200 બેઠકો માંડ મળવાની આગાહી થતી હતી ત્યાં કોંગ્રેસ જ એકલા હાથે 206 બેઠકો લઈ ગઈ હતી. એનડીએને 200 બેઠકોની આગાહી સામે 159 બેઠકો જ મળી હતી ને મનમોહનસિંહ પાછા ગાદી પર બેસી ગયા હતા.
2004 અને 2009ના ઓપિનિયન પોલ ધરાર ખોટા પડ્યા તે પાછળનાં કારણ સમજવા જેવાં છે. આ પોલ ખોટા પડવા માટે મીડિયા જવાબદાર નથી તેવું તો ના કહી શકાય કેમ કે મીડિયા આ ખોટા ચાળે ચડેલું છે. ઓપિનિયન પોલ ને એ બધા પશ્ચિમના વિચારો છે ને ત્યાં આ બધું ચાલે કેમ કે ત્યાં મતદારો ઓછા હોય ને જે લોકો જવાબ આપે એ સાચા આપે. આપણે ત્યાં તો 80 કરોડ મતદારો છે ને 545 બેઠકો છે. તેમાં તમે કરી કરીને કેટલા લોકોનો સર્વે કરો ? જે સર્વે અંગે સબ સે બડા સર્વે હોવાના દાવા કરાય છે એ બધા સર્વે પણ માંડ બે હજાર લોકોના અભિપ્રાય લઈને કરેલા હોય છે. 2004માં ઈન્ડિયન એક્સપ્રેસે એ.સી. નિલ્સન પાસે કરાવેલા સર્વેમાં 47 હજાર લોકોના અભિપ્રાય લીધો હોવાનો દાવો કરેલો. ભારતના ઈતિહાસમાં એ સૌથી મોટો સર્વે હોવાનો દાવો તેમણે કરેલો ને એ જ સર્વે સૌથી ખોટો પડ્યો કેમ કે તેમાં 307 બેઠકો એનડીએને મળશે તેવી આગાહી હતી ને તેની સામે મળી 187 બેઠકો. બીજુ એ કે ભારતમાં કોઈ એક રાજ્યમાં એક જ પ્રદેશના બે જુદા જુદા મતવિસ્તારના લોકોના રાજકીય મત સરખા નથી હોતા. ગુજરાતમાં જ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાજપનો ગઢ ગણાય છે તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ જ જીતે છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભાજપ કાળા ચોરને ઉભો રાખે તો એ જીતી જાય ને તેને અડકીને આવેલી બારડોલી (પહેલા માંડવી )બેઠક પર કોંગ્રેસ કદી જીતતી જ નથી.
આ બે ઓપિનિયન પોલના કારણે લોકોને હવે પોલ પર ભરોસો નથી બેસતો ને પોલમાં બધી પોલંપોલ જ ચાલે છે તેવું લોકોને લાગે છે. ખરેખર પોલમાં પોલંપોલ ચાલતી હશે કે નહીં તે ખબર નથી પણ મીડિયા માટે આ વખતે આબરૂનો સવાલ છે એ નક્કી છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: