(ફાઇલ ફોટો)
અમદાવાદ : ગુજરાતમાં 01 માર્ચ 2011ની મધરાત્રીએ બરાબર 12ના ટકોરે કુલ વસ્તી 6,04,39,692 નોંધાઇ હતી. એટલે કે 2001 થી 2011ના એક દાયકામાં ગુજરાતની વસ્તીમાં અંદાજે 1 કરોડનો વધારો નોંધાયો હતો. વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોની સંખ્યામાં 5.31 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ખેતમજૂરોની સંખ્યામાં 3.33 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તીમાં પણ વધારો નોંધાયો છે.ગુજરાતની વસ્તી ગણતરીની કામગીરી સંભાળનાર વસ્તી ગણતરી વિભાગ દ્વારા આજે ગાંધીનગ ખાતે પત્રકાર પરિષદ યોજીને માર્ચ-2011 રાજ્યભરમાં યોજાયેલી વસ્તી ગણતરીના આખરી આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર પહેલી માર્ચ 2011ની અડધી રાત્રે ગુજરાતમાં 6,04,39,692ની વસ્તી નોંધાઇ હતી. કુલ 97,68,675ની વસ્તીનો છેલ્લા 10 વર્ષમાં ઉમેરો થયો હતો. 2001થી અગાઉના દસ વર્ષમાં ગુજરાતની વસ્તી વૃદ્ધિનો દર 22.66 ટકા હતો તે 2001 થી 2011ના દાયકામાં વસ્તીવૃદ્ધિનો દર 19.28 ટકા નોંધાયો હતો એટલે કે ગુજરાતમં વસ્તીવૃદ્ધિના દરમાં અંદાજે 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વસ્તી ગણતરી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વસ્તીની ગીચતા એટલે કે 1 ચો.કી.મી. વિસ્તારમાં કેટલી વસ્તી છે તેમાં 2001માં 258 લોકો રહેતા હતા. જ્યારે 2011માં તેમાં વધારો થઇને 1 ચો.કી.મી. વિસ્તારમાં 308 લોકો વસે છે. ગુજરાતમાં સુરતમાં વસ્તીની ગીચતા સૌથી વધારે છે. 1 ચો.કી.મી. વિસ્તારમાં 1337 લોકો રહે છે. વેપાર ઉદ્યોગને કારણે સ્થળાંતરીત લોકોની વધારે વસ્તીને લીધે આ ગીચતા હોવાનું એક તારણ છે. સુરતમાં સૌથી વધુ વસ્તી હોવાનું પણ નોંધાયું છે.
1961માં ગુજરાતમાં 25 ટકા શહેરી વિસ્તાર હતો. જે 2011માં 42.6 ટકા નોંધાયો છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 2001માં 37.36 ટકા લોકો શહેરી વિસ્તારમાં વસતા હતા. હવે 42.6 ટકા લોકો શહેરી વિસ્તારમાં વસે છે. રાજ્યમાં દલિતો અને આદિવાસીઓની વસ્તીમાં પણ વધારો નોંધાયો છે. દલિતોની વસ્તીમાં 6 લાખની જનસંખ્યા અને આદિવાસીઓની જનસંખ્યામાં 13 લાખનો વધારો નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં દલિતોની સંખ્યા સૌથી વધુ અને દાહોદ જિલ્લામાં આદિવાસીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઇ છે.
સાક્ષરતાની વાત કરીએ તો ગુજરાતમાં સાક્ષરતાનો દર 2011માં 78.03 ટકા નોંધાયો હતો. 2001માં સાક્ષરતાનો દર 69.14 ટકા હતો. જેમાં હવે અંદાજે 9 ટકાનો વધારો નોંધાયો છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓની વસ્તી 94 ટકા નોંધાયેલી છે. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં મહિલાઓને રોજગારી આપવામાં ઘટાડો નોંધાયો છે અને ખેડૂતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે તો ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો છે.
PG/DT
Reader's Feedback: