
ભારતમાં ફિલ્મ સ્ટાર્સની લોકપ્રિયતા જબરદસ્ત છે અને લોકો તેમને ભગવાનની જેમ પૂજતા હોય છે એમ કહીએ તો ચાલે. ભગવાનની જેમ પૂજતા હોય છે એ વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો પણ તેમના માટે લોકોને જોરદાર અહોભાવ હોય છે એ વાતનો ઈન્કાર ના થઈ શકે. તેનું કારણ એ છે કે લોકો આ કલાકારોના વ્યક્તિત્વ વિશે બહુ માહિતગાર નથી હોતા ને તેમણે પડદા પર ભજવેલા રોલના આધારે તેમનું મૂલ્યાંકન કરતા હોય છે. એ જ કલાકારો જાહેર જીવનમાં આવે ત્યારે લોકોનો ભ્રમ ભાંગી જતો હોય છે ને તેમની જે ઈમેજ લોકોના મનમાં હોય છે તેનો ભાંગીને ભૂક્કો થઈ જતો હોય છે. લોકોને લાગવા માંડે છે કે જેને આપણે હુકમનો એક્કો સમજતા હતા તે તો સાલુ જોકર નિકળ્યો. અમદાવાદ પૂર્વની બેઠક પરથી ઉભા રહેલા અભિનેતા પરેશ રાવલ વિશે લોકોને અત્યારે આવી જ લાગણી થઈ રહી છે.
હિન્દી ફિલ્મોમાં ઢગલાબંઘ ગુજરાતી કલાકારો આવ્યા અને એ બધા કલાકારોમાં પરેશ રાવલ શ્રેષ્ઠ છે તેમાં બેમત નથી. કોઈને સંજીવ કુમાર પરેશ રાવલ કરતાં મહાન લાગી શકે પણ પરેશે જે પ્રકારના રોલ ભજવ્યા છે અને જેવી એક્ટિંગ ફિલ્મોમાં કરી છે તે જોતાં તેમને શ્રેષ્ઠ માનવા જ પડે. પરેશ પડદા પર આવે એ સાથે જ દર્શકોને જલસો થઈ જાય છે. એક્ટક તરીકે એ દાદો છે એ સ્વીકારવું પડે પણ ચૂંટણીના મેદાનમાં એ જે રીતે વર્તે છે તે જોયા પછી લાગે કે આ માણસે સોનાની જાળ પાણીમાં નાખી દીધી અને અત્યાર લગી લોકોના મનમાં તેના માટે જે અહોભાવ પેદા થયેલો તે તેણો ધોઈ નાંખ્યો. ચૂંટણી સભાઓમાં એ જે રીતે નરેન્દ્ર મોદીની ચાપલૂસી કરે છે, જે પ્રકારની ભાષા વાપરીને કોંગ્રેસને ગાળો દે છે તે બધું જોયા પછી લાગે કે આ માણસ માટે સાલુ આપણને ખોટો અહોભાવ થઈ ગયેલો.
નરેન્દ્ર મોદી સફળ રાજકારણી છે અને એક શાસક તરીકેની તેમની ક્ષમતા વિશે કોઈ શંકા નથી. પરેશ રાવલને તેમના માટે માન હોય તેમાં કશું ખોટું નથી પણ પરેશ જે રીતે તેમને લટૂડાપટૂડા કરે છે તે રીતે તો ભાજપના કાર્યકરો પણ નથી કરતા. એક કલાકારે આ હદે ઉતરવું પડે એ ખરેખર તેની કમનસીબી કહેવાય. પરેશ રાવલ ઉમેદવારીપત્ર ભરતી વખતે વિજય મૂહૂર્ત ના આવ્યું ત્યાં લગી બેસી રહ્યા એ તો વળી જોકરવેડાની હદ જ કહેવાય. જે માણસે ઓ માય ગોડ જેવી ફિલ્મ કરી હોય એ કલાકાર આ હદે અંધશ્રધ્ધાળુ હોય એ વાત જ લોકોને પચતી નથી. માણસની પોતાની આંગત માન્યતાઓ હોય ને એ પડદા પર જે પાત્રો ભજવતો હોય તેના કરતાં તે અંગત જીવનમાં અલગ હોય તેમાં કશું ખોટુ નથી પણ આ હદે અંધશ્રધ્ધા કે જોકરવેડા કરવા એ ગૌરવપ્રદ નથી જ. કમ સે કમ પરેશ રાવલ જેવા એક ઉંચાઈએ પહોંચેલા કલાકાર માટે તો નહીં જ.
કમનસીબી એ છે કે આપણે ત્યાં મોટા ભાગના કલાકારો આ વાત સમજતા નથી ને તેમને રાજકારણમાં શું લાટા દેખાય છે કે એ લેવા એ લોકો સાવ ગૌરવહીન બનીને કૂદી પડે છે ને પછી બડે બેઆબરૂ હોકર તેરે કૂંચે સે હમ નિકલે કરી ભાગી જાય છે. આવું ઘણા કલાકારોએ કર્યું છે ને રાજકારણમાં આવ્યા પછી જોકર સાબિત થનારા પરેશ રાવલ પહેલા કલાકાર નથી. હિન્દી ફિલ્મોમાં સુપરસ્ટારપદ ભોગવનારા ઘણા કલાકારો આ રીતે જોકર સાબિત થયા જ છે. તેની શરૂઆત અમિતાભ બચ્ચનથી થયેલી. ١٩٨٤માં અમિતાભ બચ્ચન રાજીવ ગાંધી સાથેની દોસ્તી નિભાવવા અલાહાબદ બેઠક પરથી ચૂંટણી લડ્યા ને જીતી ગયા. બે વરસમાં તો એ હાલત થઈ ગઈ કે જેને લોકો ભગવાન માનીને પૂજતા હતા એ બચ્ચનને લોકો દેશદ્રોહી અને બોફોર્સના દલાલ તરીકે ગાળો ભાંડતા હતા. કંટાળીને બચ્ચને રાજકારણ છોડવું પડ્યું ત્યારે તેની ઈજ્જત બચી. આ હાલત પડદા પર હીમેન બનીને ભલભલાને ધોઈ નાખતા ધર્મેન્દ્રની પણ થઈ છે ને જેની અદાઓ પર લોકો ઝૂમી ઉઠતા તે ગોવિંદાની પણ થઈ છે. એ લોકો પહેલી ટર્મમાં જ એ હદે હાંફી ગયા કે હવે રાજકારણનું નામ પડતાં જ દૂર ભાગે છે.
કલાકારો રાજકારણમાં ટક્યા નથી એવું પણ નથી. દક્ષિણમાં તો એન.ટી. રામારાવ કે એમ.જી. રામચંદ્રન કે જયલિલતા જેવાં કલાકાર મુખ્યમંત્રીપદ સુધી પણ પહોંચ્યાં છે. હવે કદાચ ચિરંજીવી પણ એ કક્ષામાં આવી જશે પણ હિન્દી ફિલ્મોના જે કલાકારો રાજકારણમાં ટક્યા છે એ બધા તમાચો મારીને મોં લાલ રાખવાની સ્થિતીમાં જ છે. વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા જેવા હીરો ભાજપમાં ચાલે જ છે. પણ બંનેની હાલત શું છે તે કહેવાની જરૂર નથી. પડદા પર આવતાં જ જેમને લોકો તાળીઓથી વધાવતા એવા આ અભિનેતાઓએ સાવ ફાલતુ કહેવાય તેવા રાજકારણીઓની કુરનિશ બજાવીને ટકવું પડે છે. સુનિલ દત્તે ભરપૂર સમાજસેવા કરેલી ને એ સળંગ જીતતા હતા પણ એ કદી રાજ્ય કક્ષાના પ્રધાનપદથી આગળ ના વધી શક્યા.
જયા પ્રદા રાજકારણમાં લાંબુ ખેંચી ગયાં છે પણ કઈ રીતે ખેંચી ગયાં તે કહેવાની જરૂર નથી. અમરસિંહ જેવા માણસને ખુશ રાખીને અને તેની કઠપૂતળી બનીને તમારે રહેવું પડે તેના કરતાં મોટી કમનસીબી બીજી કોઈ ના કહેવાય. જયા બચ્ચન મુલાયમસિંહના કારણે ટક્યાં છે અને એ એટલાં ઓશિયાળાં છે કે મુલાયમ આ દેશની મહિલાઓ માટે ગમે તે લવારા કરે, જયા બચ્ચનથી તેની સામે ચૂં નથી થઈ શકતું.
પરેશ રાવલ પણ તેમનાથી અલગ સાબિત થાય તેવી શક્યતા ઓછી છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: